Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

કોરોનાની સારવારમાં નક્કી કરેલા ચાર્જથી વધુ વસુલવા બદલ હોસ્પિટલને ૧ લાખ રીફંડ આપવા હુકમ

રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા કરવામાં આવેલ હુકમ

રાજકોટ તા. ૯ : કોરોનાની સારવારમાં વધુ ચાર્જ વસુલવા બદલ હોસ્પિટલને ૧ લાખ રીફંડ આપવા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. રાજકોટના પિયુષ રજનીકાંત ગાંધી અને તેમના પત્નિને ૨૦૨૦ દરમિયાન કોરોના થયેલ હતો અને તેથી તેમણે વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટમાં અંદરના દર્દી તરીકે દાખલ થઇને સારવાર મેળવેલ હતી. ત્યાંથી ડીસ્ચાર્જ લીધા બાદ પીયુષ ગાંધીએ તેના તમામ સારવારના બીલ્સ અને પેપર્સ સાથે ધી ઓરીએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લી.માં તેનો કલેઇમ નોંધાવેલ હતો કે જેમાં તેનો હેપી ફેમીલી ફલોટર વીમા પોલીસી ચાલુ હતી.

હાલના કેસમાં હોસ્પિટલે ચાર્જ વધારે વસુલેલ હતા તેથી ધી ઓરીએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લીમીટેડ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને નક્કી કરેલી ગાઇડલાઇન મુજબની ગણતરી કરીને પીયુષ ગાંધીનો અને તેના પત્નિનો એમ બંનેના કલેઇમ મંજુર કરી પેમેન્ટ ચુકવી આપેલ હતું અને બાકીની વધારાની રકમ હોસ્પિટલ પાસેથી વસુલવી તેમ ફરીયાદી પિયુષ ગાંધીને જણાવેલ હતું.

તેથી ફરીયાદી પીયુષ રજનીકાંત ગાંધી એ રાજકોટ કન્ઝયુમર કોર્ટ સમક્ષ તેની અને તેના પત્નિની એમ બે અલગ અલગ ફરિયાદ દાખલ કરેલ હતી અને તેમાં સામાવાળા તરીકે વીમા કંપની અને હોસ્પીટલ બન્નેની પક્ષકાર તરીકે જોડવામાં આવેલ હતા. નોટીસ બજી જતા ધી ઓરીએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લી. વતી તેમના વિદ્વાન વકિલ અને સીનીયર ધારાશાસ્ત્રી નરેશભાઇ એમ. સીનરોજા હાજર થયેલ હતા તેમણે તેના લેખીત જવાબ અને દલીલમાં જણાવેલ હતું કે રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશને નકકી કરેલી ગાઇડલાઇન મુજબની ગણતરી કરીને વીમા કંપનીએ ફરીયાદીનો ચુકવવા પાત્ર થતો કલેઇમ ચુકવી આપેલ છે બાકીની રકમ જે છે તે હોસ્પીટલે વધુ પડતો ચાર્જ વસુલેલ છે તેથી બાકીની રકમ હોસ્પીટલ પાસેથી વસુલવી તેવી વિગતવાર દલીલ કરેલ હતી. ત્યારબાદ હોસ્પીટલ તરફે તેમના વકીલશ્રી અને ફરીયાદીની વકીલ સાંભળી રાજકોટ કન્ઝયુમર આયોગના મુખ્ય જજે તેમનો ચુકાદો આપેલ હતો.આ ચુકાદામાં નામદાર ગ્રાહક કોર્ટના પ્રમુખે જણાવેલ છે કે હોસ્પીટલે રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન કરેલ નથી અને તેથી બંને અરજદારો પાસેથી અનુક્રમે રૃા. ૭૧,૧૯૧ તથા રૃા. ૩૮,૧૯ર વધુ પડતો લેવામાં આવેલ ચાર્જ હોસ્પીટલે ફરીયાદીને પરત કરવો આમ બન્ને ફરીયાદના મળીને કુલ રકમ રૃા. ૧,૦૯,૩૮૩ ફરીયાદીને પરત કરવા તેવો હુકમ કરેલ છે.

આ કામે સામાવાળા ધી ઓરીએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લીમીટેડ વતી રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી નરેશભાઇ એમ. સીનરોજા તથા તેમની સાથે ચિરાગ જી. છગ એડવોકેટ રોકાયેલ હતાં.

(3:34 pm IST)