Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

અસામાજીક તત્‍વો - બુટલેગરોના સાથથી ભાજપ ચૂંટણી જીતે છે : મનિષ દોશી

અમદાવાદ શહેર ભાજપના કથીત પત્રમાં પાર્ટી સાથે ન હોય તેવા બુટલેગરોનું લીસ્‍ટ મોકલવા જણાવાયુ : કોંગ્રેસની સત્તા પક્ષ ઉપર તડાપીટ : રાજકારણમાં ખળભળાટ : ભાજપ સાથે હોય તેવા બુટલેગરોની યાદી જાહેર કરવા કોંગ્રેસની માંગ

રાજકોટ તા. ૯ : રાજ્‍યમાં વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થઇ ચૂકી છે. તા. ૧ અને ૫ ડિસેમ્‍બરના રોજ બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. ત્‍યારે રાજકીય પક્ષો વચ્‍ચે આરોપો - પ્રત્‍યારોપનો સીલસીલો શરૂ થઇ ગયો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રણેય પક્ષો એક્‍શનમાં આવી ગયા છે. હવે વાર પલટવારની સ્‍થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ શહેર ભાજપના કથિત પત્રથી રાજકારણમાં એક નવો જ વિવાદ સામે આવ્‍યો છે. ભાજપના કથિત પત્રથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી જવા પામ્‍યો છે. અમદાવાદ શહેર ભાજપ ચૂંટણીમાં બુટલેગરોનો સહારો લેતી હોવાનો કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ દાવો કર્યો હોવાનો ન્‍યુઝ ૧૮ ગુજરાતીના અહેવાલો છે. બીજી બાજુ ભાજપ શહેર પ્રમુખ અમિત શાહે કથિક પત્ર વાઈરલ મામલે જણાવ્‍યું છે કે અમારા પત્ર સાથે છેડછાડ કરીને ખોટો પત્ર વાયરલ કરાયો છે.

અમદાવાદ શહેર ભાજપના પત્રને લઈને કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવ્‍યા છે. કથિક પત્રમાં ૧૩જ્રાક્રત્‍ન નંબરના મુદ્દામાં ભાજપ સમર્થક ન હોય તેવા બુટલેગરોની યાદી બનાવવા આદેશ કરાયો છે. હવે ભાજપના પત્રમાં બુટલેગરોનો ઉલ્લેખ કેમ તે એક મોટો સવાલ ઉભો કરી. કોંગ્રેસે જણાવ્‍યું છે કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બુટલેગરોનો સાથ મળતો હોય તેવું એક કથિત પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે, જેને કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણી વ્‍યવસ્‍થા માટે કરાયેલ પત્રમાં ચોંકાવનાર મુદ્દો સામે આવ્‍યો છે. ભાજપે અમદાવાદના હોદ્દેદારો પાસે એમની સાથે ના હોય એવા બુટલેગરોનું લિસ્‍ટ મંગાવ્‍યું છે. પત્રમાં ૧૩ નંબરના મુદ્દામાં આપણા સમર્થક ના હોય એવા બુટલેગરોની યાદી જલ્‍દી મોકલવા સૂચના આપવામાં આવી છે.

કોંગ્રેસ પ્રવક્‍તા મનીષ દોશીએ આ વિશે ભાજપ પર અનેક આક્ષેપો લગાવ્‍યા છે. મનીષ દોશીએ જણાવ્‍યું હતું કે, ચૂંટણી વ્‍યવસ્‍થા માટે મહત્‍વના મુદ્દામાં જ ભાજપનો અસલી ચહેરો દેખાય છે. ૧૩ નંબરની સુચનામાં ભાજપ સાથે બુટલેગરો ના હોય એનું લિસ્‍ટ મંગાવ્‍યું છે. અસામાજિક તત્‍વો અને બુટલેગરનો સાથ લઇ ભાજપ ચૂંટણી જીતે છે. જે તેમની સાથે ના જોડાય એમને કેવી રીતે સીધા કરવા એ માટે લિસ્‍ટ મંગાવ્‍યું હોવાનો આરોપ ભાજપ પર લગાવ્‍યો છે. ભાજપની હકીકત છતી કરતો આ પત્ર સામે આવતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્‍યો છે. ત્‍યારે તમારી સાથે હોય એવા બુટલેગરોના નામની યાદી ભાજપ જાહેર કરે. ચૂંટણીમાં ભાજપ અસામાજિક તત્‍વોનો સાથ લે છે.

આ સમગ્ર ઘટનાને લઈને અનેક મોટા સવાલો ઉભા થયા છે. ત્‍યારે શું અમદાવાદ ભાજપના પત્રમાં આ ઉલ્લેખ હકીકતે થયો છે? શું ભાજપ ગુંડાઓ અને બુટલેગરોની મદદથી ચૂંટણી જીતે છે? અમદાવાદ શહેર પ્રમુખ પાસે આ પત્ર અંગે જવાબ છે? વિરોધી બુટલેગરોની યાદી કેમ માગવામાં આવી? દારૂબંધીથી અમદાવાદ શહેર પ્રમુખ અજાણ છે? આ તમામ સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે. પરંતુ જયારે ભાજપ શહેર પ્રમુખ અમિત શાહને આ કથિત પત્ર વિશે પુછવામાં આવ્‍યું ત્‍યારે તેમને પત્ર સાથે છેડછાડ કરીને ખોટો પત્ર વાયરલ કર્યો છે, તેવો ખુલાસો આપ્‍યો હતો.

(3:33 pm IST)