Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

મંગળવારે મનપાનું જનરલ બોર્ડ : ગેરલાયક ઠરેલા બે સભ્‍યો કોર્ટના દ્વારે

પ્રશ્નોત્તરી નહિ થાય : સ્‍માર્ટ સીટી વિસ્‍તારમાં નિર્માણ પામેલ લાઇટ હાઉસ પ્રોજેકટના આવાસોનું જીજાબાઇ ટાઉનશીપ નામ આપવા તથા વોર્ડ નં. ૪, ૧૦, ૧૧ અને ૧૨ની વિવિધ આવાસ યોજનાઓના નામકરણ કરવા સહિતની ૧૨ દરખાસ્‍તો પણ પેન્‍ડીંગ રહેશે

રાજકોટ તા. ૯ : મ્‍યુનિ. કોર્પોરેશનમાં દર બે મહિને મળતી જનરલ બોર્ડની બેઠક આગામી તા. ૧૫ નવેમ્‍બરને મંગળવારે સવારે ૧૧ વાગ્‍યે મળશે. આચારસંહિતાના કારણે સામાન્‍ય સભા ઔપચારિક બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગેરલાયક ઠરેલા વશરામ સાગઠિયાએ જણાવ્‍યું હતું કે, બોર્ડમાં નહિ આવે પણ સરકારના ચુકાદા સામે આજે હાઇકોર્ટના દ્વારે પહોંચ્‍યા છીએ.
આગામી તા. ૧૫ને મંગળવારે મળનારી જનરલ બોર્ડ મીટીંગમાં વાવડી સિપાહી જમાત વકફ ટ્રસ્‍ટ, વાવડીને કબ્રસ્‍તાન માટે સરકારી ખરાબા વાવડી રે.સ.નં. ૧૪૯/પૈકીની જમીનમાં નીમ કરવા, શહેરના કોઠારીયા રોડ પર આવેલ વીર ભગતસિંહ શોપીંગ સેન્‍ટરની ગ્રા.ફ. દુકાન નં. ૪૦માં ખરીદનારના નામનો ઉમેરો કરી આપવા, સેનેટરી બસ ઇન્‍સ્‍પેકટર જગ્‍યાના ભરતીના નિયમોમાં ફેરફાર કરવા, ટેનિકલ આસીસ્‍ટન્‍ટ (ટેકસ) સંવર્ગની લાયકાત, ભરતીના નિયમોમાં સુધારો કરી વર્ક આસીસ્‍ટન્‍ટ (સિવિલ) સંવર્ગમાં સમાવેશ કરવા અને નામાભિધાન વર્ક આસીસ્‍ટન્‍ટ (સિવિલ) કરવા, મહાનગરપાલિકાની વર્ક આસીસ્‍ટન્‍ટ (ઇલેકટ્રીકલ) સંવર્ગના રિક્રુટમેન્‍ટ રૂલ્‍સમાં સુધારો કરવા અંગે મ્‍યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં. ૨૯૦ તા. ૨૭-૯-૨૦૨૨ તથા તે પરત્‍વેનો સ્‍ટે. ક.ઠ.નં. ૩૨૮ તા. ૧૭-૧૦-૨૦૨૨ લક્ષમાં લઇ નિર્ણય લેવા. મહાનગરપાલિકાની સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખામાં ફરજ બજાવતા સફાઇ કામદારને તેની નોકરી દરમિયાન સફાઇ કામગીરીના કારણે કોઇ રોગના ભોગ બને અને કાયમી અશકત જાહેર થાય અથવા સફાઇ કામદારનું નોકરી દરમિયાન અવસાન થાય અથવા સફાઇ કામદાર લાપતા હોય તેવા સંજોગોમાં તે સફાઇ કામદારના કોઇ એક વારસદારને રહેમરાહે નોકરી આપવા અંગેના નિયમોમાં સુધારા કરવા. મવડી નગરપંચાયતના કુલ ૨ કર્મચારીઓની મહાનગરપાલિકાની સેવાઓ રૈયા નગરપાલિકાના કર્મચારીઓની માફક તા. ૧-૧૦-૨૦૦૧થી વર્ગ-૩માં જુનિયર કલાર્ક સંવર્ગમાં સળંગ ગણવા, મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતિ સરોજીની નાયડુ ગર્લ્‍સ હાઇસ્‍કુલના રોજમદાર જુનિયર કલાર્ક નિલેશ કાંતિલાલ પંડયાને મહાનગરપાલિકાના કાયમી સ્‍ટાફ સેટઅપની જુનિયર કલાર્કની જગ્‍યા પર સમાવેશ કરવા, શહેરના વોર્ડ નં. ૧૧માં વેસ્‍ટ ઝોન પેકેજ-૧ હેઠળ તૈયાર થયેલ આવાસ યોજનાના શોપીંગ સેન્‍ટરની દુકાનો જાહેર હરરાજીથી વેચાણથી આપી, દસ્‍તાવેજ કરી આપવા અંગે મ્‍યુનિસિપલ કમિશનરનો પત્ર નં. ૩૫૫ તા. ૧૩-૧૦-૨૦૨૨ તથા તે પરત્‍વેનો સ્‍ટે. ક.ઠ.નં. ૩૯૩ તા. ૧૭/૧૦/૨૦૨૨ લક્ષમાં લઇ નિર્ણય લેવા. શહેરના વોર્ડ નં. ૪, ૧૦, ૧૧ અને ૧૨ના વિવિધ વિસ્‍તારોમાં બનાવામાં આવેલ જુદી-જુદી આવાસ યોજનાના નામકરણ કરવા તથા સ્‍માર્ટ સીટી વિસ્‍તાર, રૈયા રોડ ખાતે બનાવવામાં આવેલ લાઇટ હાઉસ પ્રોજેકટ હાઉસનું જીજાબાઇ નામ આપવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજકામ જાણમાં લેવા સહિત કુલ ૧૨ દરખાસ્‍તોનો સમાવેશ થાય છે.
 જો કે ઉપરોકત તમામ દરખાસ્‍તો પેન્‍ડીંગ રાખવાની ફરજ પડશે. કેમકે ૮મીએ ચૂંટણીના પરિણામ સુધી આદર્શ આચારસંહિતા અમલમાં રહેશે. એટલું જ નહી પ્રશ્નોત્તરી પણ નહી થઇ શકે. આમ ૧૫મીની જનરલ બોર્ડ મીટીંગ માત્ર વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જ મળશે અને ગણતરીની મીનીટોમાં જ બોર્ડ મીટીંગ પૂર્ણ કરી દેવાશે.

 

(3:30 pm IST)