Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ભાજપ હાઇકમાન્‍ડ કોની પસંદગી કરશે ? રાજકોટમાં એક જ ચર્ચા

શહેરની ચારેય હોટ સીટ માટે કોની પસંદગી કરવી એ બાબતને લઇને ભાજપની નેતાગીરી પણ મુંઝવણમાં : તમામ બેઠકો માટે જબરૂ લોબીંગઃ આખરે ધાર્યુ તો મોદી અને શાહનું જ થાય તેવી શક્‍યતા

રાજકોટ તા. ૯: સૌરાષ્‍ટ્રના પાટનગર ગણાતા રાજકોટની વિધાનસભાની કુલ ૪ બેઠકો માટે ભાજપ કોની પસંદગી કરે છે તે બાબતને લઇને શહેરભરમાં જબરી ચર્ચા-અનુમાનો અને અટકળોની આંધી ફૂંકાઇ રહી છે. રાજકોટ શહેરની ચારેય હોટસીટ ઉપર પસંદગી પામવા ઉમેદવારો દ્વારા જબરૂ લોબીંગ થઇ રહ્યાની પણ ચર્ચા છે પરંતુ આખરી નિર્ણય મોદી અને શાહ જ લે તેવી શક્‍યતા છે. એવુ પણ બને કે, જે નામો ચર્ચામાં છે તેના બદલે કોઇ નવુ જ નામ બહાર આવે.
ભાજપની નેતાગીરી આજે સાંજે મળી રહી છે અને તેમાં પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી શક્‍યતા છે. આવતીકાલ સાંજ સુધીમાં ચારેય બેઠક ઉપર કોની પસંદગી થઇ છે તે નિર્ણય બહાર આવી જશે પરંતુ ત્‍યાં સુધી માત્ર ભાજપમાં જ નહીં શહેરીજનોમાં પણ નામોને લઇને જબરી ચર્ચા છે.
એવુ ચર્ચાય છે કે, પૂર્વ મુખ્‍યમંત્રી રૂપાણી ભારદ્વાજ માટે દબાણ કરી રહ્યા છે તો વજુભાઇ પોતાના પીએને આગળ કરવા હાઇકમાન્‍ડ પાસે માંગણી કરી રહ્યા છે. તો બીજી તરફ પાટીદાર અગ્રણી નરેશ પટેલ પણ પોતાના ઉમેદવારને લાવવા મેદાનમાં ઉતર્યા છે. તેઓ પાટીદાર ઉમેદવાર માટે લોબીંગ કરી રહ્યા હોવાનું કહેવાય છે. જે રીતે દિગ્‍ગજો દ્વારા લોબીંગ થઇ રહ્યુ છે તે જોતા પસંદગીની પ્રક્રિયા નેતાગીરી માટે મુશ્‍કેલ બની હોવાનું પણ કહેવાય છે.
રાજકોટની ચારેય બેઠકો માટે નીતિન ભારદ્વાજ, તેજસ ભટ્ટી, ડો. દશિર્તા શાહ, અનિલ દેસાઇ, કમલેશ મીરાણી, કંચનબેન બગડા, ભાનુબેન બાબરીયા, બિંદીયાબેન, રમેશ ટીલાળા, વી.પી. વૈષ્‍ણવ, નરેન્‍દ્ર સોલંકી, ડો. ભરત બોઘરા, કશ્‍યપ શુક્‍લ, કલ્‍પક મણીયાર વગેરેના નામો લોકોના મોઢે રમી રહ્યા છે. આ બધામાંથી કોઇની પસંદગી થાય છે કે પછી હાઇકમાન્‍ડ કોથળામાંથી બીલાડુ કાઢે છે તે જોવાનું રહ્યુ.

 

(3:28 pm IST)