Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

રાજકોટ આરટીઓ કચેરીમાં વહેલી સવારે આગઃ લાયસન્સ વિભાગમાં મોટી નુકસાની

સવારે સવા ત્રણેક વાગ્યે ધડાકા સાથે આગ ભભૂકીઃ સિકયુરીટી ગાર્ડ જોરૂભાએ અધિકારીઓ, ફાયર બ્રિગેડને જાણ કરીઃ અઢી કલાકે કાબૂમાં આવીઃ શોર્ટ સરકિટથી લાગ્યાનું તારણઃ ડ્રાઇવીંગ ટેસ્ટ બંધ

તસ્વીરમાં આગનું દ્રશ્ય તથા આરટીઓ કચેરી અને આગ લાગવાથી લાયસન્સ વિભાગ નંબર પ્લેટ વિભાગની હાલત કેવી થઇ ગઇ તેના દ્રશ્યો નજરે પડે છે (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૯: શહેરની આરટીઓ કચેરીમાં વહેલી સવારે સવા ત્રણેક વાગ્યા આસપાસ મુખ્ય બિલ્ડીંગમાં પહેલા માળે લાયસન્સ શાખામાં એચએસઆરપી નંબર પ્લેટ વિભાગમાં આગ ભભૂકી ઉઠતાં અને જોતજોતામાં મોટુ સ્વરૂપ પકડી લેતાં આ વિભાગમાં ભારે નુકસાની થઇ હતી. સિકયુરીટી ગાર્ડ મારફત જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને અઢી કલાકની જહેમતને અંતે આગ કાબૂમાં લીધી હતી. શોર્ટ સરકિટથી આગ લાગ્યાનું તારણ નીકળ્યું હતું. આગને કારણે આજે આરટીઓમાં ડ્રાઇવીંગ ટેસ્ટ સહિતની કાર્યવાહી બંધ રાખવી પડે તેમ હોવાનું આરટીઓ સુત્રો મારફત જાણવા મળ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ સવારે સવા ત્રણેક વાગ્યે આરટીઓની મુખ્ય બિલ્ડીંગના એ-વિભાગમાં આવેલી લાયસન્સ શાખાના એચએસઆરપી નંબર પ્લેટ વિભાગમાં ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. આ વખતે ફરજ પર રહેલા જોરૂભા ઓમતાભાઇ ખુમાણ તુરત જ ત્યાં દોડી ગયા હતાં અને તપાસ કરી ફાયર બ્રિગેડ તથા આરટીઓ અધિકારીઓને જાણ કરી હતી. પોલીસ પણ જાણ થતાં પહોંચી ગઇ હતી.
ફાયર બ્રિગેડના રસિકભાઇ, મહેશભાઇ, અજુૃનભાઇ, ઇમરાનભાઇ સહિતના સ્ટાફે ચાર બંબાની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. લગભગ અઢી કલાકે આગ કાબૂમાં આવી હતી. આગને કારણે તમામ સ્ટેશનરી, ફર્નિચર, કબાટ, કોમ્પ્યુટર, ઇલેકટ્રીક વાયરીંગ, લેપટોપ, મુલાકાતીઓને બેસવાની ખુરશીઓ, પીઓપી છત એમ બધુ જ બળીને ખાક થઇ જતાં મોટી નુકસાની થઇ હતી. આગ શોર્ટ સરકિટથી લાગ્યાનું પ્રાથમિક તારણ છે. આગની ઘટનાને કારણે આજે ડ્રાઇવીંગ ટેસ્ટ સહિતની કામગીરીને અસર પહોંચે તેવી શકયતા જણાવાઇ હતી.  

 

(12:04 pm IST)