Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ચૂંટણી પંચની સી-વિજીલ એપ ઉપર ફરીયાદોના ઢગલા બે દિવસમાં ૨૭ ફરીયાદો : તમામનો નિકાલ કરાયો

રાજકોટ,તા.૯ :  રાજકોટ જિલ્લામાં હાલ વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચારસંહિતા અમલી છે ત્‍યારે, વિવિધ વિસ્‍તારોમાં થતા આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો સી-વિજીલ એપ પર ફરિયાદો કરીને ચૂંટણી તંત્રનું ધ્‍યાન દોરી રહ્યા છે. રાજકોટ જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્‍તારોમાંથી ગઇ કાલે આવેલી પાંચ ફરિયાદો સહિત કુલ ૨૭ ફરિયાદોનો ચૂંટણીતંત્ર દ્વારા ગણતરીની મિનિટોમાં જ નિકાલ કરાયો છે.

આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે ટોલ ફ્રી હેલ્‍પલાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૩૨૨ જારી કરવામાં આવ્‍યો છે. ઉપરાંત સી-વિજીલ મોબાઈલ એપ પર પણ ફરિયાદ કરી શકાય છે.

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે કાર્યરત ફરિયાદ નિવારણ સેલમાં સી વિજીલ એપના માધ્‍યમથી અત્‍યાર સુધીમાં ૨૭ જેટલી ફરિયાદો આવી છે. જેમાં બે ફરિયાદો સદંતર ખોટી હોવાથી પડતી મૂકવામાં આવી હતી. જયારે ધોરાજી તથા જસદણ વિસ્‍તારમાંથી ૧-૧, ગોંડલ મત ક્ષેત્રમાંથી ૧૦, જેતપુર ક્ષેત્રમાંથી ૨, રાજકોટ પૂર્વમાંથી ૩, રાજકોટ ગ્રામ્‍યમાં થી ૨, રાજકોટ દક્ષિણમાંથી ૫ તથા રાજકોટ પヘમિ ક્ષેત્રમાંથી ૧ મળીને કુલ ૨૫ ફરિયાદો નોંધાઇ હતી. આ ફરિયાદો પર ત્‍વરિત કાર્યવાહી કરીને તેનો નિકાલ કરવામાં આવ્‍યો હતો.  રાજકોટ જિલ્લાના ટોલ ફ્રી નંબર પર હજુ સુધી કોઈ ફરિયાદ આવી નથી.

આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગની ફરિયાદોના નિવારણ માટે ચૂંટણીપંચ દ્વારા અસરકારક પદ્ધતિ ગોઠવવામાં આવી છે. જે મુજબ સી વિજીલ એપ પર કોઈ નાગરિક ફરિયાદ અપલોડ કરે ત્‍યારે, કન્‍ટ્રોલ રૂમમાંથી આ ફરિયાદ પાંચ જ મિનિટમાં, જે તે વિધાનસભા મત વિસ્‍તારની હોય, એ વિસ્‍તારમાં કાર્યરત ફલાઈંગ સ્‍કવોડને મોકલવામાં આવે છે. ફલાઈંગ સ્‍કવોડ આ ફરિયાદ પર તુરંત પગલાં લે છે અને વધુમાં વધુ ૧૦૦ મિનિટની અંદર આ ફરિયાદ ઉકેલી નાખે છે. આ ફરિયાદ ઉકેલાઈ ગયાની ખાતરી જે તે મતક્ષેત્રના ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં અત્‍યાર સુધીમાં આવેલી ફરિયાદો સરેરાશ સાત મિનિટ જેટલા ટુંકાગાળામાં ઉકેલવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના વિવિધ મત ક્ષેત્રોમાંથી મોટાભાગની ફરિયાદો સરકારી દીવાલો પર પોસ્‍ટર લગાવવા, વૃક્ષો તેમજ જાહેર સ્‍થળો પર મંજૂરી વિના પોસ્‍ટર કે બેનર લગાવેલા હોવાની હતી. 

(11:07 am IST)