Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ચૂંટણી સમાજમાં વૈમનસ્ય ઉભું કરે, છતાં પણ તંદુરસ્ત હરીફાઇ આવકાર્યઃ કાશ્મીરાબેન નથવાણી

લોહાણા મહાજનની ચૂંટણી નિષ્પક્ષતાથી અને નિષ્ઠાપૂર્વક થાય તેવા પ્રયત્નો ઇચ્છનીય હોવાનું જણાવતા કાશ્મીરાબેનઃ પોતે ચૂંટણી નહીં લડતા હોવાનું પણ ટેલિફોનિક નિવેદન આપ્યું

રાજકોટ તા. ૯ :.. ગઇકાલે લોહાણા મહાજન રાજકોટના ટ્રસ્ટીઓની મીટીંગમાં લોહાણા મહાજનની ચૂંટણી યોજાવાની તારીખ ૮ જૂલાઇ ર૦૧૮ જાહેર થઇ છે ત્યારે લોહાણા મહાજન રાજકોટના હાલના પ્રમુખ કાશ્મીરાબેન નથવાણીએ જણાવ્યું હતું કે ચૂંટણીને કારણે સમાજમાં અંદરો-અંદર દુશ્મનાવટ અને વૈમનસ્ય ઉભુ થાય છે. છતાં પણ લોકશાહીના સિધ્ધાંતોને અનુરૂપ તંદુરસ્ત અને હકારાત્મક વાતાવરણમાં ચુંટણી - હરીફાઇ આવકાર્ય છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તેમના પ્રમુખપદ હેઠળ આ ઐતિહાસીક ચૂંટણી નિષ્પક્ષતાથી અને પુરી નિષ્ઠાથી લડવામાં આવે તેવો તેમનો પ્રયત્ન રહેશે. પોતે ચૂંટણી નહીં લડતા હોવાનું પણ તેઓએ ટેલીફોનીક નિવેદન આપ્યું હતું.  સમાજ જે રીતે ઇચ્છે તે પ્રમાણે પારદર્શકતા સાથે કાયદાની મર્યાદામાં રહીને ચૂંટણી પ્રક્રિયા કરવાનો તેઓએ  કોલ આપ્યો હતો. સમાજ તથા મતદારોની સરળતા માટે સંજોગોને આધીન ટ્રસ્ટીઓની કમીટીને ચૂંટણી પ્રક્રિયામાં યથાયોગ્ય ફેરફાર કરવાનો અધિકાર હોવાનું પણ કાશ્મીરાબેને જણાવ્યું હતું.

સૌપ્રથમ માત્ર પ્રમુખપદની જ ચૂંટણી કરવાનું તેઓએ કાયદાકીય અને બંધારણ પ્રમાણે યોગ્ય ગણાવ્યું હતું. પ્રમુખપદના ઉમેદવાર પોતાના પ્રચાર-ઢંઢેરા વખતે  પેમ્પલેટ દ્વારા પોતાની સમગ્ર કારોબારી જાહેર કરી શકતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પરંતુ ઉમેદવારી નોંધાવતી વખતે પ્રમુખપદના ઉમેદવાર પોતાની સમગ્ર કારોબારીના નામ આપે તે બાબત કોર્ટ મેટર બનવાની શકયતા દર્શાવી હતી. 

ચૂંટણી સ્થળ કેસરીયા લોહાણા મહાજનવાડી કાલાવડ રોડ,  રાજકોટ રાખેલ હોય, ત્યાં સંભવિત અગવડતા બાબતે કાશ્મીરાબેને કહ્યું હતું કે મતદાન સ્થળે ૧૦ થી ર૦ જેટલા ટેબલ અને મતદાન કુટીર રાખવાની મહાજનની તૈયારી છે. કદાચ ર૦ થી રપ હજાર જેટલા મતદારો મતદાન કરે તો પણ સવારે ૮ થી સાંજે પ વાગ્યા દરમ્યાનના ગાળામાં વારાફરતી સરળતાથી મતદાન કરી શકે તેવી  વ્યવસ્થા ગોઠવાઇ રહી છે.

અંતમાં તેઓએ જણાવ્યું હતું કે ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવતા અમુક આગેવાનો સરળતાથી જીતવા માટે તેઓનો ટેકો મેળવવા અતિ આગ્રહ કરી રહ્યા છે. પરંતુ જવાબદારીના ભાગરૂપે પોતે  સાવ નિષ્પક્ષ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે  લોહાણા મહાજન રાજકોટની ચૂંટણી નાયબ ચેરીટી કમિશનરના આદેશ સાથે જાહેર થતાં જ લોહાણા મહાજન રાજકોટના હાલના ઉપપ્રમુખ અને તેજતર્રાર રઘુવંશી યુવા અગ્રણી રમેશભાઇ ધામેચા તથા ગ્રુપે ચૂંટણી લડવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે અને તેઓ સમાજના વિવિધ આગેવાનોનું સમર્થન પણ મેળવી રહ્યા છે.

દરમિયાન એવું પણ જાણવા મળી રહ્યું છે કે લોહાણા મહાપરીષદના પ્રમુખ પ્રવિણભાઇ કોટક, મંત્રી હિમાંશુભાઇ ઠક્કર, ખજાનચી હેમંતભાઇ કોટક, વિગેરે હોદેદારો રાજકોટના હરીશભાઇ લાખાણીને સાથે રાખી રાજકોટ ખાતે કાલાવડ રોડની એક હોટલમાં રોકાયાની ચર્ચા છે.ચર્ચા પ્રમાણે  રાજકોટ આવ્યા છે  ભાગવત સપ્તાહમાં હાજરી આપવા, પરંતુ પોતાના અંગત માણસો સાથે લોહાણા મહાજન રાજકોટની ચૂંટણીલક્ષી ચર્ચા ચોકકસપણે કરશે તેવું સંભળાઇ રહ્યું છે.  (પ-ર૬)

લોહાણા મહાજનની ચૂંટણી પ્રક્રિયા

રાજકોટ તા.૯: લોહાણા મહાજન રાજકોટની ચૂંટણી પ્રકિયા નક્કી  કરવા ગઇકાલે તા. ૮ જુન, શુક્રવારના રોજ મહાજનના ૧૪ હયાત ટ્રસ્ટીઓની મિટીંગ નક્કી થઇ હતી. જેમાં હાજર રહેલ ૯ ટ્રસ્ટીઓની સર્વસંમતિથી ૮ જુલાઇનાં રોજ યોજાનાર લોહાણા મહાજન રાજકોટની ચૂંટણી પ્રક્રિયા નક્કી થઇ હતી.  આ પ્રક્રિયા પ્રમાણે

*  તા. ૮ જુલાઇ, ૨૦૧૮ ના રોજ કેસરીયા લોહાણા મહાજન વાડી, કાલાવડ રોડ રાજકોટ ખાતે સવારે ૮ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી પ્રમુખપદ માટે મતદાન કરાવવું.

* પ્રમુખપદે ચૂંટાયેલ વ્યકિત બંધારણ મુજબ ત્રણ વર્ષ માટે ૧૨૫ સભ્યોની મહાજન સમિતિ ટ્રસ્ટીઓના આમંત્રણથી બનાવશે. ૨૧ સભ્યોની કારોબારી સમિતિની રચના પણ કરશે.

* પ્રમુખપદ માટેની ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૮-૬-૨૦૧૮ છે. ઉપરાંત ભરેલું ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખ ૩૦-૦૬-૨૦૧૮ છે. ફોર્મ તા. ૧૪-૦૬-૨૦૧૮ ગુરૂવારથી સાંગણવા ચોક ખાતેની લોહાણા મહાજન વાડીએથી મળી શકશે.

* સામાન્ય સભાના પ્રમુખની ચૂંટણીમાં છેલ્લા એક વર્ષથી રાજકોટમાં વસવાટ કરતા હોય તેવા પુખ્ત ઉંમરના લોહાણા જ્ઞાતિના સ્ત્રી-પુરૂષો મતદાન પ્રક્રિયામાં ભાગ લઇ શકશે. જેના માટે ચૂંટણીપંચ દ્વારા આપેલ ઓળખપત્ર, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વિગેરે સાથે રાખવું જરૂરી છે.

* સમગ્ર મતદાન પ્રક્રિયાની વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી નિરીક્ષકોની હાજરીમાં કરવાની રહેશે.

* ચૂંટણીનો સમય પૂરો થયાં બાદ તુરત જ મતગણતરી શરૂ કરી દેવામાં આવનાર છે. સોૈથી વધુ મત મેળવનાર ઉમેદવાર વિજેતા જાહેર થશે. મતગણત્રી દરમ્યાન ફકત ઉમદવારો જ હાજર રહી શકશે.

*  પ્રમુખની ચૂંટણીમાં મતગણતરીમાં ટાઇ(સરખા મતો) થશે તો ચીઠ્ઠી નાખીને નિર્ણય લેવાશે.

*  ચૂંટણી માટે બોલાવવામાં આવતી સામાન્ય સભા (સમસ્ત જ્ઞાતિ સભા) ની તારીખની જાહેરાત વર્તમાનપત્રો દ્વારા પ્રસિધ્ધ થશે.

*  સમાજના બુધ્ધિમાન, ઠરેલ, અનુભવી વ્યકિતઓ દ્વારા ચૂંટણી સિવાયની પણ અન્ય પધ્ધતિથી મહાજન પ્રમુખ બનાવવામાં મદદ થશે તો તે ટ્રસ્ટીઓની કમિટિને માન્ય રહેશે તેવું જણાવાયું છે.

અંતમાં, લોકશાહીના મૂલ્યો સાથે ચૂંટણી થાય, સંસ્થાને આર્થિક ભારણ ઓછું થાય, જ્ઞાતિમાં વૈમનસ્ય ઉભંુ ન થાય વિગેરે પાસાઓ સામે રાખીને મિટીંગમાં હાજર રહેલ મહાજન ટ્રસ્ટીઓ કાશ્મીરાબેન નથવાણી, કુંદનબેન રાજાણી, જશુબેન વસાણી, જનકભાઇ કોટક, ચંદુભાઇ તન્ના, અશોકભાઇ કુંડલીયા, વિણાબેન પાંધી, ડો. હર્ષદભાઇ ખખ્ખર અને પ્રદિપભાઇ સચદેએ તેઓની સહી સાથે ચૂંટણી પ્રક્રિયા બહાલ રાખી હતી. (પ-ર૬)

(4:26 pm IST)
  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST

  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST

  • ઉત્તરપ્રદેશનાં 11 જિલ્લામાં તોફાનનાં કારણે 26 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 4 જાનવરોનાં પણ મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટોને પ્રભાવિત લોકોને રાહત આપવા માટેનાં નિર્દેશ આપ્યા છે. શનિવારે મુંબઇનાં કેટલાક હિસ્સાઓમાં ભારે વરસાદ થયો હતો જેનાં કારણે માયાનગરીની ગતિ અટકી ગઇ હતી. શહેરનાં કેટલાક હિસ્સાઓમાં પાણી ભરાઇ ગયું હતું. મુંબઇ નજીકના ઠાણેમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 2 લોકોનાં મોત નિપજ્યા હોવાની માહિતી હતી. access_time 2:39 am IST