Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

તપસ્‍વી ગુરૂદેવ તો જાગતા દેવ છે, તેના ચરણે એકવાર મનથી ઝૂકે, તે અખૂટ પામે છે : સદગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા.

પૂ. શ્રી માણેકચંદ્રજી સ્‍વામીનાં ૧૦૧માં પુણ્‍ય સ્‍મૃતિદિન રાઈય પ્રતિક્રમણ-સામૂહિક આયંબિલ તપ આરાધના : ગુજરાત રત્‍ન પૂ. શ્રી સુશાંતમુનિ મ.સા. સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા. એવં મહાસતીજીવૃંદનાં સાનિધ્‍યે રોયલ પાર્ક ખાતે આયોજન

રાજકોટ તા. ૭ : ગોંડલ સંપ્રદાયના ગુજરાત રત્‍ન પૂ. શ્રી સુશાંતમુનિ મ.સા. સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા. એવં ગુરુ પ્રાણ પરિવારનાં મહાસતીજીવૃંદનાં સાનિધ્‍યે પ્રગટ પ્રભાવી તપસ્‍વી પૂ. શ્રી માણેકચંદ્રજી સ્‍વામીનાં ૧૦૧માં પુણ્‍ય સ્‍મૃતિદિનની ઉજવણી રાજકોટ રોયલ પાર્ક જૈન સંઘમાં થઈ રહી છે. તા. ૭ નાં સામૂહિક આયંબિલ તપ આરાધના રાખવામાં આવી છે.જેમાં ૭૦૦ ઉપરાંત આયંબિલ આરાધકો તપમાં જોડાયા છે. રાઈય પ્રતિક્રમણ રાખવામાં આવેલ છે.

સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મહારાજ સાહેબે જણાવેલ કે તા.૭મી એ ૧૦૧માં પુણ્‍ય સ્‍મૃતિ દિનની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી તપ-ત્‍યાગથી થઈ રહી છે. જિનશાસન જયોતિર્ધર પૂ. માણેકચંદ્રજી સ્‍વામીનો જન્‍મ વિ.સં. ૧૯૧પમાં, જેતપુર(કાઠી) માં પુણ્‍ય શાળી પિતા પ્રેમજીભાઈ ગાંધી, અને રત્‍નકુક્ષિણી માતા કુંવરબાઈના આંગણે થયો. માતાને સિંહનું સ્‍વપ્‍ન દર્શન થયેલ.

બાલ્‍યવયમાં માતા-પિતા અવસાન પામ્‍યા. ૧૧ વર્ષની વયે વૈરાગ્‍ય જાગ્‍યો. વિ.સં. ૧૯ર૮ માં પોષ વદ - ૮ નાં દીક્ષા ગ્રહણ કરી ગોંડલ સંપ્રદાયના પંચમ આચાર્ય પૂ. દેવજી સ્‍વામીના શિષ્‍યરત્‍ન બન્‍યા દીક્ષા માંગરોળ મુકામે થઈ. ત્‍યારબાદ તુરંત વડિલબંધુ પૂ. જયચંદ્રજી મહારાજ સાહેબની દીક્ષા પણ માંગરોળમાં થઈ અને આમ જય-માણેક બંધુ બેલડી ગોંડલ સંપ્રદાયને શોભાયમાન બનાવા લાગ્‍યા.

વિશેષ જ્ઞાન ઉપાર્જન માટે મારવાડમાં કિસનગઢમાં સમર્થ યોગીરાજ પ્રખરશાસ્ત્રવેતા પૂ. ફકીરચંદ્રજી મહારાજ સાહેબ બિરાજમાન હતા. ત્‍યાં તેમના સાનિધ્‍યમાં જ્ઞાન ઉપાર્જન અને વિશેષ સાધના તેમજ સિદ્ધિઓ પ્રાપ્ત કરી.

દીક્ષા લેતા જ સદંતર પાણીનો આજીવન ત્‍યાગ, દરેક મિઠાઈ, મેવા-મુખવાશનો ત્‍યાગ, કેરીનો સર્વથાત્‍યાગ પ્રતિદિન આઠ દ્રવ્‍ય જ ભોજનમાં લેવા વૃતિસંક્ષેપ, ૧ર વર્ષ પર્યંત છાશમાં કાચો લોટ ભેળવીને સંયમ નિર્વાહ કર્યો. ૧૮ માસ પર્યંત છાસમાં લાકડાનો વેર(ભુસુ) ભેળવીને આહાર કર્યો. બે કલાકથી વધુ નિંદ્રાનો ત્‍યાગ, ગરમીમાં ધગધગતી રેતી ઉપર આતાપના લેતા. ઠંડીમા રાત્રે હાથ ઉંચા રાખી અલ્‍પવષામાં ધ્‍યાનસ્‍થ બની જતા. એક જ આસન પર ત્રણ કલાક જપ અને સ્‍વાધ્‍યાયનો અખંડ નિયમ પાલન કરતા આવી તો અનેક ઉગ્ર સાધના અને તપશ્ચર્યા જેમના જીવનનું અભિન્ન અંગ હતી.

એક દેવ તેમને આધીન હતા. જે રોજ રાત્રે તેમની સેવામાં ઉપસ્‍થિત થતા હતા. શાસન રક્ષા, સંતરક્ષા માટે વેરાવળથી ગોંડલ સુધીનો ૧૧૦ માઈલનો વિહાર પાંચ કલાકમાં, પોરબંદરથી રાજકોટ સુધીનો ૧ર૦ માઈલનો વિહાર ચાર કલાકમાં કર્યો હતો. આવી તો અનેક સિધ્‍ધિઓ હોવા તાં તેમણે પ્રસિદ્ધિ માટે કાંઈ જ ન કર્યું તે તેમની મહાનતા હતી. પ્રસિધ્‍ધિથી દૂર જ રહ્યા સૌરાષ્ટ્રમાં પાઠશાળાઓનો પ્રારંભ કર્યો.ᅠᅠ

સોેરાષ્ટ્ર, કચ્‍છ, મુંબઈ, રાજસ્‍થાન,મારવાડ, પંજાબમાં વિચરણ કર્યું. તપસ્‍વી ગુરૂદેવ શિષ્‍ય મંડળ સહિત ઠાણા - પાંચનું મુંબઈમાં પ્રથમવાર ચાતુર્માસ ચીંચપોકલીમાં વિ.સ. ૧૯૬૬ માં થયું. ત્‍યારે ત્‍યાં લાકડાનો ઉપાશ્રય હતો. બીજા કોઈ ઉપાશ્રય મુંબઈમાં ન હતાં. વિ.સં. ૧૯૬૭ નું ચાતુર્માસ કાંદાવાડીમાં કચ્‍છી સમાજની વાડીમાં થયું. મુંબઈ થી કાઠિયાવાડ પધારતા પ્રથમ અમરેલી પધાર્યા ત્‍યાં નવદીક્ષિત પૂ. ફૂલકુંવરબાઈ જે પૂ. દેવકુંવરબાઈની સમીપે દીક્ષિત થયેલ તેમને ત્‍યાં વિ.સ. ૧૯૬૭ માં વડદીક્ષા આપી.

વિ.સં. ૧૯૭૯ કારતક વદ તેરસને બુધવારની રાત્ર નવથી બાર ધ્‍યાન પછી નિદ્રાધીન બન્‍યા. ત્‍યારે રાત્રે બે વાગ્‍યે દેવ પ્રગટ થયા ગુરુદેવ નિદ્રામુકત થયાં અને દેવ દ્વારા જીવનની અંતિમ ઘડીનો સંકેત મળ્‍યો. ૧૯ દિવસનું આયુષ્‍ય જ શેષ છે, એ જાણી ત્‍યારે જ રાત્રે અઢી વાગ્‍યે વડીલબંધુ પૂ. જયચંદ્રજી મ.સા. ને જાગૃત કર્યા. પરિસ્‍થિતિથી વાકેફ કર્યા. વિ.સં. ૧૯૭૯ માગસર સુદ - પૂનમને રવિવારે પરોઢિયે નશ્વર દેહનો ત્‍યાગ કરી તેમનો આત્‍મા દિવ્‍ય લોક ગામી બન્‍યો. જન્‍મભૂમિ જ નિર્વાણ ભૂમિ બની. જયાં પ્રથમ શ્વાસ લીધો હતો તે જ પુણ્‍યધરા પર અંતિમ શ્વાસ છોડયો.

જેતપુરની પાઠશાળાનીએ પાવન ભૂમિ પર સંથારો કર્યો હતો. નશ્વર દેહની અગ્નિ સંસ્‍કારવિધિ ફૂલચંદભાઈ ગાંધીની વાડીમાં પાલખીયાત્રા પહોંચી હજારો ભકતોની ભીડમાં પૂ. ગુરૂદેવના જમણા પગના અંગુઠે સ્‍વયંભૂ અગ્નિ પ્રગટ થયો. તે સમાધિસ્‍થાન જયાં આજે તપસ્‍વીજીનો આશ્રમ, તપસ્‍વીજીની ઓરડી તરીકે પ્રખ્‍યાત છે.ᅠ જયારે અઢારે વર્ણના લોકોની મનોકામના પૂર્ણ થાય છે. તપસ્‍વી ગુરૂદેવ તો જાગતા દેવ છે. શ્રધ્‍ધા રાખે છે તે અખૂટ પામે છે, આજે પણ લાખો લોકોની આસ્‍થાનું કેન્‍દ્ર બન્‍યું છે.

(4:14 pm IST)