Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

પેપરલીકકાંડની ઘટના શરમજનક : ખેડૂતો પાયમાલ, યુવાઓ બેરોજગાર : ભાજપના માથાઓ માલામાલ

ઈન્દ્રનીલભાઈનું તેજાબી વકતવ્ય : આજે રાત્રે વિંછીયામાં લોકડાયરો

રાજકોટ, તા. ૮ : ખોટા, લુચ્ચા, કૌભાંડીયા ભાજપના ઉમેદવારને મત નહિં આપવા કમળાપુર ખાતે યોજાયેલા લોકડાયરામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ અપીલ કરી હતી અને કુંવરજીભાઈના ચહેરાની પાછળ ભયાનક તરકટની માનસિકતાની સત્ય હકીકત રજૂ કરી હતી.

કમળાપુર ખાતે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ લોકડાયરામાં લોકસાહિત્યકાર રમેશભાઈ પટેલ, મિતલબેન પટેલ અને અનિલભાઈ પટેલે જમાવટ કરી હતી. આ ડાયરામાં સ્થાનિક આગેવાનો ભીખાભાઈ બોઘરા, ભગવાનજીભાઈ બાંભણીયા, હીરાભાઈ મેર, ભાવેશભાઈ ઠુંમર, અમિતભાઈ વડાળીયા, તુષારભાઈ પડશાળા, ગોપાલભાઈ મેર, કાળુભાઈ મેર, રસીકભાઈ વડાળીયા, જીતુભાઈ વડાળીયા, વિજયભાઈ બોઘરા, અજયભાઈ બોઘરા, મનસુખભાઈ બોઘરા, પ્રદિપભાઈ બાંભણીયા, વિજયભાઈ (બરવાળા) સહિતના જોડાયા હતા.

જસદણ વિધાનસભાની પેટાચૂંટણી અંતર્ગત ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા લોકશાહીમાં લોકજાગરણ માટે જનજાગૃતિ અભિયાન શરૂ થયું છે. આ અભિયાનમાં ગામેગામ લોકોનો ટેકો મળી રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ જગતના તાત ખેડૂત વિશે સચોટ વાત કરી હતી. ધરતીપુત્રોની વેદનાને વાચા આપવા સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.

તેઓએ જણાવેલ કે આપણો દેશ ખેતીપ્રધાન છે છતાં પણ ખેડૂતોને ન્યાય મળતો નથી. ખેડૂતો દિવસેને દિવસે પાયમાલ થઈ રહ્યો છે છતાં નિંભર સરકાર ખેડૂતોની વાત સાંભળતી નથી. પાક વિમાનો પ્રશ્ન ઉકેલતો નથી. ખેતપેદાશના પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી. ખેડૂતોને સમયસર વિજળી મળતી નથી, સિંચાઈનું પાણી મળતુ નથી. જયારે બીજી તરફ મગફળી કાંડ, મરચા કાંડ થઈ રહ્યા છે. ભાજપના મોટા માથાઓ પાયમાલ થયા છે. મગફળીકાંડના મગરમચ્છ બિન્દાસ ફરી રહ્યા છે. સાથોસાથ રાફેલ વિમાનના કૌભાંડ વિદેશમાં ચમકે છે અને ગુજરાતમાં લાખો યુવા બેરોજગારોની ક્રૂર મશ્કરી સમાન લોકરક્ષક દળના પેપર કૌભાંડ ખુલ્યા છે લાખો યુવાનો સાથે આ સરકારે ભેદી રમત રમી છે. તલાટીમંત્રીની ભરતીનું પ્રકરણ હજુ શાંત નથી પડ્યુ ત્યાં પોલીસનું પેપર લીક થઈ ગયું જે અંત્યંત શરમજનક છે માટે આ પેટાચૂંટણીમાં ભ્રષ્ટાચારી, કૌભાંડી અને સતત જૂઠું બોલતા ભાજપના ઉમેદવારને હરાવવા જોઈએ અને ભ્રષ્ટાચારી નથી તેવા શાંત, સરળ, સ્વચ્છ, પ્રમાણિક ઉમેદવાર અવસરભાઈ નાકીયાને મત આપવા અપીલ કરી હતી.

આ લોકડાયરામાં રાજકોટના ધીરૂભાઈ ઠુમ્મર, વશરામભાઈ સાગઠીયા, જગાભાઈ મોરી, હેમંતભાઈ વીરડા, પરેશભાઈ શીંગાળા, જીતુભાઈ ઠાકર, શૈલેષભાઈ મહેતા, મકબુલભાઈ દાવદાણી, પ્રવિણભાઈ સોરાણી, જયોત્સનાબેન ભટ્ટી, હિનાબેન વડોદરીયા, જયાબેન ચૌહાણ સહિતના જોડાયા હતા. લોકશાહી લોકજાગરણ અંતર્ગત ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા આજે વિંછીયામાં ગૌશાળાના લાભાર્થે લોકડાયરો યોજાશે તેમ ટીમ ઈન્દ્રનીલ ફોર યુની યાદીમાં જણાવાયું છે.

(11:39 am IST)