Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

ગોંડલની સૌથી સંવેદનશીલ બેઠકમાં ભાજપમાંથી ટિકીટ મેળવવા ગોંડલ અને રીબડા જુથ વચ્ચે ગજગ્રાહઃ ઓડિયો ક્લીપ વાયરલ થતા રાજકીય ગરમાવો

અપશબ્દોનો વરસાદ વરસાવતા ભારે ચર્ચા

રાજકોટઃ રાજકોટ જીલ્લાની સંવેદનશીલ ગોîડલ બેઠક ઉપર ભાજપમાંથી ટિકીટ મેળવવા ગોîડલ અને રીબડા જુથ સામસામે આવીને અોડિયો ક્લીપ વાયરલ થતા રાજકીય ગરમાવો વ્યાપ્યો છે.

વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. અને આખા ગુજરાતમાં ટીકીટ મેળવવા નેતાઓમાં જબરી સ્પર્ધા ચાલી રહી છે. ત્યારે બે બાહુબલીઓની ગણાતી ગોંડલ બેઠક માટે ટીકીટનો ગજગ્રાહ ચરમ સીમાએ છે. જેમાં આ બંને જૂથના વ્યક્તિઓ વચ્ચે ગાળાગાળીની ઓડિયોક્લિપો ફરતી થઈ છે. જેને લઈ અનેકવિધ ચર્ચાઓ ઉઠી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ ઓડિયોક્લિપોમાં થયેલી વાતચીત મુજબ, પ્રથમ રીબડા જૂથના એક વ્યક્તિએ ગોંડલ જૂથના મોભીને અડધી રાત્રે ફોન કર્યો હતો, અને ગોંડલ જૂથની ચોક્કસ વ્યક્તિ ખોટું કરી રહ્યાનું કહ્યું હતું. સામાપક્ષે નિદ્રામાંથી સફાળા જાગેલા ગોંડલ જૂથના મોભીએ નામ પૂછતાં ફોન કરનાર તે વ્યક્તિએ રૂબરૂ મળીશું તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં ગોંડલ જૂથના એક યુવકે રીબડા જૂથના વડીલને ફોન કરીને રીબડા જૂથ દ્વારા આ રીતે કરાતા ફોન અયોગ્ય હોવાની વાત કરી હતી. જેને લઈને રીબડા જૂથના મુખ્ય વ્યક્તિએ પણ આ બાબતે તપાસ કરાવી લઇશ તેવો જવાબ આપી વાત ટૂંકાવી હતી.

પરંતુ આ પછી મામલો ઉગ્ર બન્યો હતો. અને ગોંડલ જૂથના યુવકે તેના મોભીને ફોન કરનાર રીબડા જૂથના વ્યક્તિને ફોન કર્યો હતો અને જે વ્યક્તિના જોરે ફોન કરે છે તે વ્યક્તિ સાથે પણ વાત કરી છે અને હવે પછી આવું કરવામાં આવશે તો રીબડામાં આવીને ધોકાવીશ તેવી ધમકી આપી હતી. આ દરમિયાન ગોંડલ જૂથના યુવકે ગાળોનો વરસાદ વરસાવ્યો હતો. તેમજ માત્ર રિબડામાં જ દરબાર પેદા નથી થતા તેવું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગોંડલમાં ભાજપમાંથી ચૂંટણી લડવા માટે ગોંડલ અને રીબડા જૂથ સામસામે આવી ગયું છે. અગાઉ બંને જૂથે એકબીજા પર અનેક આક્ષેપો કર્યા હતા. રિબડા જૂથે પત્રકાર પરિષદ યોજી ગોંડલનાં એક પરિવાર સિવાય ગમે તેને ટીકીટ આપવા માંગ કરી હતી. ત્યારે આ ગજગ્રાહ હવે ચરમસીમાએ હોવાનું તેમજ જ્યાં સુધી આ બેઠક માટે ભાજપ નામ જાહેર નહીં કરે ત્યાં સુધી આ વિવાદનો અંત થવાની શક્યતા નહિવત હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

(5:32 pm IST)