Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

દિવાનપરામાં ગ્રાહક બનીને આવેલી ૪ મહિલા ૭ પટોળા ચોરી ગઇઃ ઘટના કેમેરામાં કેદ થઇ

એક મહિલા સાડીઓ-પટોળા જોતી હતી, બીજી માથે ઓઢણી બાંધીને આવેલી મહિલા નજર ચુકવી પટોળા ચોરીને ઓઢણા નીચે છુપાવતી દેખાઇઃ જીજ્ઞેશભાઇ ખગ્રામની ફરિયાદઃ એ-ડિવીઝન પોલીસે તપાસ આરંભી

તસ્‍વીરમાં ગ્રાહકના સ્‍વાંગમાં આવી પટોળા ચોરીને ભાગી ગયેલી મહિલાના સીસીટીવી ફૂટેજના દ્રશ્‍ય જોઇ શકાય છે. પોલીસ આ શકમંદ મહિલાઓને શોધી રહી છે.

રાજકોટ તા. ૮: શહેરમાં અવાર-નવાર વેપારીઓને ત્‍યાં ગ્રાહકના સ્‍વાંગમાં આવતી ચોરટી મહિલાઓ કિંમતી ચીજવસ્‍તુઓ ચોરી કરીને ભાગી જતી હોય છે. દિવાનપરામાં સાડીના વેપારીને ત્‍યાં ગ્રાહક બનીને આવેલી ચાર મહિલાઓ રૂા. ૬૬ હજારના ૭ પટોળા ચોરી જતાં પોલીસને જાણ કરવામાં આવી છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોઇ તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર ગંગા જમના સરસ્‍વતી એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. ૨૨માં રહેતા જીજ્ઞેશભાઇ સુરેશભાઇ ખગ્રામ (ઉ.વ.૪૨) એ એ-ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે દિવાનપરા મેઇન રોડ પર પુર્ણીમા એનએકસ નામની સાડીની દુકાનમાં રૂપેશભાઇ રાચ્‍છ સાથે ભાગીદારીમાં સાડીનો વેપાર કરે છે. ગઇકાલે સવારે પોતે તથા અન્‍ય દુકાનના અન્‍ય માણસો દુકાનમાં સાડી અને પટોળાનો માલ જેમ તેમ પડેલ હોઇ તે ગોઠવતા હતા તે દરમિયાન દુકાનમાં રહેલ પટોળાનો સ્‍ટોક ચેક કરતા જેમાં સાત પટોળા જોવામાં ન આવતા પોતે તાકીદે દુકાનમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ જોતા બે દિવસ પહેલા બપોરના સમયે બે મહિલા ગ્રાહકના સ્‍વાંગમાં દુકાનમાં આવી હતી. જેમાં એક મહિલા પોતાના મોઢા પર ચુંદડી બાંધીને આવેલ અને દુકાનના સેલ્‍સમેન હીરેનભાઇ પાસે આવી અને સાડીની ખરીદી કરવી હોઇ અને આ હિરેનભાઇ સાડીઓ બતાવતા હોઇ, તે દરમિયાન આ મહિલા બુકાની બાંધેલ મહિલાને પોતાની રીતે ઉભા થઇને સાડીઓ જોતા હતા તે દરમિયાન ખાનામાં રાખેલ પટોળા જે આ મહિલાએ એક ખુલ્લી સાડી નીચે રાખી અને તેની સાથે આવેલી એક મહિલા નીચે બેઠી હતી તેની પાસે નીચે ફેકેલ બાદ આ મહિલા પણ તેની બાજુમાં બેસી અને સાડીઓ જોવા લાગેલ અને સાડી જોતી વખતે આ બુકાની બાંધેલી મહિલાઓએ જે સાડીની નીચે પટોળા ફેંકેલા તેની ઉપર બીજી પણ સાડીઓ રાખી દીધી હતી. અને સાડીની નીચેથી પટોળા સેરવી પોતે જે લાંબી ચુંદડીની બુકાની બાંધેલ તેની આડમાં છૂપાવી નજર ચુકવી અને અલગ-અલગ ડીઝાઇનના અલગ અલગ રૂા. ૬૬૦૦૦ની કિંમતના સાત પટોળા બંને મહિલા ચોરી કરી નાશી ગઇ હતી. બાદ પોતે ગઇકાલે એ-ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણી બે મહિલા વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી હેડ કોન્‍સ. એલ.એ.જતાપરાએ તપાસ આદરી છે.(૨૧.૨૩)

 વેપારી જીજ્ઞેશભાઇની વેપારીઓને અપીલ

પૂર્ણિમા એનએકસ શો-રૂમમાંથી આ ચાર મહિલાઓ સાત પટોળા ચોરી ગયેલ છે. જો કોઇ અન્‍ય દુકાનમાં આ ચાર મહિલાઓ કે આવી કોઇ ગેંગ આવે તો પોતાને અથવા પોલીસને જાણ કરવા અંગે શો-રૂમના માલીક જીજ્ઞેશભાઇ ખગ્રામે અન્‍ય વેપારીઓને અપીલ કરી છે.

(3:46 pm IST)