Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

૧૧૮ કરોડના વાહનો ખરીદ્યા : મનપાને ૨ કરોડની આવક

મંદી કયાં છે ? : ગત ૭ ઓકટોબરથી ૭ નવેમ્‍બર સુધીમાં શહેરમાં લોકોએ અધધ...

રાજકોટ તા. ૮ : નવરાત્રી બાદ દીવાળીના તહેવારો દરમિયાન પણ શહેરમાં વાહનોની મોટી સંખ્‍યામાં ખરીદી થતાં મનપાને વાહનવેરાની કરોડોની આવક થઇ છે.

ગત ઓકટોબરની ૭ તારીખથી નવેમ્‍બરની ૭ તારીખ દરમિયાન એક મહિનાના સમયગાળામાં લોકોએ કુલ ૫૧૫૩ વાહનોની ખરીદી કરી હતી. જેની કુલ કિંમત ૧૦૦ કરોડથી વધુની થવા પામી છે. જે પેટે મનપાની તિજોરીમાં ૨ કરોડથી વધુનો વાહનવેરો જમા થયો છે.

શહેરમાં ઉપરોકત સમયગાળા દરમિયાન ૪૦૫૧ ટુ-વ્‍હીલરો વેંચાયા હતા. જેની કિંમત ૩૨.૮૭ કરોડ જેટલી થાય છે. ટુ-વ્‍હીલરોના ટેક્‍સ પેટે ૫૩ લાખથી વધુની મનપાને આવક થઇ છે. જ્‍યારે થ્રી વ્‍હીલર પેસેન્‍જર (સીનેજી)ના કુલ ૨૦૮ વાહનોની ખરીદી થતા ૬ લાખથી વધુનો ટેક્‍સ જમા થયો હતો.

આ ઉપરાંત ૪૯૩ એલએમવી પેટ્રોલ કારનું પણ વેંચાણ થયું હતું. જેની કુલ કિંમત ૪૩ કરોડથી વધુ છે. જે પેટે મનપાને ૧ કરોડથી વધુની આવક થઇ છે. જ્‍યારે ૧૯૪ સીનેજી ફોર વ્‍હીલર (એલએમવી)ની લોકોએ ખરીદી કરતા મનપાને ટેક્‍સ પેટે ૧૯ લાખથી વધુની આવક થયેલ. આ વાહનોની કિંમત ૧૪ કરોડથી વધુની છે.

જ્‍યારે ડીઝલ (એસએમવી)ની ૧૧૫ કારનું વેચાણ ૧૬ કરોડથી વધુનું થયેલ. તે પેટે વાહનવેરાના ૫૦ લાખ મનપાની તિજોરીમાં જમા થયા હતા. ઉપરાંત ડીઝલ (એલએમવી) ૪૮ ફોર વ્‍હીલરથી ૬ લાખ, ડીઝલ (પેસેન્‍જર) ૧૩ થ્રી વ્‍હીલરથી ૬૯ હજારની આવક મનપાને થવા પામી હતી.

આમ જોઇએ તો નવરાત્રી અને દિવાળીના તહેવારો વાહનવેરાના કલેકશનમાં મનપાને ફળ્‍યા હતા અને તિજોરીમાં કરોડોની આવક થઇ હતી.

(3:45 pm IST)