Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

ડ્રેનેજમાં ‘કચરો' યથાવત : સતત બીજા મહિને ૧૫ હજારથી વધુ ફરિયાદો

મનપામાં સપ્‍ટેમ્‍બર માસમાં કુલ ૩૦ હજારમાંથી પણ ૧૬ હજાર ફરિયાદો ફકત ગટરની હતી !!!

રાજકોટ તા. ૮: મ્‍યુનીસીપલ કોર્પોરેશનના કોલ સેન્‍ટરના માધ્‍યમથી છેલ્લા ૧ મહિનામાં જુદી જુદી શાખાઓની ૨૮ હજાર જેટલી ફરીયાદનો ઢગલો થયો છે. તેમાં કાયમીની જેમ ભૂર્ગભ ગટરો છલકાવવાની ડ્રેનેજ શાખાની ૧૫ હજાર ફરીયાદો ટોચ ઉપર છે તો રોશની અને સફાઇ વિભાગની ફરીયાદો પણ આ સમયમાં ખુબ વધુ નોંધાઇ છે.

 રાજકોટમાં નાગરિકોની પાણી, ગટર સહિતની ફરિયાદો નોંધાવવા માટે મનપા દ્વારા વર્ષોથી કોલ સેન્‍ટર ૦૨૮૧ ૨૪૫૦૦૭૭ નંબરથી શહેરીજનોને તેમની પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ કરવા શરૂ કરાઇ છે. આ કોલ સેન્‍ટરમાં ફરીયાદ આવ્‍યા બાદ ત્‍યાંથી સંબધીત વિભાગમાં આ ફરીયાદ ટ્રાન્‍સફર કરવામાં આવે છે અને નક્કિ કરાયા મુજબ સમયમાં તેનો ઉકેલ લાવવામાં આવે છે. તા. ૭ ઓકટોબરથી તા. ૭ નવેમ્‍બર સુધીમાં કોલ સેન્‍ટરમાં જુદી જુદી ર૮ શાખાઓની ૨૮ હજાર ફરીયાદો નોંધવામાં આવી  હતી. મોટાભાગની ફરીયાદો ઉકેલાઇ ગયાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્‍યો હતો.

મનપાના કોલ સેન્‍ટરમાં ૩૦ દિવસમાં નોંધાયેલ ફરીયાદનાં આંકડા પર નજર કરીએ તો ડ્રેનેજની ૧૫,૪૮૮ , રોશની-૩૧૦૩, સફાઇની ૩૬૭૩, પાણી ૨૧૭૭, બાંધકામની ૮૦૬, કન્‍ઝર્વસીની ૪૨૭, ગાર્ડનની ૨૨૫ તથા દબાણ હટાવની ૩૩૩ ફરીયાદો નોંધાઇ  હતી. જેમાંથી ૧૬૯૮ ફરીયાદો કોઇ કારણો સર પેન્‍ડીગ રહી છે આ સીવાયની મોટાભાગની સમસ્‍યાઓ હલ થઇ હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

(3:42 pm IST)