Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

ભાજપ - કોંગ્રેસના ૮ કોર્પોરેટરોને ધારાસભ્‍ય બનવા થનગનાટ

ભાજપના ડો.દર્શિતાબેન શાહ, વિનુ ઘવા, ભાનુબેન બાબરીયા, નીતીન રામાણી, જયમીન ઠાકર,દીલીપ લુણાગરિયા, હાર્દિક ગોહેલ તથા કોંગ્રેસના ભાનુબેન સોરાણીના કોર્પોરેટરોને ચુંટણી લડવાની ઇચ્‍છા

રાજકોટ તા. ૮ : આગામી ડિસેમ્‍બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસ - આપ વચ્‍ચે ત્રિપાંખીયો જંગ થવાનો છે. અત્‍યારની સ્‍થિતિએ આ ત્રણેય પક્ષો વચ્‍ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. આ દરમિયાન ભાજપ શાસિત મ્‍યુનિ. કોર્પોરેશનના ૮થી વધુ કોર્પોરેટરોમાં ધારાસભ્‍ય બનવાનો થનગનાટ જોવા મળ્‍યો છે.

મનપાના ભાજપના પાંચ ઉચ્‍ચ અધિકારી પૈકી ડે.મેયર સહિતના બે પદાધિકારીઓએ હાઇ કમાન્‍ડ સમક્ષ પોતાના વિધાનસભા મત વિસ્‍તારમાંથી ચૂંટણી લડવાની ઇચ્‍છા વ્‍યકત કરી છે. જ્‍યારે કોર્પોરેશનની વિવિધ સમિતિના ચેરમેનમાં ટિકીટ મેળવીને ચૂંટણી જંગમાં ઝંપલાવવાની ઇચ્‍છા જાગી છે. આ ચેરમેન પણ પોતાની દાવેદારી નોંધાવી ચૂક્‍યા છે. આ ઉપરાંત પૂર્વ મેયરો પણ મેદાનમાં ઉતર્યા છે. જાણકાર સૂત્રો કહે છે કે, ભાજપ હાઇકમાન્‍ડ ટિકીટની વહેંચણી દરમિયાન એન્‍ટીઇન્‍કમબન્‍સી ખાળવા મહદ અંશે નો-રિપીટ થિયરી અજમાવશે, જોકે જે પ્રકારે જોતા હાલ કે પૂર્વ હોદ્દેદારો કે કોર્પોરેટરોમાં ટિકીટની મોટાપાયે લ્‍હાણી કરે તેવી શક્‍યતા નહિવત છે.

જ્‍યારે વિપક્ષ કોંગ્રેસમાં પણ વિપક્ષી નેતાએ જે તે વિધાનસભા બેઠકની ટિકીટ મેળવીને ધારાસભ્‍ય બનવા થનગનાટ જોવા મળી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ગત ટર્મ ૨૦૧૭માં તત્‍કાલિન વોર્ડ નં. ૫ના કોર્પોરેટર અરવિંદ રૈયાણીને ૬૮ (પૂર્વ)માંથી ભાજપે ટિકીટ આપી મેદાનમાં ઉતાર્યા હતા. તેઓ જંગી સરસાઇથી વિજય બન્‍યા હતા. હાલ તેઓ રાજ્‍ય સરકારમાં મંત્રી છે અને ફરી ટીકીટના પ્રબળ દાવેદાર છે.

(3:41 pm IST)