Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

વહાલુડીના વિવાહની તમામ દીકરીઓને આદ્રોજા પરિવાર દ્વારા ૧-૧ તોલુ સોનુ ભેટ

પંછી પાની પીને સે ઘટે ના સરિતા નીર, ધન દિયે ધન ના ઘટે, સહાય કરે રઘુવીર

રાજકોટ,તા. ૮ : દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ, ઉમીયા માતાજી સીદસર, સરગમ કલબ, યુવી કલબ, ઉપરાંત શહેરની અનેક નાની મોટી સંસ્‍થાઓ સાથે સંકળાયેલ આદ્રોજા પરિવારે સેવાની જયોતને સતત જલતી રાખી કરોડો રૂપિયાની સખાવત પણ કરી છે. મા ઉમીયા માતાજીના જેમની ઉપર આશીર્વાદ છે. મહાલક્ષ્મી માતાજીની જેમની ઉપર કૃપા છે એવા આદ્રોજા પરિવારે સમાજને એક અનુકરણીય સ્‍તુત્‍ય પગલુ પુરૂ પાડયું છે.

દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ છેલ્લા ચાર વર્ષથી માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ નિરાધાર, નિસહાય, લાચાર દિકરીઓનાં સમાજનાં સહકારથી રંગે ચંગે લગ્ન કરે છે. દિકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ દ્વારા અત્‍યાર સુધીમાં ચાર વહાલુડીનાં વિવાહ યોજાયા છે. ચાલુ સાલ-ર૦રર નો વહાલુડીના વિવાહનો લગ્નોત્‍સવ તા. ૧૮ ડીસેમ્‍બરને રવિવારના રોજ શહેરના શ્રેષ્‍ઠીઓની હાજરીમાં જાજરમાન રીતે યોજવાનો છે. આ વહાલુડીનાં વિવાહમાં પ્રત્‍યેક દિકરીઓને સમૃધ્‍ધ કરીયાવર ભેટ આપવામાં આવેલ છે. જેમાં  સોના ચાંદીનો પણ સમાવેશ થાય છે, ત્‍યારે ચાલુ સાલ યોજાનાર વહાલુડીના વિવાહ પાંચમાં ચરણમાં ઉદ્યોગપતિ આદ્રોજા પરિવારના મોભી શિવાલાલભાઇ આદ્રોજા તેમજ તેમના ધર્મપત્‍ની રેવાબેન આદ્રોજાની ઇચ્‍છા અનુસાર પ્રત્‍યેક દિકરીઓને એક એક તોલા સોનાની ભેટ આપવાની જાહેરાત થઇ છે. તેમની આ જાહેરાતને તેમના પરિવાજનો પુત્ર-પુત્રવધુઓ અશ્વિનભાઇ આદ્રોજા, રંજનબેન આદ્રોજા, કિરીટભાઇ આદ્રોજા, વર્ષાબેન આદ્રોજા, જીજ્ઞેશભાઇ આદ્રોજા અને તૃપ્તીબેન આદ્રોજા તેમજ પૌત્ર-પૌત્રીઓએ સમર્થન આપી સમાજને નવો રાહ ચીંધ્‍યો છે.

(3:37 pm IST)