Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

રામનાથપરામાં પાનની દુકાનમાં ૯૮ હજારની ચોરી કરનારા અજય, રવી અને અર્જુન પકડાયા

એ ડીવીઝન પોલીસે કુબલીયાપરાના ત્રણેયને ભવાનીનગરમાંથી દબોચ્‍યા

રાજકોટ તા. ૮ :.. શહેરના રામનાપરા ગરૂડ ગરબી ચોક પાસે આવેલી પાનની દુકાનમાં થયેલી રૂા. ૯૮ હજાર રોકડ ચોરીનો એ ડીવીઝન પોલીસે ભેદ ઉકેલી ત્રણ શખ્‍સોને કુબલીયાપરામાંથી પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ ગરૂડ ગરબી ચોકમાં આવેલી મહાદેવ પાન નામની દુકાનમાં છ દિવસ પહેલા રૂા. ૯૮૦૦૦ ની રોકડની ચોરી થઇ હતી. આ અંગે ભરતભાઇ દામજીભાઇ મોદી (ઉ.વ.૬૧) (રહે. સાધુ વાસવાણી રોડ નીલકમલ પાર્ક બ્‍લોક નં. ૬૦) એ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

આ ચોરીનો ભેદ ઉકેલવા માટે પી.આઇ. કે. એન. ભુકણના માર્ગદર્શન હેઠળ  પીએસઆઇ જી. એન. વાઘેલા સહિતે તપાસ શરૂ કરી હતી.

દરમ્‍યાન પાનની દુકાનમાં ચોરી કરનાર શખ્‍સો ભવાનીનગરમાં હોવાની એ. ડીવીઝન પોલીસ મથકના કો. સાગરદાન દાંતી, કો. જયરાજભાઇ કોટીલા અને હરપાલસિંહ જાડેજાને બાતમી મળતા ભવાનીનગર માટેલ પાન પાસેથી કુબલીયાપરામાં રહેતા અજય ભુપતભાઇ બાબરીયા (ઉ.વ.ર૮), રવી ટકાભાઇ ચારોલીયા (ઉ.વ.ર૧) અને અર્જુન પ્રતાપભાઇ બાંભણીયા (ઉ.વ.૧૯) ને પકડી લઇ રૂા. ૯૮૦૦ ની રોકડ કબ્‍જે કરી હતી.

આ કામગીરી પીઆઇ કે. એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી. એન. વાઘેલા, કે. કે. પરમાર, એ. એસ. આઇ. એમ. વી. લુવા, હેડ કો. કે. જે. વીરસોડીયા, મુકેશભાઇ કો. જયરાજસિંહ, જગદીશભાઇ, કેતનભાઇ, સાગરદાનભાઇ, ભગીરથસિંહ, હરપાલસિંહ, હરવિજયસિંહ અને સંજયભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(4:18 pm IST)