Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

બિહારના અપહરણ-હત્યાના ગુનામાં સામેલ રંજન યાદવને રાજકોટથી દબોચી લેવાયો

રાજકોટ રેલ્વે એલસીબીની ટીમે સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી પકડ્યો : દિવાળી કરવા વતનમાં ગયો ત્યારે પારકા ઝઘડામાં ગુનો આચરી રાજકોટ ભાગી આવ્યો'તોઃ કોન્સ. વિપુલભાઇ ગઢવી અને જયવિરસિંહની બાતમી પરથી પકડી લેવાયો

રાજકોટ તા. ૮: બિહારમાં અપહરણ અને હત્યાનો ગુનો આચરી ફરાર થઇ ગયેલો શખ્સ રંજન રાજેન્દ્ર યાદવ (ઉ.૩૪-રહે. અહિયાપુર વોર્ડ નં. ૨૯, થાના આરા ટાઉન જી. આરા બિહાર) હાલ રાજકોટમાં રહેતો હોવાની માહિતી મળતાં રાજકોટ પશ્ચિમ રેલ્વેની લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે  તપાસ શરૃ કરી હતી અને આ શખ્સને દબોચી લીધો હતો.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. વિપુલભાઇ ગઢવી અને કોન્સ. જયવીરસિંહ વનરાજસિંહને મળેલી બાતમીને આધારે રંજન યાદવને ગોકુલધામ મેઇન રોડ સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એયિરા ડીએનડી ઇન્ડસ્ટ્રીઝની બાજુમાંથી પકડી લીધો હતો. તેને સીઆરપીસી ૪૧ મુજબ અટકાયતમાં લઇ બિહાર પોલીસને જાણ કરી હતી.

બિહારના આરા પોલીસ સ્ટેશનમાં ગત તા.૨ના રોજ અપહરણ-હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સાતેક વર્ષથી રાજકોટ રહી મજૂરી કરતાં રંજનનું નામ ખુલ્યું હતું. તે રાજકોટથી દિવાળી કરવા વતન ગયો હતો. થોડા દિવસ ત્યાં રોકાવાનું હોઇ જેથી રિક્ષા ચલાવવાનું ચાલુ કર્યુ હતું. જ્યાં રિક્ષાની બેટરી બદલાવવા એક દૂકાને ગયો ત્યારે દૂકાન ખાલી કરાવવા મામલે માથાકુટ થતાં એક યુવકનું કારમાં અપહરણ કરી મોઢે ડૂમો દઇ પતાવી દીધો હતો. આ ગુનામાં રંજન પણ સામેલ થયો હતો. એ પછી તે રાજકોટ આવી ગયો હતો.

અધિકારીશ્રી રાજકુમાર પાંડિયન, શ્વેતા શ્રીમાળી, જે. કે. ઝાલા, પીઆઇ કે. ડી. રાઠોડ, એસ. વી. વસાવાની રહબરીમાં રાજકોટ રેલ્વે એલસીબીના પીએસઆઇ ઝેડ. વી. રાયમા, એએસઆઇ દિનેશભાઇ સોસા, હરિશ્ચંદ્રસિંહ, હેડકોન્સ. હરપાલસિંહ, કોન્સ. દિવ્યરાજસિંહ, યોગીરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, અનિરૃધ્ધસિંહ, અશોકભાઇ વોરા, વિપુલભાઇ, જયવિરસિંહ સહિતે આ કામગીરી કરી હતી.

(12:09 pm IST)