Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

રાજકોટમાં ૧૦૮ વર્ષના બુઝુર્ગ મહિલા મતદાન કરશે : પોસ્‍ટલ બેલેટ ફોર્મ અપાયું

અશક્‍ત, ચાલી ન શકતા, કે મતદાન માટે બહાર ના આવી શકતા વ્‍યકિતઓ માટે પોસ્‍ટલ બેલેટની સુવિધાઃ કાર્યવાહી શરૂ

રાજકોટ તા.૭:  ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીઓમાં આ વખતે વયોવૃદ્ધ, અશક્‍ત, ચાલી ન શકતા, કે મતદાન માટે બહાર ના આવી શકતા વ્‍યક્‍તિઓ માટે પોસ્‍ટલ બેલેટની સુવિધા ચૂંટણી તંત્રે ઉપલબ્‍ધ કરાવી છે. ૬૯-રાજકોટ પヘમિ વિધાનસભા ક્ષેત્રમાં, નાના મવા મેઈન રોડ વિસ્‍તારમાં આજે  ૧૦૮ વર્ષના વયોવૃદ્ધ મહિલા ચોથીબેન લિંબાસિયાના ઘરે બૂથ લેવલ ઓફિસર શ્રી વિંકલબેન લાડાણી પહોંચ્‍યાં હતાં અને પોસ્‍ટલ બેલેટ માટે જરૂરી ફોર્મ ૧૨-ડી ભરાવ્‍યું હતું. આ બુઝુર્ગ મહિલા મતદારે પણ ઉત્‍સાહ સાથે પોસ્‍ટલ બેલેટ માટે સંમતિ આપી હતી. આ મતક્ષેત્રના ચૂંટણી અધિકારીશ્રી સંદીપ વર્માના માર્ગદર્શનમાં આ કામગીરી કરવામાં આવી હતી.

‘મતદાન એ દરેકનો અધિકાર છે અને મતદાનમાંથી કોઈ બાકાત ના રહેવું જોઈએ'- એ ખેવના સાથે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના નિર્દેશ મુજબ, જિલ્લાનું ચૂંટણી તંત્ર મિશન મોડમાં કામ કરી રહ્યું છે. હાલ પોસ્‍ટલ બેલેટ માટે જરૂરી ફોર્મ-૧૨ ડી જરૂરિયાત ધરાવતા મતદારોને ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પોસ્‍ટલ બેલેટ એવી પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે કે, બૂથ લેવલ ઓફિસર મતદારોના નિવાસ સ્‍થાનની મુલાકાલ લઈને સંબંધિત મતદારને ફોર્મ-૧૨ ડી પહોંચાડીને તેની પહોંચ મેળવશે. માન્‍ય રાખવામાં આવેલી અરજીઓની યાદી ચૂંટણી અધિકારી દ્વારા માન્‍ય રાજકીય પક્ષોના હરીફ ઉમેદવારોને પૂરી પાડવામાં આવશે. બે મતદાન અધિકારીઓની બનેલી ટીમ પોલીસ રક્ષણ અને વીડિયોગ્રાફરને સાથે લઈને આવા મતદારોના ઘરે જશે અને મતદાનની ગુપ્તતાનો ભંગ ન થાય એ રીતે મતદાન કરાવશે. ઉમેદવાર ઈચ્‍છતા હશે તો ચૂંટણી અધિકારીને આગોતરી જાણ કર્યા બાદ આ પ્રક્રિયાના સાક્ષી તરીકે અધિકૃત પ્રતિનિધિને નિયુક્‍ત કરી શકશે.

(10:55 am IST)