Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

સેવાના પર્યાય, અનન્‍ય વિચારો મૂર્તિમંત કરનારાં પદ્મભૂષણ ઇલાબેન ભટ્ટના વિચારો કાયમ ધબકશે

ઈલાબેન રમેશભાઇ ભટ્ટ એક સહકારી ચળવળના માર્ગદર્શક, સામાજિક કાર્યકર, ગાંધીવાદી વ્‍યક્‍તિત્‍વ હતા : કાયદાના સ્‍નાતક હતા અને આંતરરાષ્ટ્રીય મજૂર,સ્ત્રીઓને લાગતા વિષયો, લઘુ ધિરાણ અને સહકારી મંડળ સંલગ્ન ચળવળો સાથે જોડાયાં હતાં : રેમન મેગ્‍સેસે એવોર્ડ, રાઈટ લાઈવલીહુડ પુરસ્‍કાર અને પદ્મભૂષણ જેવા સન્‍માન મળ્‍યા હતા : ૧૯૭૨માં સ્‍વાશ્રયી મહિલા સેવા સંઘ (સેલ્‍ફ-એમ્‍પ્‍લોય્‍ડ વુમન્‍સ એસોશિએશન - સેવા) ની સ્‍થાપના કરી અને ૧૯૭૨ થી ૧૯૯૬ સુધી તેના જનરલ સેક્રેટરી પદે : ઈલાબેન ભટ્ટના આખા પરિવારમાં દેશપ્રેમ કૂટી-કૂટીને ભરેલો છે : ઇલાબેનને અંતિમ સમય સુધી તેમની શ્રમજીવી બહેનો અને લોકોની ચિંતા હતી

મહાત્‍મા ગાંધીએ સ્‍થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના બીજા મહિલા કુલપતિ તરીકે પદ્મભૂષણ અને રોમન મેગસેસ એવોર્ડથી સન્‍માનિત અને સેવા (સેલ્‍ફ એમ્‍પ્‍લોઈડ વીમેન્‍સ એસોસિએશન)નો અનન્‍ય વિચાર મૂર્તિમંત કરનારાં ઈલાબહેન ભટ્ટની નિયુક્‍તિ કરાઈ ત્‍યારે તેમણે કહેલું કે, હજુ પૂર્ણ સ્‍વરાજનું સ્‍વપ્‍ન સાકાર કરવાનું બાકી છે. જીવનનાં અંત સુધી તેઓ કાર્યરત રહ્યા. ઈલાબેન ભટ્ટ અને સેવા એ પર્યાય વાચક શબ્‍દો બની ગયા હતા. ૨ નવેમ્‍બર ૨૦૨૨ ના રોજ ૮૯ વર્ષની ઉંમરે તેમણે જીવનલીલા સંકેલી.

ઈલાબેન રમેશભાઇ ભટ્ટ (૭ સપ્‍ટેમ્‍બર ૧૯૩૩ - ૨ નવેમ્‍બર ૨૦૨૨ એક સહકારી ચળવળના માર્ગદર્શક, સામાજિક કાર્યકર, ગાંધીવાદી વ્‍યક્‍તિ હતા. તેમણે ૧૯૭૨માં સ્‍વાશ્રયી મહિલા સેવા સંઘ (સેવા) નામની સંસ્‍થા સ્‍થાપી અને ૧૯૭૨થી ૧૯૯૬ સુધી તેના જનરલ સેક્રેટરી પદે રહ્યા. તેઓ કાયદાના સ્‍નાતક હતા અને આંતરરાષ્ટ્રીય મજૂર, સ્ત્રીઓને લાગતા વિષયો, લઘુ ધિરાણ  અને સહકારી મંડળ સંલગ્ન ચળવળો સાથે જોડાયાં હતાં. તેમને રેમન મેગ્‍સેસે એવોર્ડ (૧૯૭૭), રાઈટ લાઈવલીહુડ પુરસ્‍કાર અને પદ્મભૂષણ (૧૯૮૬) જેવા પુરસ્‍કારો મળ્‍યા હતા. ૧૯૫૬માં ઈલાબેન ભટ્ટના લગ્ન રમેશ્‍ભાઇ ભટ્ટ સાથે થયા હતા. તેમના બે બાળકો અમીમયી અને મિહીર સાથે તેઓ અમદાવાદમાં તેમના પરિવાર સાથે રહેતા હતા.

ઇલાબેન ભટ્ટનો જન્‍મ અમદાવાદમાં થયો હતો. તેમના પિતા સુમંતરાય ભટ્ટ સફળ વકીલ હતા અને તેમની માતા વનલીલાબેન વ્‍યાસ સ્ત્રીઓની ચળવળમાં સક્રિય હતા અને તેઓ કમલાદેવી ચટ્ટોપાધ્‍યાય દ્વારા સંસ્‍થાપિત ઓલ ઈંડિયા વુમન્‍સ કોન્‍ફરેન્‍સના સેક્રેટરી હતાં. તેઓ ત્રણ પુત્રીમાં બીજા ક્રમે હતાં. તેમનું બાળપણ સુરતમાં વીત્‍યું. અહીં ૧૯૪૦ થી ૧૯૪૮ દરમ્‍યાન તેમણે સાર્વજનિક ગર્લ્‍સ હાઈસ્‍કુલમાં અભ્‍યાસ કર્યો. ૧૯૫૨માં તેમણે દક્ષિણ ગુજરાત યુનીવર્સિટી સંલગ્ન એમ. ટી. બી. કોલેજમાંથી અંગ્રેજી વિષયમાં બી. એ. (વિનયન સ્‍નાતક)ની પદવી મેળવી. સ્‍નાતક થયા બાદ તેમણે અમદાવાદની સર એલ. એ. શાહ લો કોલેજમાં પ્રવેશ મેળવ્‍યો. ૧૯૫૪માં હિંદુ કાયદા પર તેમના કાર્ય માટે સુવર્ણ ચંદ્રક સાથે તેમણે કાયદામાં સ્‍નાતકની પદવી મેળવી. તેમણે તેમની કારકીર્દીની શરૂઆતમાં મુંબઈની એસ. એન. ડી. ટી. વુમન્‍સ યુનિવર્સીટીમાં અંગ્રેજી શીખવવાથી કરી. ૧૯૫૫માં તેઓ અમદાવાદની મિલ મજુર સંઘ (ટેક્‍સટાઈલ લેબર એસોશિએશન - TLA)માં જોડાયાં હતા.

ઈલાબેનનો આઝાદીની ચળવળના વાતાવરણમાં જન્‍મ અને ઉછેર થયો હતો. આઝાદીનાં સંઘર્ષનાં સહયોગી ઇલાબેન ભટ્ટ  શિક્ષકોને પણ આઝાદીનાં સંઘર્ષ વિશે માહિતી આપતા. તેઓ કોલેજમાં હતા તે સમયે દેશ આઝાદ થયો. ગાંધીજીનાં માર્ગે ચાલનારા ઇલાબેન. તેમણે ભારતનાં નવનિર્માણમાં યોગદાન પણ આપ્‍યું છે. તેઓએ ૧૯૫૪માં લો ગ્રેજયુએશનમાં ગોલ્‍ડમેડલ મેળવ્‍યું હતું. ગ્રેજયુએટ થઇ મજૂર મહાજન સંઘમાં જોડાયા. મજૂર ચળવળની શરૂઆત અમદાવાદથી થઇ હતી. ઇલાબેને ગાંધીજીના માર્ગદર્શન હેઠળ કામ કર્યું હતું. ગાંધીજીએ ટ્રસ્‍ટીશિપનો સિદ્ધાંત આપ્‍યો હતો અને કહ્યું હતું કે મજૂર પોતાના ટ્રસ્‍ટી છે. મેનેજમેન્‍ટ પોતાની આવડતનાં અને માલિક મૂળીનાં ટ્રસ્‍ટી છે. દરેક વ્‍યક્‍તિની સમાજ તરફ જવાબદારી છે. ૧૯૫૫માં ઉદ્યોગો અને યુનિયન ધમધમતા હતાં. તે સમયે ઔદ્યોગિક શાંતિ સારી હતી. ૧૯૭૨માં ઇલાબેને સેવાની સ્‍થાપના કરી.

૧૯૫૬માં તેમના લગ્ન રમેશભાઇ ભટ્ટ સાથે થયા. ગુજરાત સરકારમાં થોડાક વર્ષ કાર્ય કર્યા બાદ તેમને મજુરસંઘની મહિલા પાંખના વડા બનવાનું કહેવામાં આવ્‍યું. ૧૯૭૧માં તેમણે ઈઝરાયલના તેલ અવીવની આફ્રો એશિયન ઇન્‍સ્‍ટીટ્‍યૂટ ઓફ લેબર કો-ઓપરેટેવ્‍સમાં ત્રણ મહિના અભ્‍યાસ કરી મજૂર અને સહકારી મંડળનો આંતરરાષ્ટ્રીય ડિપ્‍લોમા મેળવ્‍યો. મજુર પરિવારોની આવકમાં વધારો કરવા ઘણી સ્ત્રીઓ કાપડ ઉદ્યોગને લાગતી મજૂરી કરતી, પરંતુ રાજકીય કાયદાનું સંરક્ષણ માત્ર કારખાનામાં કામ કરતા મજૂરોને ન મળતું. આ વિચારોની તેમના પર અસર પડી. આથી આવી, કારખાના બહાર સ્‍વાશ્રયે જાતમજૂરી કરતી મહિલાઓને તેમણે મજુરસંઘની મહિલા પાંખના હેઠળ સંગઠિત કરી. તેમાં તેમને મજુરસંઘના પ્રમુખ અરવિંદ બુચની સહાય મળી. ૧૯૭૨માં તેમણે સ્‍વાશ્રયી મહિલા સેવા સંઘ (સેલ્‍ફ-એમ્‍પ્‍લોય્‍ડ વુમન્‍સ એસોશિએશન - SEWA - સેવા) ની સ્‍થાપના કરી અને ૧૯૭૨થી ૧૯૯૬ સુધી તેના જનરલ સેક્રેટરી પદે રહ્યા.

ટેક્‍સટાઈલ લેબર એસોસિયેશનના માધ્‍યમથી ઈઝરાયેલની સ્‍ટડી ટૂર પર ગયેલાં ઈલા ભટ્ટ ત્‍યાં સ્‍વનિર્ભર મહિલાઓ માટેના કાયદાઓ અને તેમને મળતી સુવિધાઓ ઉપરાંત તેમના પ્ર‘ોથી વાકેફ થયાં. તેમણે વિચાર્યું કે આ બાબત તો ભારતીય મહિલાઓને વધુ તીવ્રતાથી સ્‍પર્શે છે, આથી તેમણે ભારત પરત ફરીને લેબર એસોસિયેશનના માધ્‍યમથી સેલ્‍ફ એમ્‍પ્‍લોય્‍ડ વુમન એસોસિયેશન (સેવા)ની સ્‍થાપના કરી. ઘરે બેસીને રોજગારી મેળવવા ઈચ્‍છતી કે હુન્નર જાણતી મહિલાઓને કામ મળે અને સન્‍માનજનક આવક મળે એ માટે સેવા સંસ્‍થાના માધ્‍યમથી ઈલા ભટ્ટની દીર્ઘદૃષ્ટિ હેઠળ અનેક પ્રોજેક્‍ટ્‍સ કાર્યરત છે, જેનો લાખો મહિલાઓએ લાભ લીધો છે. મહિલાઓને રોજગાર માટે લોન મળે એ માટેના તેમના પ્રોજેક્‍ટ્‍સનું વિશ્વમાં અન્‍યત્ર પણ અનુકરણ થયું છે.

ઇ.સ. ૧૯૭૫ માં મેક્‍સિકોમાં યોજાયેલ મહિલાઇઓના આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ભારતના બિનસરકારી પ્રતિનિધિમંડળના સદસ્‍ય તરીકે હાજરી આપવાનું તેમને આમંત્રણ મળ્‍યું હતું. પ્રગિતિશિલ દેશોમાં સ્ત્રીઓની સમસ્‍યા કેવી છે તેનાથી ઇલાબેન અવગત થયા.

અંગ્રેજી વિષય સાથે બી.એ. તેમજ એલ.એલ.બી. થયેલાં ઈલાબેન ભટ્ટ, મજૂર મહાજન સંઘમાં પ્રવૃત્તિ દરમિયાન ગુજરાતની શ્રમજીવી મહિલાઓની સમસ્‍યાઓથી પરિચિત થયાં અને નિર્માણ થયું એક વ્‍યાવસાયિક મહિલાઓના સંગઠનનું જેનું નામ છે ‘સેવો'. સમયની સાથે સેવાની પ્રવૃત્તિ દેશભરમાં વિસ્‍તરી અને દક્ષિણ આફ્રિકામાં તેની ભગિની સંસ્‍થા ‘સેવુ'નો જન્‍મ થયો. સેવામાં અંદાજિત દશ લાખથી પણ વધારે મહિલા સભ્‍યો છે અને એ દેશનું સૌથી મોટું કામદાર મંડળ છે. ઈલા ભટ્ટે ‘વિશ્વ મહિલા બેંક', ‘વુમન્‍સ વર્લ્‍ડ સમિટ ફાઉન્‍ડેશન', ‘આયોજન પંચ'અને ‘રાજયસભા'માં પણ પોતાની સેવાઓ આપી છે. યેલ, હાર્વર્ડ, નાતાલ અને સયાજીરાવ ગાયકવાડ જેવી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય યુનિવર્સિટી દ્વારા ઈલાબેન ભટ્ટને ડોકટરેટની માનદ ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. તેમનાં કેટલાંક પુસ્‍તકો, જેવાં કે ‘શ્રમ શક્‍તિ ‘, ‘ગુજરાતની નારી', ‘દૂસરી આઝાદી-સેવા', અને ‘વી આર પુઅર બટ સો મેની'માં તેમની વૈચારિક પરિપક્‍વતા અને સેવાકીય પ્રવૃત્તિ દ્વારા નારી સશક્‍તીકરણ માટેના પ્રયત્‍નો દષ્ટિગોચર થાય છે.

વિશ્વના અમુક કપરા પ્ર‘ોને હલ કરવા પોતાના જ્ઞાન તથા અનુભવનો લાભ વિશ્વને મળે એવા આશયથી ૧૮ જુલાઈ ૨૦૦૭ના દિવસે નેલ્‍સન મંડેલા, વાર્કા માકેલ અને ડેસમન્‍ડ ટુટુએ એક સભા ગોઠવી. નેલ્‍સન મેન્‍ડેલાએ તેને નવું જૂથ તરીકે સ્‍થાપવાની ઘોષણા કરી જે ધ એલ્‍ડર્સ તરીકે ઓળખાઈ. આ સંસ્‍થા સ્ત્રી સમાનતા અને બાળવિવાહ અંગે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે જેમાં ઈલાબેન ભટ્ટ ભાગ ભજવતાં હતાં. ૨૦૧૨ના ફેબ્રુઆરી માસમાં તેમણે ધ એલ્‍ડર્સના સભ્‍યો ડેસમન્‍ડ ટુટુ, ગ્રોહાર્લેમ બ્રુટાલેન્‍ડ અને મેરી રોબીન્‍સન સાથે બિહારનો પ્રવાસ કર્યો. અહીં તેમણે જાગૃતિ નામની બાળવિવાહને લગતી કાર્ય કરતી સંસ્‍થાની સમીક્ષા કરી. તેમણે ઓગસ્‍ટ ૨૦૦૯ અને ઓક્‍ટોબર ૨૦૧૦માં એલ્‍ડર્સના પ્રતિનિધિમંડળ સાથે મધ્‍યપૂર્વી દેશોની મુલાકાત લીધી. ઓક્‍ટોબર ૨૦૧૦ની ગાઝાની મુલાકાત બાદ ધ એલ્‍ડર્સની વેબસાઈટ પરના બ્‍લોગમાં લખ્‍યું હતું કે અન્‍યાય સામે અહિંસક લડત ચલાવવા માટે હિંસક લડાઈ કરતાં વધુ મહેનતની જરૂર પડે છે અને લડતમાં શસ્ત્રો વાપરવાવાળા કાયર હોય છે. ૧૯૭૯માં સ્‍થપાયેલી સંસ્‍થા વુમન્‍સ વર્લ્‍ડ બેંકીંગ (સ્ત્રીઓની વૈશ્વીક બેંક)ના તેઓ એસ્‍થર ઓક્‍લૂ અએમીશેલા વોલ્‍શ સાથે સ્‍થાપક સભ્‍ય હતા. ઇલાબેન ૧૯૮૦થી ૧૯૯૮ સુધી તેના પ્રમુખ રહ્યાં. સેવા કો-ઓપરેટીવ બેંક, લારીવાળાઓના આંતર્રાષ્ટ્રીય સંગઠન-હોમનેટના તેઓ પ્રમુખ હતાં. છેલ્લે તેઓ વુમેન ઈન ઇન્‍ફોર્મલ એમ્‍પ્‍લોયમેંટ : ગ્‍લોબલાઈઝીંગ એન્‍ડ ઓર્ગેનાઈઝીંગ ના બોર્ડ ઓફ ડાયરેક્‍ટર હતા અને રોકેફેલર ફાઉન્‍ડેશનના ટ્રસ્‍ટી પણ હતા.

 અનામત વિરોધી આંદોલન સમયે ઇલાબેનના ઘર પર પથ્‍થરમારો થયો હતો. તેમનું ઘર સળગાવી દેવાની ધમકી અપાઇ હતી. આંદોલનકારીઓનો એ વિરોધ હતો કે ઇલાબેન પછાત વિદ્યાર્થીઓને સાથ સહકાર ન આપે. આવી અનેક પરિસ્‍થિતિઓનો તેમણે હિમ્‍મતભેર સામનો કર્યો અને આગળ વધ્‍યાં.

ઈલાબેન ભટ્ટના નાના અમદાવાદના જાણીતા સર્જન હતા અને સરકારી હોસ્‍પિટલમાં લોકોની સેવા કરતા હતા. આઝાદીની લડાઈમાં સક્રિય રૂપે ભાગ લેવાના ઈરાદાથી તેમણે નોકરી છોડી દીધી હતી. તેમના ત્રણેય મામા પણ સ્‍વાતંત્ર્ય સેનાની હતા. ઈલાબેન ભટ્ટના આખા પરિવારમાં દેશપ્રેમ કૂટી-કૂટીને ભરેલો છે. ઇલાબેનને અંતિમ સમય સુધી તેમની શ્રમજીવી બહેનો અને લોકોની ચિંતા હતી. બેરોજગારી અંગે પણ તેઓએ છેલ્લી ઘડી સુધી ચિંતા કરી હતી. તેમને એક બે નહીં પરંતુ ૨૦ લાખ બહેનો છે અને માત્ર અમદાવાદ અને ગુજરાત જ નહીં દેશના અન્‍ય રાજયો અને વિદેશમાં પણ બહેનો છે.

ઇલાબેનની ઘણા સમયથી નાદુરસ્‍ત તબિયત હતી અને ત્‍યારબાદ તેઓને સ્‍ટ્રોક આવ્‍યો હતો. ધીરે-ધીરે તેઓ ચાલતા પણ થયા હતા. હિંચકે બેસી અને પ્રકૃતિ સાથે સંવાદ પણ કરતા. પરંતુ છેવટે તેમને ઓપરેશન કરાવવું પડ્‍યું. ગેંગરીંગ થયું હતું અને તે ફેલાઈ ગયું હતું. ત્‍યારબાદ ઓપરેશન કરવામાં આવ્‍યું હતું. શરીરના કેટલાક અંગો સાજા થયા હતા અને કેટલાક અંગોમાં રિકવરી આવી ન હતી. છેલ્લી ઘડી સુધી તેઓને બહેનોની અને ગરીબોની ચિંતા કરી હતી.

ઇલાબેનને કોઇએ પ્રશ્ન કરેલો કે, ગાંધીજીએ જે વિચાર અને સ્‍વપ્‍ન સાથે સ્‍થાપના કરેલી તે સંદર્ભમાં પોતાની ભૂમિકા કઈ રીતે જુઓ છો? ત્‍યારે ઇલાબેને કહેલું કે, હું એટલું કહીશ કે, ગાંધીજીના સ્‍વપ્‍નનું સ્‍વરાજ હજુ અધૂરૂં છે, પૂર્ણ સ્‍વરાજ મેળવવાનું છે. આ માટે કામ કરવું તે મારી જવાબદારી રહેશે અને એ જવાબદારી તેમણે સેવારૂપે જીવનપર્યંત નિભાવી.

 

 

 

 

ઇલાબેન ભટ્ટને મળેલ એવોર્ડ

 સ્ત્રી સશક્‍તિકરણ ક્ષેત્રે તેમણે કરેલા કાર્યાને ભારત સરકાર અને અન્‍ય દેશોએ બિરદાવ્‍યા છે. તેમણે વિવિઘ એવોર્ડથી નવાજવામાં આવ્‍યા છે.

  •   ૧૯૭૭માં રોમન મેગ્‍સેસે એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. ઇલાબેન ભટ્ટ રેમન મેગ્‍સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા હતા.
  •   ઇ.સ. ૧૯૮૪માં રાઈટ લાઈવલીહુડ એવોર્ડ મળ્‍યો હતો.
  •   ૧૯૮૫માં તેમને ભારત સરકારે પદ્મશ્રી એનાયત કર્યો અને ૧૯૮૬માં તેમને પદ્મભૂષણથી સન્‍માનિત કરવામાં આવ્‍યા.
  •   ઇ.સ. ૨૦૧૧માં ઇન્‍દિરા ગાંધી શાંતિપુરા થી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
  •   ભારતમાં ગરીબસ્ત્રીઓના સશક્‍તિકરણ માટે તેમને ઈ.સ. ૨૦૧૦માં નીવાનો શાંતિ પુરસ્‍કારથી નવાજવામાં આવ્‍યા  

 

નરેન્‍દ્રભાઇ મોદીએ ઇલાબેન ભટ્ટના નિધન પર શોક વ્‍યક્‍ત કર્યો..

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ઇલાબેન ભટ્ટના નિધન પર શોક વ્‍યક્‍ત કર્યો હતો. તેમણે ટ્‍વીટ કરી લખ્‍યું હતું કે, ‘ઇલાબેન ભટ્ટના અવસાનથી દુઃખ થયું. મહિલા સશક્‍તિકરણ, સમાજ સેવા અને યુવાનોમાં શિક્ષણને આગળ વધારવા માટેના પ્રયાસો માટે તેઓને દીર્ઘકાળ સુધી યાદ રાખવામાં આવશે. તેમના પરિવારજનો તથા પ્રશંસકો પ્રત્‍યે સંવેદના. ૐ શાંતિ...'

જયારે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે પણ ટ્‍વીટ કરી શોકની આ ઘડીમાં તેમના પરિવારજનોને સાંત્‍વના પાઠવી હતી.

 

અમેરિકાના ભૂતપૂર્વ ફર્સ્‍ટ લેડી હિલેરી ક્‍લિન્‍ટના ‘પર્સનલ હિરો' હતા ઈલાબેન ભટ્ટ

૨૦૧૮માં હિલેરી ક્‍લિન્‍ટન ભારત આવ્‍યા હતા તે દરમિયાન તેમણે અમદાવાદ ખાતે ‘સેવા'ની રૂબરૂ મુલાકાત લીધી હતી

માત્ર ગુજરાતની જ નહીં પણ દેશની હજારો મહિલાને આત્‍મનિર્ભર બનાવનાર ઈલાબેન ભટ્ટથી અમેરિકના ફોર્મર ફર્સ્‍ટ લેડી હિલેરી ક્‍લિન્‍ટન  પ્રભાવિત થયા હતાં. તેમજ હિલેરીએ તેમના કામની પ્રશંસા કરી ઈલાબેન ભટ્ટને ‘પર્સનલ હિરો' કહ્યાં હતાં.

વર્ષ૧૯૯૫માં અમેરિકન ભુતપૂર્વ રાષ્ટ્રપતિ બીલ ક્‍લીન્‍ટનના પત્‍ની હિલેરી ક્‍લીન્‍ટ ભારત આવ્‍યાં હતાં. ત્‍યારે બંને વચ્‍ચે પ્રાથમિક મુલાકાત થઈ હતી. ત્‍યાર બાદ ૨૦૧૮માં મુકેશ અંબાણીની પુત્રીના લગ્ન સમારોહમાં હાજરી આપવા હિલેરી ક્‍લિન્‍ટન ફરી ભારત આવ્‍યાં હતાં. આ દરમિયાન તેમણે અમદાવાદ ખાતે સેવાની રૂબરૂ મુલાકાત લીધી હતી. સેવાની મુલાકાત બાદ હિલેરી ક્‍લિન્‍ટન ઈલાબેન ભટ્ટથી ખુબ જ પ્રભાવિત થયા હતાં. તે સમયે તેમણે ટ્‍વિટર પર એક લાંબી પોસ્‍ટ લખી ઇલાબેનની કામગીરી બિરદાવી હતી. હિલેરી ક્‍લિન્‍ટનએ લખ્‍યું હતું કે, ‘મારા અંગત હીરો પૈકીના એક ઈલા ભટ્ટ છે, જેમણે ૪૬ વર્ષથી ભારતમાં મહિલાઓને માઈક્રોલોન્‍સ પૂરી પાડી છે. તેમનું કાર્ય એ સિદ્ધાંતને સાર્થક કરે છે કે દરેક વ્‍યક્‍તિને પોતાના સપના પુરા કરવા ભગવાને આપેલી સક્ષમતાનો ઉપયોગ કરવાની તક હોવી જોઈએ.'

 ગાંધી વિચારધારામાં અતુટ વિશ્વાસ ધરાવનાર ઈલાબેનનો દીપ ૮૯ વર્ષે બુઝાઈ ગયો છે. પરંતુ તેમના દીપનું અજવાળું ક્‍યારેય નાશ નહીં પામે. તેમણે દેશ અને દુનિયામાં આપેલા સંદેશની પ્રેરણા હંમેશા દરેક લોકોમાં પ્રજ્જવલિત રહેશે.

 

સાદગી ભર્યું જીવન જીવનાર ઇલાબેન મોટાભાગે રિક્ષામાં જ જતા

પદ્મશ્રી, પદ્મભૂષણ અને મેગસેસ એવોર્ડ મેળવનાર અને સદાય સેવાને સમર્પિત રહેનાર ઇલાબેન ભટ્ટ નું જીવન આપણા સૌ માટે પ્રેરણાદાઇ રહ્યું છે. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હોવા છતાં કોઇ મોંઘેરી એસી કારમાં નહીં પણ મોટા ભાગે તેઓ રિક્ષામાં જ મુસાફરી કરતા જોવા મળતા. યુનિવર્સિટી હોય કે શહેરમાં અન્‍ય જગ્‍યાએ જવાનું હોય તેઓ રિક્ષામાંજ આવવા જવાનું રાખતા. તેમનું સાદગી ભર્યું આ જીવન આપણને ઘણું શીખવી જાય છે.

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(3:33 pm IST)