Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

‘‘આપ''ની ૧૧ મી યાદી જાહેરઃ અલ્‍પેશ સુરતથી લડશેઃ રાજકોટ ૬૮ થી રાહુલ ભુવાઃ ૬૯ થી દિનેશ જોષી લડશેઃ જામશે જંગ

રાજકોટ સહિત ગુજરાતના વધુ ૧ર ઉમેદવારો જાહેર કરાયાઃ વિધાનસભા ચુંટણીનો જામતો માહોલ

રાજકોટ તા. ૭ : આમ આદમી પાર્ટિ દ્વારા વધુ ૧ર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અલ્‍પેશ કથીરીયા અને ધાર્મિક માલવિયા સૂરતથી ચુંટણી લડશે. જયારે રાજકોટ ૬૮- ના ઉમેદવાર તરીકે રાહુલ ભુવા અને ૬૯-રાજકોટ બેઠકના ઉમેદવાર તરીકે દિનેશ જોષીના નામની જાહેરાત કરાઇ છે.

આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટમાં વધુ બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં રાજકોટ ૬૯ બેઠક ઉપર દિનેશ જોષી અને રાજકોટ ૬૮ બેઠક ઉપર રાહુલ ભુવાને ટીકીટ આપી છે. દિનેશ જોષી બ્રહ્મસમાજ નામની સંસ્‍થામાં કાર્યરત છે જયારે રાહુલ ભુવા આ અગાઉ કોર્પોરેશનની ચૂંટણી પણ કોંગ્રેસમાંથી લડી ચૂકયા છે.

આજે જાહેર કરાયેલ ઉમેદવારોમાં કચ્‍છ-ગાંધીધામથી બી.ટી. મહેશ્વરી, દાંતામાં એમ.કે. બોમબાડીયા, કાંકરેજમાં મુકેશ ઠકર, રાધનપુર લાલજી ઠાકોર, મોડાસા, રાજેન્‍દ્રસિંહ પરમાર, રાજકોટ ઇસ્‍ટ રાહુલ, ભુવા, રાજકોટ વેસ્‍ટ દિનેશ જોશી, કુતિયાણા ભીમભાઇ દાનાભાઇ મકવાણા, બોટાદ ઉમેશ મકવાણા, ઓલપાડ ધાર્મિક માલવિયા અને સુરત વરાછા રોડ ઉપર અલ્‍પેશ કથીરીયાને ટિકીટ અપાઇ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી જોરશોરથી તૈયારી કરી રહી છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની ૧૧મી યાદી જાહેર કરી છે જેમાં તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પાસના નેતા અલ્‍પેશ કથિરિયા પણ ચૂંટણી લડશે. અલ્‍પેશ કથિરિયાને સુરતમાં વરાછા રોડ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્‍યા છે જયારે ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડશે.

આમ આદમી પાર્ટીએ પોતાની ૧૧મી યાદીમાં ૧૨ ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ ગાંધીધામ, દાંતા, પાલનપુર, કાંકરેજ, રાધનપુર, મોડાસા, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, કુતિયાણા, બોટાદ, ઓલપાડ અને વરાછા રોડ બેઠક પરથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે.

પાસના નેતા અલ્‍પેશ કથિરિયાને આમ આદમી પાર્ટીએ સૂરતની વરાછા રોડ બેઠક પરથી ઉમેદવાર બનાવ્‍યા છે જયારે ધાર્મિક માલવિયાને ઓલપાડ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્‍યા છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્‍યક્ષ ગોપાલ ઇટાલિયાની બોટાદ બેઠક પરથી ચૂંટણી લડવાની વાત વહેતી થઇ હતી જોકે, હવે AAPએ આ બેઠક પરથી ઉમેશ મકવાણાને ટિકિટ આપી છે. ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડવા માટે સેફ બેઠક શોધી રહ્યા છે.

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ૧૮૨માંથી ૧૫૧ બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવીને મુખ્‍યમંત્રીનો ચહેરો બનાવ્‍યો છે. ઇસુદાન ગઢવીના નેતૃત્‍વમાં AAP ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. ગુજરાતમાં બે તબક્કા ૧ ડિસેમ્‍બર અને ૫ ડિસેમ્‍બરે મતદાન યોજાશે. ૮ ડિસેમ્‍બરે હિમાચલ પ્રદેશ સાથે જ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.

(3:31 pm IST)