Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

ચૂંટણી દરમિયાન કેવી કેવી સ્‍થિતિ સર્જાઇ શકે પૂર્વ-ગ્રામ્‍ય બેઠકના અધિકારીઓને એલર્ટ કરતા ખર્ચ નિરીક્ષક જર્નાદન એસ : તમામ ટીમને માર્ગદર્શન

રાજકોટ તા. ૭ : જિલ્લા ચૂંટણી તંત્ર નિષ્‍પક્ષ અને ન્‍યાયપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા માટે પુરી સજ્જતા સાથે કામગીરી કરી રહ્યું છે. વિધાનસભાની આઠેય બેઠકના ખર્ચ નિરીક્ષકો પણ તેમની ટીમ સાથે બેઠક યોજીને ચૂંટણી પૂર્વેના પ્રચાર ખર્ચની કામગીરી પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જે અનુસંધાને સર્કીટ હાઉસ ખાતે રાજકોટ પૂર્વ અને રાજકોટ ગ્રામ્‍ય બેઠકના ખર્ચ નિરિક્ષકશ્રી જનાર્દન એસ.એ વિવિધ ટીમો સાથે બેઠક યોજી હતી અને તલસ્‍પર્શી ચર્ચા કરીને ટીમના સભ્‍યોને જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્‍યું હતું.

ખર્ચ નિરીક્ષકશ્રી જનાર્દન એસ.એ સ્‍ટેટીક સર્વેલન્‍સ ટીમ, વિડીયો સર્વેલન્‍સ ટીમ, ફલાઈંગ સ્‍કવોડ, વીડિયો વ્‍યુઈંગ ટીમ વગેરેના સભ્‍યો પાસેથી તેમની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેવી કેવી પરિસ્‍થિતિઓ સર્જાઈ શકે છે તે બાબતે પોતાના અનુભવો રજુ કર્યા હતા. તેમજ નજીવી લાગતી બાબતોની અવગણના ન કરી સમગ્ર પરિસ્‍થિતિનું બારીકાઈભર્યું નિરીક્ષણ સુચન કર્યું હતું. સાથો સાથ બેઠક ૬૮ અને ૭૧ના રીટર્નિંગ ઓફીસરોની કામગીરી અંગે પણ તેમણે સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં રીટર્નીંગ ઓફિસરો સુરજ સુથાર, વિવેક ટાંક, આસિસ્‍ટન્‍ટ એક્‍સપેન્‍ડિચર ઓબ્‍ઝર્વર, એકાઉન્‍ટ ટીમ, સ્‍ટેટિક સર્વિલન્‍સ ટીમ, ફલાઈંગ સ્‍કવોડ ટીમ, વીડિયો વ્‍યુઈંગ ટીમ સહિતના અધિકારીઓ અને સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:36 am IST)