Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

બામણબોર નજીક રામપર બેટીના પુલ પરથી ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ નીચે ખાબકીઃ ૧૫ને ઇજા

અમદાવાદથી જુનાગઢ તરફ જઇ રહેલી બસને સવારે અકસ્માત નડ્યોઃ ઘાયલોને સારવારમાં ખસેડવા ત્રણ ૧૦૮ ઘટના સ્થળે પહોંચી

તસ્વીરમાં પૂલ નીચે ખાબકેલી બસ તથા ઘાયલ મુસાફરોને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં તે જાઇ શકાય છે. સોથી છેલ્લે બસ જ્યાંથી ખાબકી તે પૂલનું દ્રશ્ય જાઇ શકાય છે. ઘટના સ્થળની તસ્વીરો બામણબોરથી બાબુલાલ ડાભીઍ મોકલી હતી.

 

રાજકોટ તા. ૭: રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર નજીક રામપર બેટીના પુલ પરથી ખાનગી ટ્રાવેલ્સની બસ નીચે ખાબકતાં મુસાફરોમાં દેકારો મચી ગયો હતો. અમદાવાદથી જુનાગઢ તરફ જઇ રહેલી આ બસ આખી ભરેલી હતી. કોઇપણ કારણોસર ચાલકે કાબૂ ગુમાવતાં બસ પુલ પરથી ખાબકી હતી. પંદર જેટલા મુસાફરોને ઇજા થતાં કુવાવડા, રાજકોટ ખસેડાયા હતાં. જેમાં મોટા ભાગનાને નજીવી ઇજા હોઇ પ્રાથમિક સારવાર અપાઇ હતી. જ્યારે ત્રણ મુસાફરને રાજકોટ દાખલ કરાયા હતાં.

જાણવા મળ્યા મુજબ અમદાવાદ ગીતા મંદિર ખાતેથી રાત્રે જુનાગઢ જવા માટે ઉપડેલી મજદા ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ જીજે૦૩ડબલ્યુ-૯૮૭૨ વહેલી સવારે સાડા છઍક વાગ્યે બામણબોર નજીક રામપરા બેટીના પુલ પાસે પહોંચી ત્યારે બસ ચાલકે કોઇપણ કારણોસર સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પૂલ પરથી નીચે ખાબકતાં મુસાફરોમાં દેકારો મચી ગયો હતો.

અકસ્માતને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને ઍરપોર્ટ પોલીસની ટીમ પહોંચી ગઇ હતી. જાણ થતાં ૧૦૮ની ત્રણ ગાડીઓ સાથે ગ્રીનલેન્ડ ચોકડીના ભાવેશભાઇ વાઢેર, રવીભાઇ નિમાવત, જગદીશભાઇ, દિલીપભાઇ બારોટ સહિતના પહોંચ્યા હતાં. જા કે મોટા ભાગનાને સામાન્ય ઇજાઓ થઇ હોઇ કુવાડવા પ્રાથમિક સારવાર આપી રજા અપાઇ હતી. જ્યારે ત્રણ મુસાફરો દિપક ગજાનંદ શર્મા (ઉ.૧૯-રહે. અમરાવતી અમદાવાદ), જીવણભાઇ અમરાભાઇ ગોહેલ (ઉ.૫૨-રહે. મેઘાણીનગર અમદાવાદ) તથા અનુજકુમાર મોરવલ (ઉ.૫૦-રહે. અમદાવાદ)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતાં.

હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇઍ ઍરપોર્ટ રોડ પોલીસને જાણ કરી હતી. ઘાયલોના કહેવા મુજબ રાતે બસ ઉપડી હતી. જે અમદાવાદ-જુનાગઢ રૂટની હતી. સ્લીપરના તમામ સોફા અને બેઠક ઍમ તમામ સીટો ફુલ હતી. ડ્રાઇવરે કોઇપણ કારણોસર કાબૂ ગુમાવતાં બસ પૂલ નીચે ઉતરી ગઇ હતી. સદ્દનસિબે કોઇ જાનહાની થઇ નહોતી. બસને બહાર કાઢવા પોલીસે ક્રેઇનની મદદ કાઢવા અને મુસાફરની ફરિયાદને આધારે બસ ચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરવા તજવીજ આદરી હતી.

(10:53 am IST)