Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

ગંજીવાડાના રિક્ષાચાલક રાજેશે મધરાતે કાળીપાટમાં સાસરિયામાં ખેલ્‍યો ખૂની ખેલઃ પાંચને સુયા ભોંક્‍ી દીધાઃ દાદાજી સસરાની હત્‍યા

કારખાનામાં કામ કરતી પત્‍નિ શિલ્‍પાને શુક્રવારે સાંજે કારખાનાના મેતાજી સાથે હોન્‍ડામાં બેઠેલી જોતાં રાજેશે રોષે ભરાઇ રસ્‍તા પર જ તેણીને ફટકારી, પછી ઘરે લઇ જઇ સાવરણીથી બેફામ માર માર્યોઃ શનિવારે પત્‍નિ કાળીપાટ રિસામણે ગઇઃ એ સાંજે જ તેણીને તેડવા ગયો, પણ દાદાજી સસરાએ રાત રોકાઇ જવા કહ્યું અને સાળાએ ઝઘડો કરતાં નીકળી ગયો, મધરાતે ૩ વાગ્‍યે ફરીથી ઘરમાં ઘુસી તૂટી પડયો :ગઇકાલે હુમલામાં ઘવાયેલા હંસરાજભાઇ ધનજીભાઇ મોરવાડીયા(ઉ.વ.૭૫)એ આજે સવારે દમ તોડતાં બનાવ હત્‍યામાં પરિણમ્‍યોઃ આરોપી રાજેશ મેર પણ હાથ ભાંગી ગયો હોઇ સારવાર હેઠળઃ રાજેશના શંકાશીલ સ્‍વભાવને કારણે થઇ હત્‍યા

શંકાને કારણે ખૂનીખેલ-હત્‍યાઃ કાળીપાટમાં જેની હત્‍યા થઇ તે ૭૫ વર્ષિય હંસરાજભાઇ વાઘજીભાઇ મોરવાડીયાનો ફાઇલ ફોટો, તેમનો નિષ્‍પ્રાણ દેહ તથા હુમલામાં ઘાયલ તેમના પત્‍નિ રંભીબેન-રત્‍નાબેન તથા રાજેશની પત્‍નિ શિલ્‍પા, સાળી સુમિતા, કાકીજી મુક્‍તાબેન અને વિગતો જણાવતાં પરિવારના સભ્‍યો (નીચેની તસ્‍વીર) જોઇ શકાય છે. સોૈથી છેલ્લે (નીચે) હત્‍યા નિપજાવનાર આરોપી રાજેશ મનજીભાઇ મેર (કોળી) નજરે પડે છે. તેને પણ સાળાઓએ ધોકાવી હાથ ભાંગી નાંખ્‍યો હોઇ પોલીસ જાપ્‍તા હેઠળ સારવારમાં છે.
રાજકોટ તા. ૭: ગંજીવાડામાં રહેતાં રિક્ષાચાલક કોળી શખ્‍સે શુક્રવારે સાંજે પત્‍નિને તેણી જે કારખાનામાં કામ કરે છે ત્‍યાં મેતાજી તરીકે નોકરી કરતાં વ્‍યક્‍તિના હોન્‍ડા પાછળ બેઠેલી જોઇ લેતાં રસ્‍તા પર જ તેણીને પથ્‍થરથી માર મારી તેમજ ઘરે લઇ જઇ સાવરણીથી બેફામ ફટકાર્યા બાદ પત્‍નિ ત્રંબા નજીકના કાળીપાટ ગામે પોતાના માવતરે જતી રહી હોઇ શનિવારે સાંજે ત્‍યાં જઇ પત્‍નિને સાથે આવવાનું કહેતાં દાદાજી સસરાએ એક રાત રોકાઇને સવારે સાથે નીકળી જવા સમજાવતાં અને સાળાએ ઝઘડો કરી મારી બહેનને હવે મોકલવી જ નથી તેમ કહેતાં રોષે ભરાઇને નીકળી ગયેલા રિક્ષાચાલક કોળી શખ્‍સે શનિ-રવિને મધરાતે ત્રણેક વાગ્‍યે ફરીથી સસરાના ઘરે કાળીપાટ પહોંચી દાદાજી સસરા સુતા હોઇ તેના રૂમમાં ઘુસી સુયાના આઠથી દસ ઘા ઝીંકી દીધા હતાં. તેમજ દાદીજી સાસુ, પત્‍નિ, કાકીજી અને સાળીને પણ ઘા માર્યા હતાં. વળતા હુમલામાં તેનો હાથ પણ ભાંગી જતાં બધા સારવાર હેઠળ હોઇ તે પૈકીના ૭૫ વર્ષના દાદાજી સસરાએ આજે સવારે દમ તોડી દેતાં બનાવ હત્‍યામાં પરિણમ્‍યો હતો. પત્‍નિ પરની શંકાને કારણે રિક્ષાચાલકે આ ખૂની ખેલ ખેલ્‍યો હતો.
ચકચાર જગવાનારી આ બનાવમાં પોલીસે હુમલામાં ઘાયલ ગંજીવાડામાં રહેતી શિલ્‍પાબેન રાજેશ મેર (કોળી) (ઉ.૩૨)ની ફરિયાદ પરથી તેણીના પતિ રાજેશ મનજીભાઇ મેર વિરૂધ્‍ધ આઇપીસી ૩૨૬, ૩૨૪, ૫૦૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્‍યો હતો. એ દરમિયાન શિલ્‍પાબેનના દાદા હંસરાજભાઇ વાઘજીભાઇ મોરવાડીયા (ઉ.૭૫)નું સારવાર દરમિયાન આજે સવારે મોત નિપજતાં હત્‍યાની કલમ ૩૦૨નો ઉમેરો કર્યો છે.
શિલ્‍પાબેને જણાવ્‍યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને માંડા ડુંગરમાં મહિકા ગામના જુના રોડ પર હિતેષભાઇ રામાણીના ખોડિયાર નામના કારખાનામાં મજૂરી કરુ છું. મારા લગ્ન પંદરેક વર્ષ પહેલા ગંજીવાડાના મનજીભાઇ રામજીભાઇ મેરના દિકરા રાજેશ ઉર્ફ રાજુ મેર સાથે થયા છે.  મારે સંતાનમાં બે દિકરા મહેશ (ઉ.૧૪), પૃથ્‍વી (ઉ.૭) અને પુત્રી પરી (ઉ.૧૨) છે. મારા પતિ રાજેશ મેર હું જ્‍યાં કામ કરુ છું એ કારખાનામાં જ વર્ધી ભરે છે એટલે કે અહિના કારીગરોને નજીકમાંથી લાવવા-મુકવા ફેરા કરે છે. તા. ૩ના શુક્રવારે સાંજે છએક વાગ્‍યે કારખાનેથી છુટીને હું પતિની રિક્ષામાં બેસીની આજીડેમ ચોકડીએ ઉતરી હતી. એ પછી ઘરે જવા બીજી રિક્ષાની રાહ જોઇને ઉભી હતી ત્‍યાં અમારા કારખાનાના મેતાજી દિપકભાઇ ઝાલા હોન્‍ડા લઇને નીકળતાં મને જોઇને હોન્‍ડા ઉભુ રાખી ઘરે મુકી જવાનું કહેતાં હું પાછળ બેસી ગઇ હતી.
આ વખતે જ મારા પતિ રાજેશ અચાનક આવી જતાં તેણે મને દિપકભાઇના હોન્‍ડામાં બેસેલી જોતાં બેફામ ગાળો દીધી હતી અને તું કેમ અજાણ્‍યાની પાછળ બેસી જાય છે? તેમ કહી માથામાં પથ્‍થર મારી દીધો હતો. માણસો ભેગા થઇ જતાં તે મને રિક્ષામાં બેસાડી ઘરે લઇ ગયેલ અને ત્‍યાં પણ સાવરણીથી બેફામ માર માર્યો હતો. જેથી મને સાસુ-સસરા દવાખાને લઇ ગયા હતાં. ત્‍યારબાદ મેં માવતરે જાણ કરતાં શનિવારે મારો ભાઇ અજય મને માવતરે કાળીપાટ તેડી ગયો હતો. એ રાતે જ સાંજે આઠેક વાગ્‍યે મારો પતિ રાજેશ મને તેડવા કાળીપાટ આવ્‍યો હતો. ત્‍યારે મારા દાદા હંસરાજભાઇએ તેને સમજાવ્‍યો હતો કે આજની રાત રોકાઇ જાવ અને રવિવારે સવારે બધા સાથે નીકળી જજો. જેથી મારો પતિ જતો રહ્યો હતો.
એ પછી શનિ-રવિની રાતે ત્રણેક વાગ્‍યે મારા દાદા હંસરાજભાઇ તથા દાદી રત્‍નાબેન (રંભીબેન) જે રૂમમાં સુવે છે તે રૂમમાં દેકારો થતાં અમે બધા જાગી ગયા હતાં. ઉઠીને જોતાં મારો પતિ ડિસમીસ-સૂયા જેવા હથીયાર સાથે જોવા મળ્‍યો હતો અને મારા દાદા હંસરાજભાઇને આડેધડ ઘા મારતો દેખાયો હતો. હું છોડાવવા છચ્‍ચે પડતાં મને છાતીમાં ડાબી સાઇડ પર ઘા મારી દીધો હતો. લોહી નીકળતાં હું પડી ગઇ હતી. એ પછી તેણે મારા કાકી મુક્‍તાબેન અને મારી બહેન સુમિાતાને પણ ઇજા પહોંચાડી હતી. કાકી મુક્‍તાબેન અને બહેન સુમિતાને વાંસામાં ઇજા થઇ હતી.
દેકારો થતાં મારા ઘરના બીજા સભ્‍યો આવી જતાં પતિ ભાગવા માંડયો હતો. મારા દાદા, દાદી, કાકી, બહેન અને મને ઇજાઓ થઇ હોઇ કોઇએ ૧૦૮ બોલાવતાં અમને બધાને રાજકોટ ખસેડયા હતાં. પતિએ ખોટી શંકા કરી મને મારકુટ કરી હોઇ હું માવતરે આવી ગઇ હોઇ મને તેડવા આવ્‍યો ત્‍યારે મારા દાદાએ એક રાત રોકાઇને પછી જવાનું કહ્યું હોઇ મારા પતિએ ખાર રાખી મધરાતે ઘરમાં આવી સૂયા-ડિસમીસથી મારા દાદા હંસરાજભાઇને આડેધડ આઠથી દસ ઘા મારી દીધા હતાં.  હું વચ્‍ચે પડતાં મને પણ ઇજા પહોંચાડી હતી અને ઘરના બીજા લોકોને પણ તેણે ઘાયલ કર્યા હતાં. તેમ વધુમાં શિલ્‍પાબેને જણાવતાં પોલીસે ગુનો નોંધ્‍યો હતો.
દરમિયાન આજે સવારે દાદા હંસરાજભાઇ મોરવાડીયાએ દમ તોડી દેતાં પોલીસે હત્‍યાની કલમ ૩૦૨નો ઉમેરો કર્યો છે. હત્‍યાનો ભોગ બનેલા હંસરાજભાઇ મોરવાડીયા બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. બીજા ભાઇનું નામ હરજીભાઇ તથા બહેનોના નામ કુંવરબેન, હેમુબેન અને રામબેન છે.
હંસરાજભાઇને સંતાનમાં બે પુત્રો દેવરાજભાઇ, ધનજીભાઇ તથા બે પુત્રી હંસાબેન બીજલભાઇ રાઠોડ અને રંજુબેન પ્રવિણભાઇ રોજાસરા છે. હંસરાજભાઇના અને પુત્રો છુટક મજૂરી કરે છે. હંસરાજભાઇની હત્‍યા નિપજાવનાર જમાઇ રાજેશ ઉર્ફ રાજુ મેર બે ભાઇ અને એક બહેનમાં નાનો છે અને તેને ત્રણ સંતાન છે. પત્‍નિ પરની શંકાને કારણે રાજેશ ગુસ્‍સે ભરાયો હતો અને મધરાતે સાસરિયાના ઘરમાં ઘુસી સુયાથી તૂટી પડી દાદાજી સસરા, દાદીજી, કાકીજી, પત્‍નિ અને સાળીને ઘાયલ કરી દીધા હતાં. જેમાં દાદાજીએ આજે સોમવારે સવારે દમ તોડી દીધો હતો.
વળતા હુમલામાં રાજેશ મેર પણ ઘાયલ થયો હોઇ અને હાથ ભાંગી ગયો હોઇ તેને પણ દાખલ કરાયો હતો. પોલીસે આરોપી રાજેશ મનજીભાઇ મેર (કોળી) (ઉ.વ.૪૪-રહે. દૂધ સાગર રોડ હૈદરી ચોક, ગંજીવાડા, ૬૬ નંબરની સ્‍કૂલ પાછળ જામફળીવાળુ મકાન)ની ફરિયાદ પરથી તેના સાળા અજય મોરવાડીયા અને મનિષ વિરૂધ્‍ધ આઇપીસી ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો.
રાજેશે હોસ્‍પિટલના બિછાનેથી કહ્યું હતું કે હું જીજે૦૩બીએક્‍સ-૪૫૪૪ નંબરની રિક્ષા હંકારી ગુજરાન ચલાવુ છું. મારા લગ્ન કાળીપાટના દેવરાજભાઇ હંસરાજભાઇ મોરવાડીયાની દિકરી શિલ્‍પા સાથે થયા છે. શિલ્‍પા માંડાડુંગરમાં આવેલા ખોડીયાર નામના કારખાનામાં ભઠ્ઠી કામ કરે છે. તા. ૩/૧૧ના સાંજે છએક વાગ્‍યે તે કારખાનેથી છુટી હતી. હું તેને મારી રિક્ષામાં બેસાડી આજીડેમ ચોકડી સુધી મુકી આવ્‍યો હતો. ત્‍યાંથી તે ઘરે જતી રહેવાની હતી. ભાડુ કરી હું તુરત પરત આવતાં મારી પત્‍નિ શિલ્‍પા કારખાનામાં મેતાજી તરીકે કામ કરતાં દિપક ઝાલાના હોન્‍ડામાં બેસીને જતી જોવા મળી હતી. આથી મેં તેને અટકાવી હતી અને તું શું કામ કોઇના હોન્‍ડામાં બેઠી છો? તેમ કહેતાં બોલાચાલી થઇ હતી અને મેં તેને પથ્‍થરનો ઘા માથામાં મારી દીધો હતો.
આ વખતે માણસો ભેગા થઇ જતાં હું મારી પત્‍નિને રિક્ષામાં બેસાડી ઘરે લઇ ગયો હતો. ઘરે પણ અમારી વચ્‍ચે ઝઘડો થતાં મેં તેને સાવરણીથી માર માર્યો હતો. જેથી તેને ઇજા થઇ હતી. એ પછી તેણીને મારા માતા-પિતા ડોક્‍ટર પાસે લઇ ગયા હતાં અને સારવાર કરાવી હતી. તા. ૪/૧૧ના રોજ મારો સાળો અજય મારા ઘરે આવ્‍યો હતો અને મારી પત્‍નિ શિલ્‍પાને તેડી ગયો હતો.
ત્‍યારબાદ તા. ૫ના શનિવારે સાંજે આઠેક વાગ્‍યે હું કાળીપાટ મારી પત્‍નિને તેડવા ગયો હતો. ત્‍યારે મારા દાદાજી સસરા હંસરાજભાઇએ મને કહેલું કે આજની રાત રોકાઇ જાવ, સવારે પતિ-પત્‍નિ જતાં રહેજો. તે વખતે પણ મારા સાળા અજયએ મારી સાથે ઝઘડો કર્યો હતો અને મને ગાળો દીધી હતી તેમજ ‘મારી મારી બહેનને તારી સાથે મોકલવી નથી' તેમ કહી દેતાં હું ત્‍યાંથી નીકળી ગયો હતો. મારી પત્‍નિને સાથે મોકલી ન હોઇ મને ગુસ્‍સો ચડતાં હું એ તા. ૬/૧૧ના શની-રવિવાર વહેલી સવારે ત્રણેક વાગ્‍યે હું પંચર કરવાનો સૂયો જે પ્‍લાસ્‍ટીકની મુઠવાળો છે તે લઇને આજીડેમ ચોકડીએ આવ્‍યો હતો.
ત્‍યાંથી રિક્ષા ભાડે કરીને કાળીપાટ ગયો હતો. રિક્ષામાંથી ઉતરીને સસરાના ઘરે ચાલીને પહોંચ્‍યો હતો. ત્‍યાં બધા લોકો ઉંઘતા હતાં. દાદાજી સસરા હંસરાજભાઇ (ઉ.૭૫) જે રૂમમાં સુવે છે તે રૂમનો દરવાજો ખોલતાં તે ખુલી ગયો હતો. જેમાં હંસરાજભાઇ અને તેના પત્‍નિ રત્‍નાબેન (રંભીબેન) સુતા હતાં. મેં હંસરાજભાઇને બૂમ પાડીને ઉઠાડયા હતાં અને મારી પાસેના સૂયાથી આડેધડ તેના પર ઘા ઝીંક્‍યા હતાં. દાદીજી સાસુ રત્‍નાબેન (રંભીબેન) (ઉ.૭૦) વચ્‍ચે પડતાં તેને પણ મેં સુયાના ઘા મારી પછાડી દીધા હતાં.
દેકારો થતાં મારી પત્‍નિ શિલ્‍પા વચ્‍ચે પડતાં તેને પણ મેં સુયાના માર્યા હતાં. એ પછી વધુ દેકારો થતાં ઘરના બીજા સભ્‍યો જાગી ગયા હતા. મારા કાકીજી મુક્‍તાબેન ધનજીભાઇ (ઉ.૪૦) તેમજ સાળી સુમિતા ધનજીભાઇ (ઉ.૨૦) વચ્‍ચે પડતાં તેને પણ મેં ઇજા પહોંચાડી હતી. દાદાજી સસરા હંસરાજભાઇને લોહી નીકળતું હોઇ હું એ જોઇને ભાગવા જતાં મારા સાળા અજય અને મનીષે પકડી લીધો હતો અને ગાળો દઇ લાફા માર્યા હતાં. તેમજ ત્‍યાં ફળીયામાં પડેલી લાકડીથી મને આડેધડ માર મારતાં માથામાં ફુટ થઇ ગઇ હતી. કોઇએ ૧૦૮ બોલાવતાં મને હોસ્‍પિટલે ખસેડયો હતો. હુમલામાં મારો ડાબો હાથ ભાંગી ગયો હતો.
આજીડેમ પીઆઇ કે. જે. કરપડા, પીએસઆઇ એચ. બી. ગઢવી, પીએસઆઇ જે. કે. ગઢવી, સ્‍મીતભાઇ વૈશ્નાણી, મેરૂભા ઝાલા, રામજીભાઇ થડાણી સહિતે ગુના દાખલ કર્યા હતાં. આરોપી પોતે પણ સારવાર હેઠળ હોઇ તેના પર પોલીસ જાપ્‍તો મુકી દેવાયો છે. રજા અપાયા બાદ તેની ધરપકડ થશે. હત્‍યાના બનાવથી કોળી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હત્‍યારા રાજેશ મેરે પુછ્‍યું-મારી ઘરવાળીને કે કોઇને કઇ થયુ તો નથી ને!?
 રાજકોટથી કાળીપાટ સસરાના ઘરે જઇ પત્‍નિ, દાદાજી સસરા, દાદીજી સાસુ સહિત પાંચને પંચરના સૂયાના ઘા ઝીંકી દેનાર રાજેશ ઉર્ફ રાજુ મેર પણ બે સાળાના હુમલામાં ઘાયલ થયો હોઇ અને હાથ ભાંગી ગયો હોઇ અર્ધબેભાન જેવી હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. આજે સવારે હોસ્‍પિટલના બિછાનેથી તેણે ત્‍યાં હાજર સ્‍ટાફના લોકોને પુછ્‍યું હતું કે મારી ઘરવાળીને મોકલતાં નહોતા઼ એટલે માથાકુટ થઇ હતી. મારી ઘરવાળીને કે બીજા કોઇને કંઇ થયું તો નથી ને?!

રાજેશ દસેક વર્ષથી પત્‍નિ શિલ્‍પાને હેરાન કરતો હોવાનો સાસરિયાઓનો આક્ષેપ
રાજેશના હુમલામાં ઘાયલ દાદીજી સાસુ રંભીબેન (રત્‍નાબેન), કાકી મુક્‍તાબેન, સાળો કાનજી સહિતનાએ જણાવ્‍યું હતું કે રાજેશ છેલ્લા દસેક વર્ષથી તેની પત્‍નિ શિલ્‍પાને સતત નાની નાની વાતે હેરાન કરે છે. તેને રિક્ષા પણ અમે લઇ દીધી હતી. તે દારૂ પીવાની ટેવ ધરાવે છે અને પત્‍નિ શિલ્‍પા પર સતત ખોટી શંકાઓ કર્યે રાખે છે. શુક્રવારે પણ પત્‍નિ કારખાનેથી છુટી ત્‍યારે રાજેશ પોતે જ આજીડેમ ચોકડીએ મુકી ગયો હતો. એ પછી તેણી ઘરે જવા કારખાનાના મેતાજીના હોન્‍ડા પર બેસી હતી ત્‍યારે રાજેશ આવી ગયો હતો અને શંકા કરી હુમલો કર્યો હતો.

 

(1:38 pm IST)