Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

નરેશભાઈ પટેલનો શનિવારે જન્મદિવસ ૫૬માં વર્ષમાં પ્રવેશ કરશેઃ રકતદાન કેમ્પ

સરદાર પટેલ ભવન, પટેલવાડી બેડીપરા અને પટેલવાડી વાણીયાવાડી ખાતે એમ ત્રણ સ્થળોએ રકતદાન કેમ્પના આયોજનોઃ રકતદાતાઓએ રકતદાન કરી માનવધર્મ બજાવવા અનુરોધ

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સતત ૨૦મા વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ મહામારીની આ પરિસ્થિતિમાં રકતની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જયોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા આગામી ૧૧ જુલાઈના રોજ શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે રાજકોટમાં અલગ અલગ ત્રણ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે.

 શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૨૦ વર્ષથી સદ્જયોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા અનેક બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવી ચૂકયા છે. વર્ષોથી સર્વરોગ નિદાન કેમ્પ, રકતદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં હજારોની સંખ્યામાં રકતદાતાઓ રકતદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને શ્રી નરેશભાઈ પટેલના માધ્યમથી રકત પહોંચાડે છે. રકતદાન કેમ્પમાં તમામ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહથી રકતદાન કરે છે. હાલ આ મહામારીની પરિસ્થિતિમાં થેલેસેમિયા સહિતના રોગના દર્દીઓને રકતની જરૂરિયાત ઉભી થઈ રહી છે ત્યારે શ્રી નરેશભાઈ પટેલના ૫૬ મા જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જયોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુકત ઉપક્રમે તા. ૧૧ જુલાઈના રોજ સવારે ૮ થી બપોરે ૧૨ વાગ્યા સુધી રાજકોટ શહેરના ત્રણ સ્થળે (૧) શ્રી સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર, ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે, મવડી (૨) પટેલ વાડી, દયાનંદનગર (વાણીયાવાડી) અને (૩) પટેલ વાડી, બેડીપરા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. જેથી જાહેર જનતાને આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રકતદાન કરી માનવધર્મ બજાવવા અનુરોધ કરાયો છે.

શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે દર વર્ષે યોજાતા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રકતદાતાઓ ઉમટી પડે છે ત્યારે આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન જરૂરી હોવાથી તમામ નિયમોનું પાલન થાય તે પ્રકારે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રકતદાન કરવા આવનાર દરેક વ્યકિતએ ફરજિયાત માસ્ક પહેરીને જ આવવાની અપીલ કરવામાં આવી છે.

(3:45 pm IST)