Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કોરોનાના કારણે વકીલોની હાલત કફોડી : ગુજરાતના જુનિયર વકીલોને સ્ટાઇપેન્ડ આપવા મુખ્યમંત્રીને પત્ર

'વોઇસ ઓફ લોયર્સ' દ્વારા મુખ્યમંત્રી ઉપરાંત બાર કાઉ.ના ચેરમેનને પણ પત્ર પાઠવાયો

રાજકોટ, તા. ૮ : રાજકોટમાં વકીલોનું મોટુ જુથ ધરાવતી અને વકીલો માટે હંમેશા વિવિધ કાર્યક્રમો દ્વારા રચનાત્મક કામગીરી કરતી 'વોઇસ ઓફ લોયર્સ' દ્વારા હાલમાં કોરાનાના કારણે વકીલો માટે ઉભી થયેલ કફોડી પરિસ્થિતિના અનુસંધાને ગુજરાતના જુનિયર વકીલોને સ્ટાઇપેન્ડ મળવા અંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, કાનુનમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ચીફ જસ્ટીશશ્રી તેમજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેનને પત્ર પાઠવીને આ અંગે યોગ્ય કરવા જણાવાયું છે.

ઉપરોકત બાબત અન્વયે જણાવવાનું કે, હાલ કોવિડ-૧૯ના કારણે જે વૈશ્વિક મહામારી સર્જાયેલ છે તેમાં સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર ખૂબજ માઠી અસર પડેલ છે અને તેથી જ ભારત સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં વિવિધ યોજનાઓ દ્વારા આર્થિક સહાયોના પેકેજ આપવામાં આવી રહેલ છે અને ફલસ્વરૂપે ગુજરાત સરકાર દ્વારા પણ કેન્દ્ર સરકારના આદેશ અન્વયે વિવિધ યોજનાઓ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં આર્થિક સહાય સ્વરૂપે જુદા-જુદા પેકેજ આપવામાં આવી રહેલ છે.

હાલની પ્રવર્તમાન સ્થિતિ ધ્યાને લેવામાં આવે તો, વકીલાતનો વ્યવસાય એક ઉમદા અને નોબલ વ્યવસાય છે, પરંતુ હાલની પરિસ્થિતિ ધ્યાને લેવામાં આવે તો જે વૈશ્વિક મહામારીના કારણે જે અર્થતંત્ર પર અસર પડેલ છે તેના કારણે સમગ્ર દેશના નાગરિકો પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા માટે લડી રહેલ છે. ઝઝૂમી રહેલ છે અને તેમાં જુનિયર એડવોકેટોનો પણ સમાવેશ થાય છે.

આ અગાઉ કેરલ રાજયમાં જુનિયર એડવોકેટો માટે સ્ટાઇપન્ડ આપવામાં આવતું હતું. તાજેતરમાં જ તામીલનાડુ સરકારશ્રી સમક્ષ બાર કાઉન્સીલ ઓફ તામીલનાડુ એન્ડ પોંડીચરીના ચેરમેન દ્વારા જુનિયર એડવોકેટોને રૂ.પ૦૦૦ સ્ટાઇપન્ડ આપવા માટેની રજુઆત કરતા તામીલનાડુ સરકારશ્રી દ્વારા જુનિયર એડવોકેટોને બે વર્ષ માટે રૂ. ૩૦૦૦નું સ્ટાઇપેન્ડ આપવા અંગેનો આદેશ આપેલ છે.

આપણુ ગુજરાત રાજય સમગ્ર દેશમાં મોડલ રાજય તરીકે પ્રસ્થાપિત થયેલ છે તેવા સંજોગોમાં આપણા રાજયના જુનિયર એડવોકેટોની માન, મર્યાદા, સન્માન જળવાય અને એડવોકેટના નોબલ અને ઉમદા પ્રોફેશનમાં જુનિયર એડવોકેટોને પ્રોત્સાહન મળી રહે તે માટે માસીક રૂ. પ૦૦૦નું બે વર્ષ માટે સ્ટાઇપન્ડ મળે તે માટે યોગ્ય કરવા નિવંતી કરાઇ છે.

આ રજુઆત સરકારશ્રી સમક્ષ વોઇસ ઓફ લોયર્સ, રાજકોટના કન્વીનર સર્વશ્રી પરેશ મારૂ, ભગીરથસિંહ ડોડીયા, સહકન્વીર જે.બી. શાહ, ભાવેશ રંગાણી, પ્રમુખશ્રી ઇન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખશ્રી એ.કે. જોષી, અમિત વેકરીયા, સેક્રેટરી વિશાલ, ગોસાઇ, જોઇન્ટ સેક્રેટરીશ્રી જીતેન્દ્ર પારેખ, કેતન મંડ, ટ્રેઝરરશ્રી જયેન્દ્ર ગોંડલીયા દ્વારા કરવામાં આવેલ છે.

(2:56 pm IST)