Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

તને ગાડી ભટકાડી મારી નાંખવી છે...તેવી ધમકી દેનારા પતિ વિશાલે પત્નિને મારી નાંખવા સાચ્ચે જ આવું કર્યુ!

પાંચ વર્ષ પહેલા લવમેરેજ કરનાર સાધના સોસાયટીની પૂજાબેનની પતિ વિશાલ સખીયા વિરૂધ્ધ ફરિયાદ : પરિણીતા અરજી કરી મામાના દિકરા સાથે ઘરે પહોંચી અને ટુવ્હીલર ઉભુ રાખ્યું ત્યાં જ પાછળથી પતિએ પોતાની કારથી ટક્કર મારી

રાજકોટ તા. ૮: પાંચ વર્ષ પહેલા લવ મેરેજ કરનાર સાધના સોસાયટીની યુવતિને તેના પતિ પટેલ શખ્સે એકટીવા સહિત કારથી ઠોકરે લઇ ઉલાળી દઇ તેને મારી નાંખવાનો પ્રયાસ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પરિણીતાને એકટીવા સહિત ઉલાળી ત્યારે તેની સાથે તેના મામાનો દિકરો પણ હતો. બંનેનો જો કે નજીવી ઇજા સાથે બચાવ થયો હતો અને વાહનમાં નુકસાન થયું હતું. ઘણા દિવસથી પતિ એવું કહેતો હતો કે-તને ગાડી ભટકાડી મારી નાંખવી છે, અંતે તેણે આ ધમકી સાચી ઠેરવી હતી અને ઠોકર મારી દીધી હતી.

ભકિતનગર પોલીસે આ બારામાં હાલ સાધના સોસાયટી-૬માં 'વિજ્યા ગોૈરી' ખાતે રહેતી પૂજાબેન વિશાલ સખીયા (પટેલ) (ઉ.૩૧) નામની પરિણીતાની ફરિયાદ પરથી તેના જ પતિ ૮૦ ફુટ રોડ મટુકી રેસ્ટોરન્ટ સામેની શેરી શનેશ્વર પાર્ક-૨ ખોડિયાર કૃપા ખાતે રહેતાં વિશાલ રમેશભાઇ સખીયા વિરૂધ્ધ આઇપીસી ૩૦૮, ૫૦૬ (૨), ૪૨૭ મુજબ ગુનો નોંધ્યો છે.

પૂજાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું બે મહિનાથી મારા પિયરમાં છું અને મારે સંતાનમાં દિકરો અંશ (ઉ.૬ માસ) છે. હાલ મારા મોટા ભાઇ રવિભાઇ સવજીભાઇ પરમાર સાથે રહુ છું. મેં વિશાલ સખીયા સાથે આર્ય સમાજ વિધીથી પાંચ વર્ષ પહેલા લવમેરેજ કર્યા છે. આ મારા બીજા લગ્ન છે. હાલ પતિ સાથે મનદુઃખ હોઇ હું રિસામણે આવી છું. મારા પતિ, સાસુ પ્રભાબેન, સસરા રમેશભાઇ શનેશ્વર પાર્કમાં રહે છે. પતિ વિશાલ તરફથી મને ઘણા સમયથી હેરાનગતિ છે. અવાર-નવાર તે કહેતો કે તને ગાડી ભટકાડી મારી નાંખવી છે. આ ધમકીથી ડરી મારા ભાઇ રવિને વાત કરતાં તેણે પોલીસ કમિશનરને અરજી આપી હતી. એ પછી મારો પતિ મારા ભાઇને ધમકાવવા તેના કારખાને ગયો હતો. આથી મારો ભાઇ રવિભાઇ ભકિતનગર પોલીસ સ્ટેશને અરજી આપવા ગયો હતો. હું તથા મારા મામાનો દિકરો તુષાર અશોકભાઇ ચોૈહાણ પણ એકટીવા જીજે૦૩જેએફ-૭૬૪૨ લઇને પોલીસ સ્ટેશને ગયા હતાં.

મારો ભાઇ રવિભાઇ તેની અરજી આપી નીકળી ગયો હતો. એ પછી હું અને મામાનો દિકરો તુષાર એકટીવામાં ઘરે પહોંચ્યા હતાં. અહિ મારા ઘર નજીક તુષારે એકટીવા ઉભુ રાખતા જ મારો પતિ વિશાલ તેની મારૂતિ સ્વીફટ કાર સફેદ રંગની જીજે૦૩એફકે-૩૪૨૮ લઇની આવ્યો હતો અને જાણી જોઇને મને ગંભીર ઇજા થાય અને મારું મોત થાય એ રીતે એકટીવા પાછળ અથડાવી હતી. આ કારણે હું અને તુષાર પડી ગયા હતાં.

આ વખતે પડોશીઓ ભેગા થઇ ગયા હતાં. મને હાથમાં અને તુષારને પગમાં ઇજાઓ થઇ હતી. મુંઢ ઇજાઓ હોઇ સારવાર લીધી નહોતી. એકટીવામાં પાંચેક હજારનું નુકસાન થયું હતું. મારા પતિ વિશાલે મને ઇજા થાય અને મોત નિપજે એ રીતે એકટીવા અથડાવ્યું હોઇ હું, મારો ભાઇ તથા સગા ચેતનભાઇ, કપીલાબેન સહિતના પોલીસ સ્ટેશને આવ્યા હતાં અને ફરિયાદ નોંધાવી હતી.

ભકિતનગર પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એસ. એન. જાડેજા, નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો નોંધ્યો હતો. આઇપીસી ૩૦૮ એટલે કે ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિષના ગુનામાં ત્રણ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને સહિતની જોગવાઇઓ છે.

(1:04 pm IST)