Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ફર્નિચર કામ કરતી વખતે લાકડાના ઘોડા પરથી પટકાતાં સુથાર યુવાન અક્ષયનું મોત

કુવાડવા રોડ મારૂતિનગરનો ૨૦ વર્ષનો યુવાન ભાઇ તથા કારીગરો સાથે ૧૫૦ રીંગ રોડ પર શો રૂમના રિનોવેશનનું કામ કરતી વખતે પડી ગયોઃ અંબાસણા પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૮: કુવાડવા રોડ પર રહેતાં ગુર્જર સુથાર યુવાનનું બિગ બાઝાર સામે શો રૂમમાં ચાલી રહેલા રિનોવેશનની સાઇટ પર લાકડાના ઘોડા પર ચડી ફર્નિચર કામ કરતી વખતે પડી જતાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ કુવાડવા રોડ ડી માર્ટ સામે મારૂતિનગર-૧માં રહેતો અક્ષય મનોજભાઇ અંબાસણા (ઉ.૨૦) નામનો ગુર્જર સુથાર યુવાન તેના ભાઇ સંજયભાઇ તથા બીજા કારીગરો સાથે ૧૫૦ રીંગ રોડ ઇમ્પિરીયલ હાઇટ્સ નજીક અંબિકા નામના શો રૂમમાં રિનોવેશન કામ ચાલતું હોઇ ત્યાં ફર્નિચર કામ કરતો હતો ત્યારે લાકડાના ઘોડા પરથી પાંચ-છ ફુટની ઉંચાઇ પરથી અકસ્માતે પડી જતાં દાઢીમાં ઇજા થતાં બેભાન જેવો થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં  ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર અક્ષયના પિતા હયાત નથી. તે માતા રસિલાબેન અને ભાઇ સંજયભાઇ સાથે રહેતો હતો અને ભાઇ સાથે જ મિસ્ત્રી કામ કરતો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં સોૈથી નાનો હતો. બનાવથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

(1:03 pm IST)