Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

સીસીઆઇ બંધ કરેલ કપાસની ખરીદી ફરી શરૂ કરે

કોરોનાના સમયમાં ખેડુતોની માઠી દશા : ભારતીય કિસાન સંઘ દ્વારા સૌરાષ્ટ્રના સાંસદો અને ધારાસભ્યોને રજુઆતઃ દેશમાં સૌથી વધુ કપાસ-રૂ નું ઉત્પાદન ગુજરાતમાં છતા ખરીદીમાં હળાહળ અન્યાય : આ વર્ષે રૂ નું ઉત્પાદન ૮૬.૨૬ લાખ ગાસડી અને સરકારે ખરીદી માત્ર ૧૧ લાખ ગાસડી

રાજકોટ તા. ૮ : એક તરફ કોરોનાની અસરના કારણે ખેડુતોને એકપણ જણસના પુરતા ભાવ મળી નથી રહ્યા. ત્યારે બીજી તરફ સરકારે ટેકાના ભાવની ખરીદી પણ બંધ કરી દેતા ખેડુતોની માઠી દશા બેઠી હોવાનો આક્રોશ ભારતીય કિસાન સંઘે વ્યકત કરેલ છે. સૌરાષ્ટ્રના સંસદ સભ્યો અને ધારાસભ્યોને આ બાબતે પત્રો લખી ધ્યાન દોરાયુ છે.

ભારતીય કિસાન સંઘ રાજકોટના પ્રમુખ દીલીપભાઇ સખીયા, ઉપપ્રમુખ રમેશભાઇ ચોવટીયા, મંત્રી પ્રભુદાસભાઇ મણવરે સંયુકત યાદીમાં જણાવેલ છે કે હાલ સીસીઆઇ દ્વારા કપાસની ખરીદીની અંદર ૫૦ ટકાથી વધારે ખેડુતોની ખરીદી બાકી હોવા છતા ટેકાના ભાવે ખરીદી બંધ કરી દેવાઇ છે. આવુ જ ચણામાં થયુ. ચાલુ ખરીદીમાં ૨૫૦૦ કિલોમાંથી ૫૪૦ કિલો ખરીદીનો નિર્ણય જાહેર કરી બાકી રહેલા ખેડુતોને ભારોભાર અન્યાય કરાયો.

સંવેદનશીલ સરકારના બણગા ફુકતી ગુજરાત સરકારે મહારાષ્ટ્ર પાસેથી સંવેદનશીલતા શીખવાની જરૂર હોવાની ટકોર કિસાન સંઘના આગેવાનોએ પત્રમાં કરી છે. દેશમાં સૌથી વધુ કપાસ-રૂ નું ઉત્પાદન ગુજરાતમાં હોવા છતા મહારાષ્ટ્રથી ત્રીજા ભાગની જ ખરીદી કરી છે.

મહારાષ્ટ્રમાં રૂ નું ઉત્પાદન ૭૫.૫૦ લાખ ગાંસડી અને સરકારી ખરીદી ૩૩.૫૦ લાખ ગાંસડી વધુ થઇ છતા હજુ ખરીદી ચાલુ છે. જયારે ગુજરાતમાં રૂ નું ઉત્પાદન ૮૬.૨૬ લાખ ગાંસડી અને સરકારે ખરીદી માત્ર ૧૧ લાખ ગાંસડી. બાદમાં એકાએક ખરીદી બંધ કરી દેવાઇ.

ગુજરાતના ૧૯ માર્કેટ યાર્ડના ડેટા પ્રમાણે કુલ ૫૬ હજાર મણ કપાસની આવક થાય છે. સરકારે નકકી કરેલા ટેકાના ભાવ મણના રૂ.૧૧૧૦ સામે કપાસ ખુલ્લા બજારમાં રૂ. ૬૪૦ થી ૯૮૦ વચ્ચે વેચાયો છે. આજે પણ વેચાય રહ્યો છે. આમ કપાસના ખેડુતોને ટેકાના ભાવ કરતા રૂ.૧૫૦ થી રૂ.૩૦૦ નીચા ભાવે કપાસ વેચવાની ફરજ પડી રહી છે.

સીસીઆઇ દ્વારા બંધ કરવામાં આવેલ ખરીદી તાત્કાલીક ધોરણે ફરીથી શરૂ કરવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘના રાજકોટ જિલ્લા પ્રમુખ દિલીપભાઇ સખીયા, રમેશભાઇ ચોવટીયા, લલિતભાઇ ગોંડલીયા, ભરતભાઇ પીપળીયા, રમેશભાઇ હાપલીયા, મહીપાલસિંહ જાડેજા, ધર્મેશભાઇ સોરઠીયા, બચુભાઇ ધામી, માધુભાઇ પાંભર, શૈલેષભાઇ સીદપરા, અશોકભાઇ મોલીયા, ભુપતભાઇ કાકડીયા, ભાવેશભાઇ રૈયાણી, કિશોરભાઇ લકકડ, વિનુભાઇ દેસાઇ, લલિતભાઇ પટોડીયા, કાળુભાઇ, રમેશભાઇ લકકી, મુકેશભાઇ રાજપરા, ઝાલાભાઇ ઝાપડીયા, વિપુલભાઇ સુદાણી, જમનભાઇ પાગડા તેમજ જિલ્લા અને તાલુકાના કાર્યકર્તા તથા ખેડુતોએ માંગણી ઉઠાવી છે.

(11:31 am IST)