Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

૧૦ લાખના ચેક રિટર્ન કેસમાં જામનગરના વેપારી સામે રાજકોટની કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા. ૮ :.. રાજકોટમાં પરસાણાનગરમાં રહેતા અજયભાઇ જેન્તીભાઇ વાઢેરએ જામનગરમાં દિગ્વીજય પ્લોટ, નવી પોસ્ટ ઓફીસ પાસે રહેતા અને ઓમ ટ્રેડીંગના નામે ધંધો કરતા વેપારી હિરેન મહેન્દ્રભાઇ ધબ્બા વિરૂધ્ધ ઇન્વેસ્ટ કરેલ રકમમાં થયેલ સમજુતી મુજબ કોઇ વળતર ન આપતા ફરીયાદી અજય વાઢેરે તેઓની કાયદેસરની રકમની માગણી કરતા તહોમતદારે તેવી રકમ પરત આપવા આપેલ પાંચ-પાંચ લાખના બે ચેકો રીટર્ન થતા રાજકોટના એડી.ચીફ.જયુડી., મેજી. ની કોર્ટમાં બે અલગ અલગ ફરીયાદો દાખલ કરેલ છે.

આ કેસની હકિકત જોઇએ તો, રાજકોટમાં પરસાણાનગરમાં રહેતા અજયભાઇ જેન્તીભાઇ વાઢેરએ જામનગરમાં દિગ્વીજય પ્લોટ, નવી પોસ્ટ ઓફીસ પાસે રહેતા અને ઓમ ટ્રેડીંગના નામે ધંધો કરતા વેપારી હિરેન મહેન્દ્રભાઇ ધબ્બા વિરૂધ્ધ  રાજકોટની કોર્ટમાં એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે, ફરીયાદી તથા તહોમતદારના કોમન મિત્રના કારણે ઓળખાણ થતા ફરીયાદીએ પોતે ઓમ ટ્રેડીંગના નામે ધંધો કરતા હોવાનું જણાવી તહોમતદારે ટ્રેડીંગમાં માસિક ઉંચુ રીટર્ન મળી શકે, તેવી સારી સારી વાતો કરી ફરીયાદીને પોતાના ઓમ ટ્રેડીંગમાં નાણા રોકવા સમજાવેલ. પરંતુ ફરીયાદી પાસે હાથ ઉપર નાણા ન હોય, જેથી ફરીયાદીએ એકસીસ બેન્ક તેમજ ટાટા કેપીટલ ફાઇનાન્સમાંથી લોન લઇ તહોમતદારની ઓમ ટ્રેડીંગમાં પાંચ-પાંચ લાખનું એમ કુલ રૂ. ૧૦,૦૦,૦૦૦ નું રોકાણ કરેલ હતું.  અને તે અંગેનું તહોમતદાર ઓમ ટ્રેડીંગના માલીક હિરેન મહેન્દ્રભાઇ ધબ્બાએ ફરીયાદી જોગ સમજુતીનું લખાણ નોટરાઇઝ પણ કરી આપેલ હતું અને તે લખાણ મુજબ તહોમતદારે ફરીયાદીને માસીક રીટર્ન આપવાનું હતું.

પરંતુ તહોમતદારે થયેલ સમજુતી મુજબ એકાદ વખત બાદ કરતા કોઇ રકમ ન ચુકવતા, ફરીયાદીએ તહોમતદારને પોતાની ઇન્વેસ્ટ કરેલ પાંચ-પાંચ લાખ મળી કુલ રકમ રૂ. ૧૦,૦૦-૦૦૦ પરત ચુકવી આપવા જણાવતા તહોમતદારે ફરીયાદી જોગ ઇસ્યુ કરી આપેલ પાંચ - પાંચ લાખના અગાઉ જે બે ચેકો ફરીયાદીને આપેલ અને તે ચેકો આપતી વખતે ફરીયાદીને તહોમતદારે આપેલ વચન, વિશ્વાસુ મુજબ ચેક બેન્ક ખાતામાં નાખશે એટલે ચેક રીટર્ન થશે નહી અને ફરીયાદીને તેઓની રકમ પરત મળી જશે, જેથી ફરીયાદીએ તહોમતદારની વાત પર ભરોસો રાખી પોતાની બેન્કમાં બન્ને ચેકો જમા કરાવતા ચેકો સ્વીકારાયેલ નહી અને ફંડ ઇનસફીશીયન્ટના શેરા સાથે ચેકો રીટર્ન થતા તેની જાણ આરોપીને કરતા આરોપીએ યોગ્ય જવાબ ન આપતા અને રકમ પરત ન ચુકવતા, ફરીયાદીએ તેઓના એડવોકેટ મારફત આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવેલ, જે મળી જવા છતાં ફરીયાદીનું કાયદેસરનું લેણુ ચુકવેલ ન હોવાથી ફરીયાદીએ તેઓના એડવોકેટસ મારફત આરોપી વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં બે ફરીયાદો દાખલ કરેલ છે.

આ કામમાં ફરીયાદી અજય વાઢેર વતી રાજકોટના એેડવોકેટસ જય પારેડી, કૈલાશ જાની, નિશાંત જોષી, સહદેવ દૂધાગરા, હિરેન ડોબરીયા, જીજ્ઞેશ પંડયા, ધવલ ગઢીયા રોકાયેલા હતાં.

(2:58 pm IST)