Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

લક્ષ્મીનગર નાલાનો રસ્તો એકાએક બંધ : ટ્રાફિક જામ

અન્ડર બ્રિજની કામગીરી માટે આજે સવારે રસ્તો બંધ કરી દેવાતા વાહન ચાલકો હેરાન-પરેશાનઃ હેમુ ગઢવી હોલ અને એસ્ટ્રોન નાલે ભારે ટ્રાફિક જામની સ્થિતીઃ અફડા તફડીનો માહોલ

અન્ડર બ્રિજની કામગીરી માટે આજે લક્ષ્મીનગર નાલાનો રસ્તો એકા-એકા  ડાયવર્ટ કરતાં હેમુ ગઢવી હોલ પાછળ અને એસ્ટોન નાલે ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય હતી તે વખની તસ્વીર(તસ્વીરઃઅશોક બગથરીયા)

રાજકોટ, તા., ૮: શહેરના નાનામૌવા અને મવડીનાં પ્રવેશ દ્વારા સમા લક્ષ્મીનગર નાલાને આજે સવારે એકાએક બંધ કરી દેવાતા અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા અને આગળની બાજુએ આવેલા હેમુ ગઢવી હોલ પાસે તથા એસ્ટ્રોન ચોકનાં નાલા પર ભારે ટ્રાફીક જામ થતા અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો.

આ અંગેન વિગતો મુજબ  નાનામૌવા તથા મવડી વિસ્તારમાં આવવા-જવા માટે અત્યંત મહત્વનાં એવા લક્ષ્મીનગર નાલાની બાજુમાં મ.ન.પા. દ્વારા રૂ. ર૦ કરોડનાં ખર્ચે  ૭ાા આર પહોળો નવો અંડરબ્રીજ બનાવાઇ રહયો છે. જેથી ટ્રાફીકની સમસ્યા હળવી થાય.

દરમિયાન આ નવા અંડરબ્રીજના ગર્ડર નાખવાનું કામ ચાલુ થતા આજે તંત્રવાહકોએ લક્ષ્મીનગર નાલાનો રસ્તો જે ગઇકાલ સુધી ચાલુ હતો તે આજે સવારે એકાએક બંધ કરી દેવાતા સેંકડો વાહન ચાલકો હેરાન-પરેશાન થયેલ. એટલુ જ નહી આ રસ્તાને એસ્ટ્રોન ચોક નાલામાં અને હેમુ ગઢવી હોલમાં નાલા પર ડાઇવર્ટ કરવામાં આવતા આ બન્ને નાલામાં જડબેસલાક ટ્રાફીક જામ થતા અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો.

આમ તંત્રવાહકોએ કોઇ આગોતરી જાહેરાત વગર સીધો જ રસ્તો બંધ કરી દેવાતા ટ્રાફીકની બિહામણી સમસ્યા સર્જાઇ હતી. જેની સામે જબ્બર લોક રોષ જોવા મળ્યો હતો.

(2:57 pm IST)