Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

જેના અપહરણનો ગુનો નોંધાયો છે એ મયુરનું લોકેશન શનિવારે રાજકોટમાં હતું!

રવિવારે વિડીયો વાયરલ થયા બાદ તેનો ફોન બંધઃ રાજકોટમાં એક હોસ્પિટલમાં નોકરી શોધવા આવ્યો હોવાની પણ પોલીસને માહિતી મળતાં તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૮: લાઇફ કેર હોસ્પિટલના પૂર્વ કર્મચારી પ્રાંસલી (સુત્રાપાડા)ના મયુર ઉર્ફ માનસિંગ મોરીને ડો. શ્યામ રાજાણી, રાહુલ દરજી અને રાજુ કોળીએ મળી કારમાં ગોંધી રાખી સાંકળથી તેમજ ઢીકા-પાટુનો માર મારી ધમકી દીધાના બનાવમાં પોલીસે ગુનો દાખલ કરી ડોકટર શ્યામ રાજાણી અને રાહુલની ધરપકડ કરી છે. આ બંને આવતી કાલ સુધી રિમાન્ડ પર છે. ત્રીજો આરોપી રાજુ કોળી પણ હાથવેંતમાં છે. ત્યારે એવી વિગતો પણ બહાર આવી છે કે ગયા શનિવાર સુધી મયુર ઉર્ફ માનસિંગ મોરીનું મોબાઇલ લોકેશન રાજકોટમાં જ મળતું હતું. પોલીસે લોકેશન ટ્રેસ કરતાં આ માહિતી સામે આવી છે.

એવું પણ જાણવા મળ્યું છે કે મયુર રાજકોટમાં એક હોસ્પિટલમાં નોકરી શોધવા માટે આવ્યો હતો. પણ રવિવારે ડોકટર રાજાણી સહિતના તેને મારકુટ કરી રહ્યા હોઇ તેવો વિડીયો વાઇરલ થતાં એ પછીથી મયુરનો ફોન બંધ થઇ ગયો છે. પોલીસને આજીડેમ પાસે રહેતાં કોડીનાર તરફના જ એક શખ્સ પાસેથી એવી પણ વાત મળી છે કે ડોકટર સહિતનાએ મારકુટ કરી મયુરને છોડી મુકયા પછી તે થોડા દિવસ આજીડેમ પાસેના વિસ્તારમાં જ રોકાયો હતો. ત્યાંથી બાદમાં પોતે અમદાવાદ જઇ રહ્યાનું કહીને નીકળી ગયો હતો.

ત્યારે હવે એવો સવાલ ઉભો થયો છે કે બાવીસ દિવસ પહેલા ગૂમ થયાનું કહેવાય છે અને જેના અપહરણનો ગુનો નોંધાયો છે એ મયુરનું ખરેખર કોઇએ અપહરણ કર્યુ છે કે પછી જાતે કયાંક જતો રહ્યો છે? હાલ પોલીસ પોલીસ પણ આ મુદ્દે મુંજવણ અનુભવી રહી છે. બીજી તરફ ફરિયાદ નોંધાવનાર પ્રાંસલીના સરપંચ કહે છે કે મયુરનું અપહરણ જ થયું છે અને તેનો હજુ સુધી કોઇ સંપર્ક નથી.

(3:22 pm IST)