Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

સરકારી કર્મચારી કોર્ટ કેસમાં નિર્દોષ છુટે તો પેન્શન કેસનું આખરીકરણ કરવા સુચના

પેન્શન સંબંધી મહત્વની સ્પષ્ટતા કરતો પરિપત્ર : સરકાર અપીલ કરે તેમાં દોષિત ઠરે તો પેન્શન કાપની બાહેંધરી આપવાની રહેશે

રાજકોટ તા.૭: રાજય સરકારે નાણા વિભાગના નાયબ સચિવ (પેન્શન અને તિજોરી) શ્રી કે.કે. પટેલની સહીથી તા. ૪ ઓગષ્ટ ૨૦૧૮ના રોજ ફોજદારી ગુનામાં સંકળાયેલા કર્મચારીઓના પેન્શન સબંધે મહત્વની સ્પષ્ટતા કરી છે.

પરિપત્રમાં જણાવાયું છે કે નીચલી/ સ્થાનિક કોર્ટના ચુકાદામાં અધિકારી/ કર્મચારી દોષિત જાહેર થયેલ હોય અને તે ચુકાદા સામે કરવામાં આવેલ અપીલમાં ઉચ્ચ/ ઉપલી કોર્ટ દ્વારા ... આપવામાં આવેલ હોય કે ... ન આપવામાં આવેલ હોય બંને સંજોગોમાં અપીલના ચુકાદાની રાહ જોયા સિવાય ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ ના સંબંધિત નિયમોનુસાર શિસ્ત વિષયક કાર્યવાહી પુરી કરી તેમને શિક્ષા કરી શકાય છે.

આ સુચનાઓ મુજબની કાર્યવાહીને અનુસરી ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો ૧૯૭૧ના નિયમો અને ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો ૨૦૦૨ ના નિયમ-૨૩-૨૪ મુજબ પેન્શન કાપની કાર્યવાહી કરવાની રહે છે. જે મુજબ કાર્યવાહી સમયમર્યાદામાં નહીં કરવાને કારણે લાંબા સમય સુધી ખોટી રીતે કામચલાઉ પેન્શન ચુકવવાનું થાય છે. જે ન્યાયના કે વહીવટી હિતમાં ઉચિત નથી. આવા ચુકાદાની અધિકૃત નકલ તાતકાલિક મેળવી ૪૫ દિવસમાં નિયમોનુસાર ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો ૨૦૦૨ના નિયમ -૨૩-૨૪ મુજબ કાર્યવાહી કરવાની અંગત જવાબદારી જે તે કચેરી/ ખાતાના વડા/ વહીવટી વડાની રહેશે.

પરિપત્રમાં એવું જણાવાયુ છે કે, ઉપરોકત પ્રકારના કેસોમાં જે સરકારી અધિકારી/કર્મચારીને નીચલી કોર્ટમાં નિર્દોષ જાહેર કરવામાં આવે કે શંકાનો લાભ આપીને છોડી મુકવામાં આવે અને તે ચુકાદા સામે રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવેલ હોય અને અન્ય કોઈપણ ખાતાકીય તપાસ પડતર ન હોય તેવા કિસ્સામાં તેમને નિર્દોષ ગણીને પેન્શન કેસનું આખરીકરણ કરવાનું રહેશે. આવા કેસમાં જે તે નામદાર નીચલી કોર્ટના ચુકાદાની અધિકૃત નકલ મેળવી અને નામદાર ઉપલી કોર્ટ દ્વારા મનાઈ હુકમ (સ્ટે) આપવામાં આવેલ નથી, તેની પુરી ખાતરી કરી બનતી ત્વરાએ પેન્શન કેસનું આખરીકરણ કરવાનું રહેશે.

પેન્શન વિનિયમીત કરવા બાબતે સ્વયંસ્પષ્ટ હુકમ (સ્પીકીંગ ઓર્ડર) કરવાનો રહેશે કે જેમા કોર્ટ કેસની તમામ વિગતો આવરી લઈને એ બાબતનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ અપીલના ચુકાદા મુજબ નિવૃત અધિકારી-કર્મચારીઓ જો દોષિત ઠરશે તો તેના આધારે ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો ૨૦૦૨ના નિયમ ૨૩ મુજબ કાર્યવાહી કરીને પેન્શન કાપની શિક્ષા થઈ શકશે. આ મુજબની લેખીત બાંહેધરી પણ સંબંધિત અધિકારી-કર્મચારી પાસેથી અચુક મેળવી લેવાની રહેશે. (૧.૨૯)

(4:22 pm IST)