Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

કુમારભાઈ ઠાકરે સ્વસ્થ થતા જાય છેઃ અખબારી જાગૃતતાના પગલે સરકાર- સંઘ સંભાળ લઈ રહયા છે

ખબર કાઢવા આવનારા મિત્રોને સાંજના સમયે જ જવા શરદભાઈ વોરાની અપીલઃ માત્ર ફળ જયુસ લ્યે છે

રાજકોટ,તા.૭: રાષ્ટ્રય સ્વયંસેવક સંઘના એક વખતના પ્રચારક શ્રીકુમારભાઈ ઠાકરે લાવારીસ અવસ્થામાં સિવીલ હોસ્પિટલમાં પડ્યા છે. તેવા સમાચાર અકિલા અને દિવ્યભાસ્કરમાં આવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઉચ્ચ્ અધિકારી શ્રીનરેન્દ્રભાઈ દવે, શ્રી કિશોરભાઈ મુંગલપરા, ડો.જીતેન્દ્ર અમલાણી, શ્રી મુકેશભાઈ મલકાણ, મુખ્ય મંત્રીશ્રીના પી.એ. શ્રી શૈલેષભાઈ માંડલીયા અને સી.એમ. શ્રી વિજયભાઈ રૂપાણી સહીતનું ધ્યાન, કચ્છ જીલ્લો અને અમરેલી જીલ્લામાં વરસો સુધી પ્રચારક રહેલા શ્રી શરદભાઈ વોરાએ દોર્યુ હતું. આ પછી વિજયભાઈ અંગત રસ લઈ તેમના પી.એ. શ્રી શૈલેષભાઈ માંડલીયાને સુચના આપી યોગ્ય કરવા કહેલ. શ્રી શૈલેષભાઈએ  સિવિલ સર્જન ડો.મનીષભાઈ મહેતાને સૂચના આપતા તેમની દેખરેખ હેઠળ ચોવીસ કલાક નર્સ, એટેન્ડન્ટ, સ્કીનના ડોકટર્સ અને એકસપર્ટ ડોકટર્સની સેવા શ્રીકુમારભાઈ ઠાકરેને મળી રહી છે. હાલમાં શ્રીકુમારભાઈ પથારીમાં તમામ લોકોના પ્રયત્નથી બેઠા થયા છે. ખબર કાઢવા આવતા સહુ કોઈને વિનંતી કે તેઓ સાંજના સમયમા ખબર કાઢવા જઈ શકે છે. તેમને ફ્રુટનો રસ જ લેવાનો હોય છે. તે ધ્યાનમાં રાખે.

શ્રી શરદભાઈ લખે છે કે અત્રે યાદ આપવું જરૂરી છે કે હાલ સેવામાં રહેલ પ્રચારકોની મોટી ઉંમર થયાથી કાર્યરત હોય તો પણ તેમનું ધ્યાન સંઘ રાખે જ છે. (જો કે કુમારભાઈના બનાવમાં કમભાગ્યે આવું બન્યું ન હતું એ દુઃખદ છેઃ અકિલા) શ્રીકુમારભાઈ ઠાકરે, પી.એમ.શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા. તે સમયના પ્રચારક હતા. અખબારી જાગૃતતા તથા તેમને ગુમનામ સ્થિતિમાં સતત મદદરૂપ થયેલા ત્રણ મિત્રો ઉપરાંત હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સેવા વિભાગ તથા રાજય સરકારના સહયોગથી શ્રી કુમારભાઈ હાલમાં ઉત્તમ સારવાર મેળવી રહ્યાં છે.

શ્રી શરદભાઈ વોરા કહે છે કે તેઓ પણ પ્રચારક રહી ચૂકયા છે. પરંતુ પૂર્ણ કાલીન પ્રચારક જયારે પૂર્ણકાલમાંથી પાછો અર્થ ઉપાર્જન કરવા પરત આવે છે. સાંસારિક જીવન જીવે છે અને સાથે સાથે સામાન્ય સ્વયંસેવક જેવું જીવન જીવે છે. તેમની સાર- સંભાળ કુટુંબીજનો રાખતાં જ હોય છે. શ્રી જનાદનભાઈ રાસ્તે મા.શ્રી અનંતરાવજી કાળે, જેવા અનેક કાર્યકર્તા- પ્રચારક લાંબો સમય પ્રચારક રહ્યાં પછી પરત કુટુંબ સાથે આવ્યા હતો. જયારે શ્રી વકિલ સાહેબ, શ્રી કાશીનાથ બાગવડે, શાંતિભાઈ દરૂ, વાસુદેવરાય તલવલકર, શ્રી કેશવરાવ દેશમુખ, શ્રી નટવરસિંહ  વાઘેલા સહીત અનેક પ્રચારકોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે઼ જીવનનાં અંત સુધી સાચવ્યા જ છે. અનેક રાજકીય નેતાઓનું ચારિત્ર્ય ઘડનાર શ્રી ભાસ્કરરાવ શંકરરાવ દામલેજી છન્નું વર્ષની ઉંમરના આજે પણ સંઘ કાર્યાલયમાં સક્રીય છે. (શ્રી શરદભાઈ સ્વાભાવિક સંઘ પરિવારનો બચાવ કરી રહ્યા છે, પણ તેમના અંતરાત્માને પૂછે કે શ્રી કુમારભાઈ ઠાકરેની, માખી બણબણતી હોય તેવી લાવારીસ સ્થિતિ, તેમણે હોસ્પિટલમાં જોઈ છે? સંઘ પરિવારના પ્રચારકની સાવ આવી સ્થિતિ શું યોગ્ય છે? કુટુંબ સાથે અર્થ ઉપાર્જન કરવા કુમારભાઈ પરત ફર્યા'તા કે વિચારક ભેદથી અલિપ્ત થયેલા? જો કે આ વિવાદનો કોઈ અર્થ નથી. અત્યારે અખબારી જાગૃતિતા પછી કુમારભાઈને સારી સારવાર મળે છે એજ અગત્યનું અને આવકાર્ય છેઃ વિવાદને પૂર્ણવિરામ આપીએ છીએઃ અકિલા)

કોઈપણ સેવા નિવૃત સંઘના પ્રચારક હાલ ગુજરાતમાં કયાંય પણ કોઈ મુશ્કેલીમાં હોય તો તે અંગેનું ધ્યાન શ્રીશરદભાઈ વોરા અથવા શ્રી કલ્પકભાઈ અરવિંદભાઈ મણીયારને મો.૯૪૨૮૨ ૫૮૮૫૫ / ફોન ૦૨૮૧- ૨૪૪૫૮૦૦ ઉપર ધ્યાન દોરવું.

(4:08 pm IST)