Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

મગફળી કૌભાંડ-બારદાન સળગાવાના કૌભાંડમાં સાંજ સુધીમાં નવા ધડાકા-કનેકશન બહાર આવશે

કલેકટરનો પત્રકારો સાથેની વાતચીતમાં ધડાકોઃ શાપર-ગોંડલનું પણ કનેકશન-પગેરૃં આની સાથે જોડાયેલું : ૩૧ હજાર તમામ ગુણી જરૂર પડયે ચકાસાશેઃ ૧૪૦ ગુણી ચકાસાઇ તેમાંથી ૩ થી ૯ કિલો માટી નીકળ્યાનો ઘટસ્ફોટ * સાંજ સુધીમાં અનેક ભેદ ખુલશે * કલેકટર પોતે પાંચ-પાંચ કલાક LCB માં બેઠાઃ સતત પૂછપરછ * સીએમ કે અન્ય કોઇનું રાજકીય દબાણ નથી * માર્કેટ યાર્ડમાં ૧૭ કરોડના બારદાન સળગ્યા હતા * ઘાણેજ મંડળીની મગફળી પ જગ્યાએ ઉતારાઇ છે * જરૂર પડયે તમામ સ્થળે તપાસ : જિલ્લામાં ૨૭૨ ગોડાઉન આવેલા છેઃ પેઢલા તથા અન્ય પ્રકરણમાં એકથી વધૂ મંડળીની સંડોવણી : વેર હાઉસના અધિકારીઓની સંડોવણી બહાર આવી છે : રેવન્યુની ટીમોને તપાસમાં ઝૂકાવવા તૈયારીઃ રાહુલ ગુપ્તા મુળ સુધી પહોંચવા માંગે છે : કૌભાંડકારોની મોડસ ઓપરેન્ડીઃ ટેકાના ભાવે સારી મગફળી ખરીદી બારોબાર વેચી નખાતીઃ ડમી વેપારી ઉભો કરી નબળો માલ ખરીદી ગોડાઉનમાં મોકલી દેવાતો

રાજકોટ તા.૭: જેતપુરના પેઢલા ગામે ૩૧ ૪હજાર મગફળીની ગુણીમાંથી ૧૪૦ ગુણીમાં ૩ થી ૯ કિલોની માટી-ધૂળ-માટીના ઢેફા નીકળી પડયા અને આ મહામોટા કૌભાંડમાં પોલીસે ૨૯ની ધરપકડ કરી છે, તે પ્રકરણના તાણાવાણા ગોંડલમાં લાગેલી ભયાનક આગ અને કરોડોની મગફળી સ્વાહા તથા રાજકોટ માર્કેટ યાર્ડમાં ૧૭ કરોડના બારદાનમાં આગ લાગી તે બંને ઘટના સાથે જોડાયેલા હોવાનો સ્પષ્ટ નિર્દેશ આજે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કલેકટરશ્રી રાહુલ ગુપ્તાએ આપતા ખળભળાટ મચી ગયો છે.

કલેકટરશ્રી રાહુલ ગુપ્તાએ સાફ-સાફ કહયું હતું કે રાજકોટ માર્કેટયાર્ડમાં બારદાનમાં આગ લાગી તેનું કનેકશન આજ સાંજ સુધીમાં ખુલી જશે, સાંજ સુધીમાં અનેક ભેદ ખુલશે તેમ નિર્દેશ આપ્યો હતો.

કલેકટરે જણાવ્યું હતું કે પોતે પાંચ-પાંચ કલાકથી જિલ્લા પોલીસની એલસીબી બ્રાંચમાં બેઠા છે, તેમની હાજરીમાં અનેક મહત્વની વિગતો બહાર આવી છે.

કલેકટરે ધડાકો કર્યો હતો કે, જૂનાગઢના થાણેજ ગામની થાણેજ સહકારી મંડળીનો માલ એટલે કે મગફળી પાંચ જગ્યાએ ઉતારાઇ છે. જરૂર પડયે તે તમામ પાંચ સ્થળે ફુલપ્રુફ તપાસ કરાશે.

તેમણે જણાવેલ કે આરોપી મગન ઝાલાવડીયા મગફળી ખરીદતો હતો તેવું પણ બહાર આવ્યંુ છે.

જિલ્લામાં ૨૭૨ ગોડાઉન આવેલા છે, અને પેઢલા પ્રકરણ તથા અન્ય પ્રકરણમાં એક થી વધુ મંડળીની સંડોવણી પણ હોવાનું ફલીત થઇ રહયું છે.

કલેકટરે સ્પષ્ટ પ્રમાણે જણાવ્યું હતું કે, વેર હાઉસના અધિકારીઓની સંડોવણી ખુલી ગઇ છે, શાપર-ગોંડલનું પણ કનેકશન બહાર આવી રહયું છે, જરૂર પડયે હાલ પડેલ તમામ ૩૧ હજાર ગુણીનો જથ્થો ચકાસાશે. અને આ માટે રેવન્યુ કર્મચારીઓને તપાસમાં ઝુકાવાશે, આ માટે ટીમો બનાવવાની કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે.

કલેકટરશ્રી રાહુલ ગુપ્તાએ સ્પષ્ટ ઉમેયંર્ુ  હતું કે કૌભાંડમાં મોડસ ઓપરેન્ડી એવી બહાર આવી છે કે, ટેકાના ભાવે ઉત્તમ ગુણવતાવાળી મગફળી ખરીદી આ માલ બારોબાર વેંચી નખાતો અને ત્યારબાદ એક વેપારીને ઉભો કરી બજારમાંથી હલકી ગુણવતાવાળી મગફળી ખરીદાવાતી અને તે મગફળી ગોડાઉનમાં મોકલી દેવાતી.

કલેકટરે ઉમેયંર્ુ હતું કે અત્યાર સુધીમાં કુલ ૨૯ની ધરપકડ થઇ છે.

પેઢલાના ગોડાઉનમાં પડેલી ૩૧ હજાર ગુણી મગફળી માંથી ૧૪૦ ગુણીની તપાસમાં ૩ થી ૯ કિલો સુધી માટી નીકળી પડી છે.

કોઇ રાજકીય કે સરકારનું દબાણ અંગે કલેકટરે ઉમેયંર્ુ હતું કે પોતાની ઉપર કોઇનું દબાણ નથી, હજુ સુધી કોઇનો ફોન આવ્યો નથી, મુખ્યમંત્રી સાથે પણ વાતચીત થઇ નથી.

(3:28 pm IST)