Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

વાવડીમાં બાંધકામ કોન્ટ્રાકટર લેઉવા પટેલ યુવાન ચેતન સખીયાનું વિજકરંટથી મોત

પારસભાઇના કારખાનાનું કામ રાખ્યું હોઇ બીજા માળે અગાસી પરથી બૂટનો ઘા કરવા જતાં વિજ તારને હાથ અડી ગયોઃ જવાહર સોસાયટીના પરિવારમાં કલ્પાંતઃ બે પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૭: બોલબાલા માર્ગ પર એંસી ફુટ રોડ જવાહર સોસાયટી-૩માં રહેતાં લેઉવા પટેલ યુવાન ચેતન રાજેશભાઇ સખીયા (ઉ.૨૮)નું વાવડીમાં કારખાનાના બાંધકામની સાઇટ પર વિજ કરંટ લાગતાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.જાણવા મળ્યા મુજબ ચેતન સખીયા કડીયા કામના કોન્ટ્રાકટ રાખી કામ કરતો હોઇ હાલમાં તેણે વાવડીમાં પારસભાઇ ટીલાળાના કારખાનાના નવા બાંધકામનો કોન્ટ્રાકટ રાખ્યો હતો. સાંજે સાડા છએક વાગ્યે આ સાઇટ પર બીજા માળે તે ઉભો હોઇ કડીયા કામમાં પહેરવામાં આવતાં બૂટનો ઘા કરવા માટે હાથ લાંબો કરતાં નજીકમાંથી પસાર થતી વિજ લાઇનના તારને હાથ અડી જતાં બેભાન થઇ ઢળી પડ્યો હતો. તેને સારવાર માટે તાકીદે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં પીએસઆઇ એમ. ટી. રબારીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ચેતન બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તેના લગ્ન છ વર્ષ પહેલા થયા હતાં. પત્નિનું નામ સપનાબેન છે અને સંતાનમાં બે પુત્રી છે. બે માસુમ પુત્રીએ પિતાનું છત્ર ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ચેતનના પિતા પણ કડીયા કામના કોન્ટ્રાકટ રાખે છે. યુવાન દિકરાના મોતથી સખીયા પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(12:24 pm IST)