Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

તું મારા ઘરે રીપેરીંગ કરવા આવ કાં માણસને મોકલ, કહી ફારૂક ઉર્ફ કલુએ મુકેશને પાઇપના ઘા ફટકાર્યા

મોરબી રોડ ચામડીયાવાસમાં કડીયા કામની સાઇટ પર ધમાલ : ખીજડીયાથી કામે આવતાં યુવાને સાઇટ પડતી મુકી ન આવી શકે તેમ કહેતાં કલુ ઉશ્કેરાયોઃ એટ્રોસીટી

રાજકોટ તા. ૭: ખીજડીયા રહેતાં યુવાનને તે મોરબી રોડ ચામડીયાવાસમાં કડીયા કામ કરતો હોઇ આ વિસ્તારના શખ્સે પોતાની ઘરે રીપેરીંગ કામ કરવા આવવાનું કહી ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી લોખંડના પાઇપથી માર મારતાં પોલીસે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે રાજકોટના ખીજડીયા ગામે રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં મુકેશ પ્રવિણભાઇ બોસીયા (ઉ.૨૧)ની ફરિયાદ પરથી ફારૂક ઉર્ફ કલુ ઇશાભાઇ સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૧૩૫ તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

મુકેશે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પવિાર સાથે રહુ છું અને અલગ અલગ કડીયા કામની સાઇટ પર મજૂરી કરુ છું. છેલ્લા બે મહિનાથી મોરબી રોડ પર ચામડીયાવાસ હસનેન મસ્જીદની સામે નવા બનતાં મકાનની સાઇટ પર કડીયા કામ કરવા જાઉ છું. અહિ રવિવારે સવારે પોણા આઠેક વાગ્યે ઘરેથી નીકળીને મજૂરીએ આવ્યો હતો. આ મકાન ગફારભાઇ સુલેમાનભાઇ ખોરાણીનું છે. અહિ મજૂરી કરતો હતો ત્યારે સવારે અગિયારેક વાગ્યે ગફારભાઇના મકાન સામે આવેલી મસ્જીદ પાસે ઉભો રહેતો અને કંઇ કામધંધો ન કરતો ફારૂક ઉર્ફ કલુ આવ્યો હતો અને મને પોતાની ઘરનું રીપેરીંગ કામ કરી દેવાનું કહ્યું હતું. તેણે અગાઉ પણ આવું કહ્યું હતું પણ મેં ના પાડી હતી.

રવિવારે હું બીજા માળે મજૂરને ઇંટો લંબાવતો હતો ત્યાર ેતેણે આવીને ફરીથી પોતાની ઘરે કામ કરવા આવવાનું કહેતાં મેં ના પાડતાં તેણે તારે ન આવવું હોય તો બીજા માણસને મોકલ તેમ કહેતાં તેણે ઉશ્કેરાઇ જઇ ગાળો દીધી હતી અને હમણા આવું છું કહી જતો રહ્યા બાદ થોડીવારમાં પાછો આવ્યો હતો અને લોખંડના પાઇપથી હુમલો કરી પગમાં ઇજા કરી હતી. બીજો ઘા મારવા જતાં બારીમાં ઘા અથડાયો હતો.

દેકારો થતાં મારા મોટા બાપુનો દિકરો હરેશભાઇ અને નાનો લક્ષમણભાઇ આવી જતાં તેમજ મકાન માલિક ગફારભાઇ પણ આવી જતાં મને છોડાવ્યો હતો. આ વખતે ફારૂકે મને વધુ ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યો હતો અને ધક્કામુક્કી કરી ભાગી ગયો હતો. સારવાર બાદ મેં ફરિયાદ નોંધાવી છે. તેમ તેણે એફઆઇઆરમાં જણાવતાં પીઆઇ એમ. બી. ઓૈસુરા, રશ્મીનભાઇ પટેલે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(3:02 pm IST)