Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

નદીયા ચલે ચલે રે ધારા, તુજકો ચલના હોગા...

માચ્છીમારોના જીવનની અલપ ઝલપ : ઝંઝાવાતો સામે ઝઝુમવાનું ગળથુથીમાં મળે છે : ખારા પાણી સાથેની દોસ્તી લલાટે લખાવીને જન્મે છે : શઢ, ટગ, લંગર, ટંડેલ, નાખવા, માંજરીયો, મ્હોરો, ચક્રો જેવા પોતીકા શબ્દો વાપરનાર આ દરીયાઇ છોરૂની એક અલગ જ દુનિયા રચાતી હોય છે : માછીમારી જ નહીં પણ સામાન પરીવહન અને યાત્રીક વહન માટે પણ આ લોકો દરીયો ખેડતા રહે છે

દરીયાના છોરૂથી જેમને ઓળખવામાં આવે છે એવા માછીમાર લોકોનું જીવન ઝંઝાવાતોથી લથપથ હોય છે. પાણી સાથે બાથ ભરવા આ લોકો હંમેશા તત્પર જ રહે છે. સાહસવૃત્તિ તો જાણે ગળથુથીમાં મળી હોય તેમ કપરા જોખમો પણ તેમણે સતત ઉઠાવતા રહેવુ પડે છે.

આ સમુદાયમાં બળેવ પર્વનું ઘણું મહત્વ હોય છે. બળેવ પર્વ જે રક્ષાબંધનથી ઓળખાય છે તેને માછીમારો નાળીયેરી પૂનમ તરીકે ઉજવે છે. આ દિવસે દરીયામાં નાળીયેર પધરાવી પૂજન કરવામાં આવે છે. ચોમાસમાના વિરામ પછી આ દિવસથી માછીમારો ફરી દરીયો ખેડવા જવાની શરૂઆત કરે છે.

સવાર પડેને હુડકા કે બોટ લઇને નીકળી જવાનું અને દરીયો ખેડી માછલી પકડી લાવી સાંજે ઘરે આવી જવાનો તેમનો નિત્યક્રમ હોય છે. ચોમસાના ચાર મહીના આરામના. વરસાદી વાતાવરણમાં આ લોકો ઘરે હોય છે. બાકીની ઋતુના તમામ દિવસોમાં પુરૂષ વર્ગ દરીયો ખેડવા નિકળી જ પડતા હોય છે.

એવુય નથી કે રોજે રોજ ઘરે આવી જવાનું! કયારેક દરીયો ખેડવા આગળ જવુ પડે તો દિવસોના દિવસો સુધી બહાર રહેવુ પડતુ હોય છે. ભોજનની કાચી સામગ્રી લઇને નિકળી પડે છે. ચાલુ બોટમાં જ ચુલો કે સગડી પેટાવી રસોઇ કરી લેવામાં આવે અને ત્યાં જ જમવાનું, ત્યાં જ રાતવાસો કરી લેવાનો.

આખો  દિવસ માછલી પકડવા રઝળતા રહેવુ પડે. દરિયામાં રસ્તા તો હોતા નથી. એટલે કયારેક સીમા ભંગના કેસમાં અજાણતાય ગુન્હેગાર ઠરીને પરદેશની જેલોમાં સજા પણ કાપવી પડે છે.

હવે તો પેટ્રોલ ડીઝલથી ચાલતી બોટો આવી ગઇ. પણ એક સમયે હાથના હલેસા લગાવી લગાવીને બોટો ચલાવવી પડતી. તેમાં પવનના જોરનો ઉપયોગ ગતી પકડવામાં કરવા શઢ લગાવવામાં આવતા.  દીશા જાણવા માટે પણ કોઇ સાધનો નહોતા. જયારે હવે તો બોટ ચલાવવા મોટા મશીન અને દીશા જાણવા હોકાયંત્ર કે જીપીઆરએસ સીસ્ટમો આવી ગઇ છે.

આ દરીયાયી છોરૂ હોય છે બહુ બહાદુર. લાંબા અંતર સુધી દરીયામાં તરીને જવુ હોય તો પણ હિંમત ન હારે. ગમે તેવા ઉંડા પાણીમાં પણ ઝંપલાવી બતાવે અને તોફાને ચડેલા દરીયાને વિંધીને પણ આગળ નિકળી જવાની હિંમત તેમનામાં ઠાંસી ઠાંસીને ભરાયેલી હોય છે.

સવારે હુડકુ કે બોટ લઇને નિકળનારને કયારે કઇ આફતનો સામનો કરવો પડશે તે કાંઇ નકકી હોતુ નથી. માઇલો દુર દરીયામાં આગળ વધ્યા બાદ કયારેક બોટનંું ઇંધણ ખુટી પડે કે મશીન બગડી જાય તો અધ્ધ વચ્ચે રખડી પડવુ પડતુ હોય છે. જયાં સુધી કોઇ મદદે ન આવે ત્યાં સુધી ભગવાન ભરોસે સમય પસાર કરવો પડે છે. કયારેક ઘણે આગળ ગયા પછી દરીયો અચાનક તોફાને ચડે ત્યારે પણ મુશ્કેલીમાં મુકાય જવાતુ હોય છે.

માત્ર માછી મારી જ નહીં પણ સામાન પરીવહન અને યાત્રીક વહન માટે પણ આ લોકો દરીયો ખેડતા રહે છે. ખારા પાણી સાથે જાણે કે તેમનું ભાગ્ય વણાય ચુકયુ હોય છે.

વહાણવટાના ધંધા સાથે સંકળાયેલા શઢ, ટગ, લંગર, કુવાસ્થંભ સહીતના શબ્દો પણ સમજવા જેવા છે.

મશીન વગરના વહાણની દીશા બદલવા લાકડાના ઉંચા સ્તંભ સાથે દોરડા વડે વિશાળ કપડાને લહેરાવવામાં આવે તેને શઢ કહે છે. વળી જયારે આવા શઢની ઉપર ચડીને આગળ શું સ્થિતી છે તેની સતત માહીતી આપતા રહેનાર વ્યકિતને 'નાખવા' કે 'માંજરીયો' કે 'પાંજરીયો'ની ઓળખ આપવામાં આવે છે.

આખા વહાણનું નેતૃત્વ કરનાર કેપ્ટન તરીકેની ભુમિકા અદા કરનારને 'નાખુદા' કે 'ટંડેલ' તરીકે ઓળખવામાં આવે છે. એજ રીતે વહાણમાં રસોઇનું કામ કરનારને 'ભંડારી' નામ આપવામાં આવે છે.

કયાંય વહાણને ઉભુ રાખવુ હોય ત્યારે વજનદાર લોખંડ સ્તંભનો ઉપયોગ થાય છે. તેને 'લંગર' કહે છે. પછી ટનબંધ માલ ભરેલ વહાણને દરિયાથી બંદર સુધી લાવવા એક મોટી બોટનો ઉપયોગ કરાય છે તેને 'ટગ' કહે છે. આ ટગની મદદથી વહાણને દોરી કાંઠાળ વિસ્તારમાં લાવવામાં આવે છે.

આવા વહાણોના આગળના ભાગને થોડો વિશેષ આકાર અને શણગાર આપવામાં આવે ત્યારે તેને 'મ્હોરો' બનાવ્યો એવુ કહેવાય છે. આવા મ્હોરા ઉપર બેસી જળમાર્ગનું નિરીક્ષણ કરનારને 'નાખુદા' કહેવાય છે.

યાંત્રીક વહાણને ચલાવવા જે લાકડાના સ્ટીયરીંગ વપરાય છે તેને દેશીભાષામાં 'ચક્રો' પણ કહે છે.

અલગ અલગ વહાણની પોતીકી ઓળખ માટે નામ પણ આપવામાં આવતા હોય છે. ઉપરાંત જુદા જુદા વાવટા તેની ઉપર લગાવવામાં આવે છે. જેથી કયુ વહાણ કોનુ છે તે આશાનીથી ઓળખી શકાય છે. તો આવી છે દરીયાઇ છોરૂઓની જીવન ગાથા. એકાદ બે દિવસની દરીયાઇ મુલાકાત રોમાંચક બની રહે પરંતુ કાયમી મુલાકાતની અનુભૂતી જુદી જ અસર વર્તાવે છે.

-: લેખન :-

મિતેષ આહીર

(12:02 pm IST)
  • રવિવારે GPSCની પરીક્ષા : રાજકોટમાં ૯૦ કેન્દ્રો : ર૧ હજાર ઉમેદવારોઃ ૧૮૦ અધિકારી : રવિવારે તા. ૯ જૂનના રોજ રાજકોટમાં GPSCની પરીક્ષા લેવાશેઃ વેચાણ વેરા નિરિક્ષક વર્ગ-૩ની ભરતી માટેની આ પરીક્ષામાં રાજકોટના ર૧ હજારથી વધુ ઉમેદવારો ૯૦ કેન્દ્રો ઉપર સવારે ૧૧ થી ૧, દરમિયાન જનરલ નોલેજનું પેપર આપશે : આ અંગેનો કન્ટ્રોલરૂમ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રહેશેઃ કલેકટર તંત્ર દ્વારા પરીક્ષા માટે ૧૮૦ અધિકારીના ઓર્ડરો access_time 3:33 pm IST

  • ગુજરાતમાં સૌપ્રથમ વાર અમદાવાદના મેયરે-મ્યુનિસીપલ કમિશ્નર ઉપયોગમાં લેશે ઇલેકટ્રીક કાર ટાટા કંપનીની ઇલેકટ્રીક કાર જેની કિંમત ૧૨ લાખની છે તેવી બે ઇલેકટ્રીક કાર અમદાવાદ કોર્પોરેશને ખરીદીઃ એક વખત ફુલ ચાર્જ થયા બાદ ૧૨૦ કિલોમીટર સુધી ચાલશેઃ મેયર અને કમીશ્નર આ ઇલેકટ્રીક કારનો ઉપયોગ કરશે access_time 3:59 pm IST

  • સાણંદમાં શારીરીક અને માનસિક ત્રાસથી ૧૯ વર્ષની યુવતીએ કર્યો આપઘાત : બે વર્ષથી નિઝામ અલ્લારખા નામનો યુવક યુવતીને શારીરીક - માનસિક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ : સાણંદ પોલીસે આરોપી યુવાનની કરી ધરપકડ access_time 6:18 pm IST