Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

આઠ જેટલા વ્યાજખોરોની ધમકીથી ગભરાઇને શિવપરાના જાહિદ સુમરાએ ફિનાઇલ પી લીધું

ચાર વર્ષ પહેલા પિતા ગુજરી ગયા ત્યારે કટકે-કટકે છએક લાખ લીધા'તાઃ તેની સામે પાંચ લાખ ભરી દીધા છતાં વધુ ને વધુ ઉઘરાણી કરી ધમકી અપાતી હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૭: વ્યાજખોરોના ત્રાસનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રૈયા રોડ પર કનૈયા ચોક પાસે શિવપરા-૫માં રહેતાં જાહિદ ઇકબાલભાઇ બાબવાણી (ઉ.૨૫) નામના રિક્ષાચાલક સુમરા યુવાને આઠેક વ્યાજખોરો દ્વારા વ્યાજની ઉઘરાણી માટે અપાતી ધમકીથી ગભરાઇને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં હોસ્પિટલના બિછાને પહોંચ્યો છે. જુદા-જુદા લોકો પાસેથી છએક લાખ વ્યાજે લીધા બાદ તેના પાંચ લાખ સુધીની રકમ ચુકવી દીધી હોવા છતાં વધુને વધુ વ્યાજ માંગી હેરાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ આ યુવાને કર્યો છે.

ફિનાઇલ પી લેનાર જાહિદ ચાર બહેનનો એકનો એક ભાઇ અને વિધવા માતાનો આધારસ્તંભ છે. જાહિદના કહેવા મુજબ ચારેક વર્ષ પહેલા પિતાનું અવસાન થયું ત્યારે પૈસાની જરૂર ઉભી થતાં બે-ત્રણ મિત્રો અને બીજા ચાર-પાંચ શખ્સો પાસેથી કટકે-કટકે છએક લાખની રકમ વ્યાજે લીધી હતી. દસ-દસ ટકા લેખે આ બધાને વ્યાજ ચુકવ્યું હતું. આમ કરતાં અત્યાર સુધીમાં પાંચેક લાખ જેવી રકમ તમામને ચુકવી દીધી છે. હાલમાં ધંધો ચાલતો ન હોઇ વ્યાજ ચુકવી ન શકતાં આ બધા જ ઉઘરાણી માટે ધમકીઓ આપતાં હોઇ તેના કારણે પોતે ફિનાઇલ પી ગયો હતો.

જાહિદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના સલિમભાઇ ફુલાણી અને દિપસિંહે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. પોલીસે તમામ વ્યાજખોરોને તેડુ મોકલ્યું છે.

(10:21 am IST)