Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

બ્રાહ્માકુમારીઝ સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાશેઃ ત્રંબામાં 'પાવનધામ'નું નિર્માણઃ રવિવારે વિજયભાઈના હસ્તે ઉદ્ઘાટન

૫૦ વર્ષની ઉજવણી નિમિતે વર્ષ દરમ્યાન અનેવિધ કાર્યક્રમો યોજાશેઃ પાવનધામ મેડીટેશન સેન્ટરમાં નિયમીત વર્ગો શરૂ થશે યુ.કે.ના જયંતિદીદી, સરલાદીદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશેઃ બ્રહ્માકુમારીઝના રાજકોટમાં ૧૭ કેન્દ્રો

રાજકોટ,તા.૭: વિશ્વ નવનિર્માણ અર્થે અનેક સામાજીક સેવા કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રહ્માકુમારીઝ રાજકોટને આ વર્ષે ૫૦ પૂર્ણ થઈ રહ્યા હોય સુવર્ણ જયંતિ વર્ષ ઉજવી રહ્યું છે. આ નિમિતે શહેરની ભાગોળે ત્રંબા મુકામે હેપીવિલેજ, ગઢડા રોડ ખાતે પાવનધામ મેડીટેશન સેન્ટરનું ઉદ્ઘાટન આગામી તા.૧૦ના રવિવારના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.

વર્ષ ૨૦૧૯ દરમ્યાન પુરા વર્ષ ૫૦ થી પણ વધારે સેવાઓ બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસનમુકિત અભિયાન, સર્વ રોગ નિદાન કેમ્પ, મહિલા સશકિતકરણ સેમીનાર, રોડ સેફટી કાર્યક્રમ, તનાવ મુકત શિબિર, જીવન મૂલ્ય આધ્યાત્મિક સપ્તાહ વગેરે દ્વારા ગોલ્ડન જયુબલી ઉજવાશે. જેનું ઉદ્ઘાટન તથા ત્રંબા સ્થિત હેપી વિલેજ રીટ્રીટ સેન્ટર સંકુલ ખાતે નિર્માણાધીન પાવનધામ મેડીટેશન સેન્ટરનું ઉદ્ઘાટન તા.૧૦ના રવિવારે સવારે ૮:૩૦ વાગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાખવામાં આવેલ છે.

આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ યુરોપ- યુ.કે. ક્રંટ્રરીના ડાયરેકટર બ્ર.કુ.જયંતીદીદી, ગુજરાત ઝોન ડાયરેકટર સરલાદીદી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોંવિદભાઈ પટેલ વગેરે તેમજ રાજકોટ તથા ત્રંબા, ગઢકા, મહિકા, કાળીપાટ, અણીયારા વગેરે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ અંદાજે છ હજારથી પણ વધારે લોકો ઉપસ્થિત રહેશે. વિજયભાઈ ''પાવનધામ''નું તકતી અનાવરણ કરી ઉદ્ઘાટન કરી સર્વ માટે ખુલ્લુ મુકશે. ટ્રી પ્લાન્ટેશન બાદ સ્વર્ણિમજયંતિ મહોત્સવનો દીપ પ્રજ્જવલન દ્વારા પ્રારંભ કરી સભાને સંબોધન કરશે.

આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રાહ્માકુમારીઝના ૧૩૭ દેશોમાં ૯ હજાર કરતા પણ વધારે સેવાકેન્દ્ર છે. ૧૯૬૯માં રાજકોટમાં  પ્રથમ સેવાકેન્દ્રની સ્થાપના થયા બાદ આજે ૨૭ સેવાકેન્દ્રો તથા અનેક ગીતા પાઠશાળાઓમાં હજારો લોકો લાભ લઈ રાજયોગ દ્વારા જીવન ધોરણને ઉંચુ બનાવી રહ્યા  છે.

રાજકોટ શહેરથી દુર... પ્રકૃતિની ગોદમા...૪ એકર જમીનમાં હેપી વિલેજ રીટ્રીટ સેન્ટરનું નિર્માણ થઈ રહ્યુ  છે.જેનું વર્ષ ૨૦૧૭માં સંસ્થાના મુખ્ય પ્રશાસિકા ૧૦૩ વર્ષના દાદી જાનકીજીએ ખાતમુહુર્ત કયું હતું.

બ્રહ્માકુમારીઝના યુરોપના ડાયરેકટર જયંતીદીદી આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેનાર છે. તેઓનો ટૂંકો પરીચય આ મુજબ છે.

જયંતીદીદીનો જન્મ ૧૯૪૯માં પુના (ભારત)માં સિંધી પરિવારમાં થયો હતો. જેમણે ૧૯૫૦માં ઈંગ્લેન્ડ સ્થાળંતર કર્યુ. એટલે જ બાળપણમાં લગભગ ૮ વર્ષથી ઉંમરથી જ દીદીને પાશ્રાત્ય શિક્ષણ અને સંસ્કૃતિનો પ્રભાવ સાંપડ્યો. ૧૯ વર્ષની ઉંમરે  તેઓ કેટલાક મહિનાઓ માટે ભારત આવ્યા. (યુનિવર્સીટી ઓફ લંડનનો પોતાનો ફાર્મસીનો અભ્યાસ છોડી) અને બ્રહ્માકુમારીઝ પરંપરામાં તેમણે આધ્યાત્મિક અધ્યયન અને સેવાકાર્ય શરૂ કર્યા. ૫૦ વર્ષ કરતાં પણ વધુ વર્ષોથી જયંતિદીદી શાંતિ પ્રેરક અને પ્રચારક રહ્યા છે. તેઓની દ્રષ્ટિ અને અનુભવ ખરાં અર્થમાં વૈશ્વિક છે, તેમજ આધ્યાત્મિક ઉંડાઈ ધરાવે છે. ૨૦૦૯થી તેઓ સીઓપી, યુએન કલાઈમેટ ચેંન્જ કોન્ફરન્સમાં પૃથ્વીનાં સંરક્ષણ માટે આધ્યાત્મિક પક્ષના પાયાના વકીલ અને મુખ્ય વકતા રહ્યા.

બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોન ડાયરેકટર સરલાદીદી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર છે. તેઓનો ટૂંકો પરીચય આ મુજબ છે. માત્ર ૧૪ વર્ષની વયે બ્રહ્માકુમારીઝ સંસ્થામાં વિશ્વ સેવા અર્થે જીવન સમર્પણ કરનાર સરલાદીદી છેલ્લા ૬૫ વર્ષોથી રાજયોગના ગહન અભ્યાસની સાથે ભારતના ખુણે ખુણે કલકતા, મુંબઈ વગેરે શહેરોમાં સેવાઓ આપી વર્તમાન છેલ્લા ૬૫ વર્ષોથી ગુજરાત તથા દેશ વિદેશમાં સેવા પર ઉપસ્થિત છે. બ્રહ્માકુમારી વિદ્યાલયની ભગિની સંસ્થા રાજયોગ શિક્ષણ અને શોધ પ્રતિષ્ઠાન અંતર્ગત સાયન્ટિસ એન્ડ એન્જીનિયર વિંગના ગુજરાત કોર્ડીનેટર છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બ્રહ્માકુમારી ભારતીદીદી દ્વારા નિમંત્રણ અપાયું છે. તસ્વીરમાં બ્રહ્માકુમારી અંજુબેન (મો.૯૬૮૭૫ ૭૩૦૫૫), બ્રહ્માકુમારી ભગવતીબેન, કુમારી કોમલબેન (મો.૮૧૪૦૦ ૬૭૦૦૫) અને હિતેષભાઈ નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૩૦.૫)

 

(3:38 pm IST)