Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

સરકારી ગેઝેટમાં નોંધ બાદ રાજકોટમાં ૨૪ કલાક દુકાનો ખુલ્લી રાખવાનો અમલ થશે

મુખ્યમંત્રી વિજયભાઇનાં વેપારી હીતના નિર્ણયને આવકારતા મેયર સહીતના પદાધિકારીઓ

રાજકોટ, તા.૭: રાજય સરકારે શહેરોમાં ૨૪ કલાક દુકાનો ખુલ્લી રાખવાના નિર્ણય જાહેર કર્યો છે. જેની રાજકોટ શહેરમાં અમલવારી ગુજરાત સરકારનાં ગેઝેટમાં નોંધ થયા બાદ શરૂ થશે તેમ કોર્પોરેશનનાં શોપ વિભાગમાંથી જાણવા મળ્યુ છે. દરમિયાન મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર એક સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજય સરકાર દ્વારા શોપ એસટાબ્લીસમેન્ટ કાયદામાં સુધારો કરી રાજયમાં હોટલો, મોલ, રેસ્ટોરન્ટ તેમજ દુકાનો ૨૪ કલાક ખુલ્લી રાખી શકશે તેવો નિર્ણય કરવામાં આવેલ છે. આ નિર્ણયને આવકારી માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માનતા પદાધિકારીશ્રીઓ.

૨૪ કલાક વ્યવસાયની મંજૂરી મળતા વેપારીઓને, કામદારોને ફાયદો મળશે તેમજ રોજગારીમાં પણ વધારો થશે. અને શહેરના નગરજનો પણ દિવસ દરમ્યાન પોતાના વ્યસ્તતાના કારણે દિવસ દરમ્યાન ખરીદી કરવા ન જઈ શકે તો તેઓ રાત્રી દરમ્યાન ખરીદી કરવા જઈ શકશે. આ ઉપરાંત રાત્રી દરમ્યાન ધંધો કરવા માટે જુદાં જુદાં યોગ્ય નિર્ણયો પણ સાથે કરવામાં આવેલ છે. તેમજ ઓવર ટાઈમ કરનાર કામદારોને પણ ડબલ પગાર આપવાનો પણ નિર્ણય કરેલ છે. આમ ધંધા રોજગારને વેગ અને પ્રોત્સાહન આપવા આવો સુંદર નિર્ણય કરવામાં આવેલ છે. આ નિર્ણયને આગામી વિધાનસભામાં બિલ લાવી કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે. તેમ અંતમાં પદાધિકારીશ્રીઓએ જણાવેલ.(૨૩.૧૧)

 

(3:34 pm IST)