Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

જેને કોઇના પણ પ્રત્યે વેર ન હોય તેને કયારેય ઝેરની અસર ન થાયઃ પૂ. રતિલાલજી મ.સા.

નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે કાલે શ્રદ્ધા-ભકિતભાવ સાથે પૂ. રતિલાલજી મ.સા.ના

રાજકોટ, તા.૭:- જેમની દ્રષ્ટિ માત્ર, અનેકોના અંતરમાં અજવાળા કરી દેનારી હતી. જેમના ચરણની રજ માત્ર, અનેકોના જીવનમાં માંગલ્યતાનું સર્જન કરી દેનારી હતી એવા ગોંડલ સંપ્રદાયના સિદ્ઘપુરૂષ, અવધૂત યોગી, ૧૪૫ આત્માઓના દીક્ષાદાતા તપોધની તપસમ્રાટ પૂજય ગુરૂદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબની ૨૦જ્રાક પુણ્યસ્મૃતિનો અવસર ગુજરાતરત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ, શાસન ગૌરવ પૂજય શ્રી પિયુષમુનિ મહારાજ સાહેબ એવમ્ આદર્શયોગિની પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજી આદિ મહાસતીજી વૃંદના સાંનિધ્યમાં રાજકોટ સ્થિત તપસમ્રાટ તીર્થધામ ખાતે આવતીકાલે,  તા. ૮ને શુક્રવાર સવારે ૯ કલાકે આયોજિત કરવામાં આવ્યો છે.

પરમ ઉપકારી તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રીના સહનશીલતાના સંસ્મરણો યાદ કરતા રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રી એ ફરમાવ્યું હતું કે, તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રી પરમ સમતાની અને પરમ સહનશીલતાની મૂર્તિ હતા. સહનશીલતા તેમને પ્રતિકૂળતામાં પણ પ્રસન્ન રાખતી હતી. તેઓશ્રીની સહનશીલતા વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ ચહેરા પર હાસ્ય લાવતી હતી. દરેક પરિસ્થિતિને સહન કરવાની, દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરવાની એમની આંતરિક ક્ષમતા કંઈક અલગ જ પ્રકારની હતી. દેહ અને આત્માની ભિન્નતાની દશા માત્ર શબ્દો, પ્રવચનો કે પ્રકૃતિમાં નહીં પણ તેમની પ્રવૃત્ત્િ।માં પણ પ્રગટ થતી હતી. અનુકૂળતાઓ જયારે દસ્તક આપી રહી હોય, આફતો જયારે આલિંગન આપી ૨હી હોય, એવા સમયે પણ, શાંતભાવે પ્રસન્નતાપૂર્વક આત્મમસ્તીની લહેજત માણનારા મહાપુરુષ પરમ પૂજનીય, પરમ વંદનીય હોય છે. તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રી હંમેશાં કહેતા કે સાધક એ જ હોય જે પ્રતિકૂળતાને પણ અનુકૂળતા માને. સાધુતાનો આધાર સહનશલીતા છે. સહન કરે તે જ સાધુ કહેવાય. શરીરની મમતા ત્યારે જ છૂટે, જયારે આત્મભાવ જાગે અને આત્મજ્ઞાન થાય.

તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રી એક દિવસ જૂનાગઢમાં સવારે આહારપ્રાપ્તિ-ગૌચરી મેળવવા માટે નીકળ્યા હતા. ગૌચરી વહોરીને જયારે પાછા આવી રહ્યા હતા, ત્યારે કદાવર અને કોઈ પણ ડરી જાય એવા એક કૂતરાએ કૂદકો માર્યો અને પગમાં બટકું ભર્યું. તેઓશ્રીના પગમાંથી લોહીની ધાર નીકળવા લાગી. કૂતરો બટકું ભરીને પણ દ્યૂરકી રહ્યો હતો. આસપાસના લોકો પણ ડરીને જોઈ રહ્યા હતા. પરંતુ તે સમયે દ્યૂરકતા કૂતરાની સામે તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રીએ પ્રેમથી જોયું. ન ભય, ન ગભરાટ, ન ગુસ્સો, ન અશાંતિ. પ્રેમથી બીજો પગ સામે ધર્યો અને કહ્યું, લે, હું તને બીજો પગ આપું છું. તને શાંતિ મળતી હોય તો હું સહન કરવા તૈયાર છું. તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રીના પ્રેમ અને સદ્દભાવનાની અસરથી કૂતરો તરત જ શાંત થઈ ગયો.

તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રીને મનુષ્ય માટે જ નહીં, પ્રાણીઓ અને પ્રત્યેક જીવ પ્રત્યે પ્રેમ હતો. અનુકૂળ વ્યકિતઓ પ્રત્યે જ નહીં, પણ પ્રતિકૂળ વ્યકિતઓ પ્રત્યે પણ સમભાવ હતો. જેમના હૃદયમાં કોઈ જીવ પ્રત્યે દુર્ભાવના નહોતી એવા તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રી લોહી નીતરતા પગ સાથે ઉપાશ્રયમાં પધાર્યા. શ્રાવકો ભેગા થઈ ગયા અને તેમના પૂછવા પર તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રી બોલ્યા, પ્રત્યેક જીવ તેના સ્વભાવ અનુસાર પ્રવૃત્ત્િ। કરે છે. કૂતરાએ કૂતરાનો સ્વભાવ બતાવ્યો, સાધુએ સાધુનો સ્વભાવ બતાવ્યો. જેવાં મારાં કર્મ હતાં એવો કૂતરો હતો. કુતરાના કરડવા પર ઇન્જેકશન લેવા માટે શ્રાવકો વિનંતી કરતા રહ્યા પણ ગુરુદેવે માત્ર એક જ મંત્ર આપી દીધો, જેનામાં વેર હોય તેને જ ઝેરની અસર થાય. જેને કોઈના પણ પ્રત્યે વેર ન હોય તેને કયારેય ઝેરની અસર ન થાય .

જેમના હૃદયમાં જીવમાત્ર પ્રત્યે વાત્સલ્ય અને કરૂણા હતાં, જેમને કોઈના પ્રત્યે વેર કે દ્વેષ નહોતા, એવા શ્રેષ્ઠ સાધક, તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રીની ૨૦માં પુણ્યસ્મૃતિના અવસરે તેઓશ્રીના ગુણાનુવાદ કરીને સ્વયં ગુણવાન બનવા માટે, આવતીકાલે, શુક્રવારે સવારે ૯ કલાકે રાજકોટના તપસમ્રાટ તીર્થધામ ખાતે પધારવા આમંત્રણ પાઠવાયું છે.(૨૨.૧૨)

 

(3:19 pm IST)