Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

રવિવારે ૧૧,પ૦૦ પરિવારોને અમૃત-વાત્સલ્યકાર્ડ અને ૨પ૦૦ પરિવારોને આયુષ્યમાનકાર્ડ વિતરણ થશે

ધર્મેન્દ્ર કોલેજ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં યોજાનાર ''મેગા કેમ્પ''ની તડામાર તૈયારીઓઃ સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ આરોગ્ય ચેરમેન જયમીન ઠાકરનું માર્ગદર્શન : આ મેગા કેમ્પમાં ''માં વાત્સલ્ય કાર્ડ'' તથા ''આયુષ્માન કાડ'' માટે લાભાર્થી પરિવારોના માત્ર રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા કાર્ડ વિતરણ માટેની વ્યવસ્થા જાહેર કરવામાં આવશેઃ રેશનકાર્ડમાં કામ હોય તો તમામ પરિવારજનો કેમ્પમાં હાજર રહેવું ફરજીયાત

રાજકોટ, તા.૭: મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૧૯ રવિવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે ગુજરાતનો પ્રથમ આયુષ્માન ભારત (PM-JAY) કાર્ડનો મેગા કેમ્પ માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં કરી રહ્યું છે સાથે માં વાત્સલ્ય કાર્ડની પણ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડ તથા આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી જયમીન ઠાકર દ્વારા આ મેગા કેમ્પમાં 'માં વાત્સલ્ય કાર્ડ' માટે અંદાજીત ૧૧,૫૦૦ પરિવારોના રજીસ્ટ્રેશન ફોર્મ જમા કરવામાં આવ્યા તેમજ 'આયુષ્માન કાર્ડ' માટે અંદાજીત ૨૫૦૦ પરિવારોને ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હોવાનું જણાવેલ છે.

આ અંગે વિશેષ માહિતી આપતા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીન ઠાકરે જણાવેલ હતું કે તા. ૧/૨ થી ૬/૨ સુધી સવારના ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી વોર્ડ ઓફિસો ખાતે માં વાત્સલ્ય યોજનાના ફોર્મ વિનામુલ્યે આપવામાં આવેલ. જેમાં લાભાર્થીઓ દ્વારા 'માં વાત્સલ્ય કાર્ડ' માટે અંદાજીત ૧૧,૫૦૦ પરિવારના ફોર્મ અત્રે જમા કરાવવામાં આવેલ છે. તેમજ 'આયુષ્માન કાર્ડ' માટે અંદાજીત ૨૫૦૦ પરિવારોને ફોર્મ વિતરણ કરવામાં આવેલ છે. શ્રી જયમીન ઠાકર દ્વારા જણાવવામાં આવેલ છે કે આ મેગા કેમ્પમાં 'માં વાત્સલ્ય કાર્ડ' તથા 'આયુષ્માન કાર્ડ' માટે લાભાર્થી પરિવારોના માત્ર રજીસ્ટ્રેશન કરવામાં આવશે. એટલે કે જે લાભાર્થી પરિવારના રાશનકાર્ડમાં જેટલા નામ હોય તે તમામ સભ્યોના ફોટો પાડવામાં આવશે તથા અંગુઠાના નિશાન ફરજીયાત લેવામાં આવશે. જેના માટે લાભાર્થી પરિવારોએ તા.૧૦/૦૨/૨૦૧૯ રવિવારના રોજ ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે સવારે ૦૮: ૩૦ વાગ્યે કુટુંબના રેશનકાર્ડમાં દર્શાવેલ સભ્યો સાથે હાજર રહેવા અનુરોધ કરવામાં આવેલ છે.

વિશેષમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડ તથા આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી જયમીન ઠાકર દ્વારા જણાવવામાં આવેલ છે કે આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં 'આયુષ્માન કાર્ડ' ભારત દેશની ૧૩,૮૦૩ ગુજરાતની ૨,૬૦૦ હોસ્પિટલમાં તેમજ રાજકોટ શહેરની ૨૫ હોસ્પિટલમાં આ કાર્ડનો કેશલેસ ઉપયોગ થઈ શકશે. આ યોજનાનું કાર્ડ જુદી જુદી પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી બીમારીઓની વાર્ષિક કુટુંબ દીઠ રૂ. ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) સુધીની ૧૭૯૫ પ્રકારની મેડીકલ સારવાર વિનામુલ્યે મળશે. મુખ્યમંત્રી અમૃતમ 'માં વાત્સલ્ય યોજના' માં મધ્યમ વર્ગના (વાર્ષિક કૌટુંબિક રૂ.૩.૦૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા) પરિવારો માટે (કુટુંબનાં મહતમ પાંચ વ્યકિત) તેમજ સીનીયર સીટીઝન માટે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના વાર્ષિક કૌટુંબિક રૂ.૬.૦૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા (કુટુંબનાં મહતમ પાંચ વ્યકિત) માટે તા.૧૫/૦૮/૨૦૧૪ થી અમલમાં મુકવામાં આવેલ છે. 'મા વાત્સલ્ય' યોજના હેઠળ હૃદય ના ગંભીર રોગો, કિડનીના ગંભીર રોગો, મગજના  ગંભીર રોગો, અકસ્માત ના કારણે થયેલ ગંભીર ઇજાઓ, નવજાત શિશુઓના ગંભીર રોગો, કેન્સર(કેન્સર સર્જરી, કેમોથેરાપી તથા રેડીયોથેરાપી), ઘૂંટણ અને થાપાના રીપ્લેસમેન્ટ તેમજ કીડની ટ્રાન્સપ્લાન્ટેશન, લીવર ટ્રાન્સપ્લાન્ટેશન અને પેન્ક્રીયાઝ ટ્રાન્સપ્લાન્ટેશન જેવી બીમારીઓ તથા દાઝી ગયેલ ની બીમારી ની કુલ ૬૯૮ જેટલી પ્રોસીજર માટે ઉતમ પ્રકારની સારવાર આપવામાં આવે છે. આ માટે રાજકોટ શહેરની ૧૧-પ્રાઈવેટ તથા સરકારી હોસ્પિટલો ખાતે સારવાર વિનામુલ્યે આપવામાં આવે છે.

ઉકત વિગતે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડ તથા આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી જયમીન ઠાકર દ્વારા તેમજ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ દ્વારા રાજકોટ શહેરના તમામ લાભાર્થીઓ પરિવારોને આ મેગા કેમ્પમાં અચૂક હાજર રહી 'માં વાત્સલ્ય કાર્ડ' તથા 'આયુષ્માન કાર્ડ' માટે ખાસ રજીસ્ટ્રેશન કરાવે તેવી અપીલ કરવામાં આવેલ છે.(૨૩.૧૦)

 

(3:15 pm IST)