Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

'નમન નમન મે ફેર હૈ બહુત નમે સો નાદાન'

સરકતી સત્તાને સાચવવા કુલપતિ ચૌહાણે શરૂ કરી પ્રણામયાત્રા... જે મળે તેને વંદનવાળી

૩ વર્ષમાં ભાજપના કાર્યકર્તા કરતા કોંગ્રેસને ખુબ સાચવનાર કુલપતિ પ્રતાપસિંહ સામે ભાજપમાં વ્યાપક વિરોધઃ કાલે સર્ચ કમીટી

રાજકોટ, તા., ૭: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણનો કુલપતિ તરીકેનો કાર્યકાળ ર૪ ફેબ્રુઆરીએ પુર્ણ થાય છે ત્યારે નવા કુલપતિની પસંદગી માટે આવતીકાલે કુલપતિ પસંદગી સમીતીની બેઠક મળનાર છે.

પરીક્ષામાં વ્યાપક ગેરરીતી, પાસ વિદ્યાર્થીઓને નાપાસ કરી ફરી પૈસા લઇ પુનઃ મુલ્યાંકનમાં પાસ કરવા ખાનગી કોલેજોને છુટો દોર આપવો, નવા અભ્યાસક્રમોને બદલે મોટા-મોટા સીમેન્ટના બિલ્ડીંગો બનાવવા સહીતના પ્રશ્ને વિવાદમાં રહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ બીજી ટર્મ માટે એડીચોટીનું જોર લગાવ્યાનું જાણવા મળે છે.

જાણવા મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જેતપુર અને માંગરોળના સીન્ડીકેટ સભ્ય સિવાય મોટાભાગના સીન્ડીકેટ સભ્યો કુલપતિ ચૌહાણની કામગીરીથી સંતુષ્ટ નથી, તેમજ મુળ ભાજપ અને સંઘ સાથે જોડાયેલા ભાજપના આગેવાનોને કુલપતિ ચૌહાણની કોંગ્રેસ પ્રત્યેની પ્રીત વધુ પડતી ખટકે છે. કુલપતિ કાર્યાલયમાં ગમે ત્યારે કોંગ્રેસના સેનેટ સીન્ડીકેટ સભ્યોનો  જાણે અડીંગો જમાવીને બેઠા હોય તેવો ઘાટ ઘડાયો છે. આ સંજોગોમાં મોટા ભાગના નિર્ણયો કોંગ્રેસના આગેવાનોની સંમતી બાદ થતા હોવાની વ્યાપક ફરીયાદ ઉચ્ચ કક્ષાએ ભાજપ આગેવાનોએ કરી છે.

૩ વર્ષમાં ભાજપની સંકલન કે ભાજપના નેતાઓનો ફોન પણ રીસીવ ન કરનાર કુલપતિ પ્રતાપસિંહે સરકતી સત્તા બચાવવા છેલ્લા એક મહિનાથી નમનયાત્રા શરૂ કરી છે. દરરોજ બેથી ત્રણ આગેવાનોને મળે છે અને તેની આગવી અદામાં 'નામદાર...હુકમ કરજો, હું તમારો જ છું,  બાપુ  અને વિજયભાઇને ભલામણ કરજો...', આવા કહેણ સાથે વાર્તાલાપ કરે છે. છેલ્લા ૪ દિવસમાં તો નમનયાત્રાની જાણે પુર્ણાહુતી હોય તેમ જે સામે મળે તેને વંદનવાળી કરે છે. પ્રતાપસિંહની વંદનયાત્રા કેવી સફળ થાય છે તે તો આવનાર દિવસોમાં ખબર પડશે.

રાજકોટ જીલ્લામાં પ્રભારી તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પસંદગી થતા કુલપતિ પદે પ્રતાપસિંહ ચૌહાણનું નામ હાલ સૌથી આગળ દોડી રહયું છે. છતાં મુખ્યમંત્રી  શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમના હોમટાઉનમાં  સર્વોચ્ચ શિક્ષણધામ યુનિવર્સિટી માટે હજુ કોઇ નામ માટે મન મનાવ્યું નથી. અટકળોની આંધી ચાલી રહી છે.

કુલપતિ પદ માટે ડો.ભાવીનભાઇ કોઠારી, ડો.ગીરીશભાઇ ભીમાણી, ડો.ભરતભાઇ રામાનુજ, ડો. કમલ ડોડીયા સહિતના નામો ચર્ચામાં છે.

(11:17 pm IST)