Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

આજીમાં ૩૩ સ્થળોએથી ગંદકી ઠલવાઇ રહી છે

તંત્રએ કરેલા સર્વેમાં બહાર આવેલી વિગતોઃ એન્વાયરમેન્ટની મંજુરી માટે આ ગંદકી દુર કરવી જરૂરીઃ મ્યુ. કોર્પોરેશને ગંદકીના નિકાલ માટે પ્રોજેકટ તૈયાર કરવો પડશે

રાજકોટ, તા,. ૭: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજી રીવર ફ્રન્ટ માટે મ્યુ. કોર્પોરેશનને ૧૧ કી.મી. સુધીની જમીન આપવાની જાહેરાત કરતા કોર્પોરેશનના તંત્રવાહકોએ આજી રીવર ફ્રન્ટ માટે પ્રાથમીક તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમાં સૌ પ્રથમ તબક્કે એન્વાયરમેન્ટ વિભાગની મંજુરી લેવા આજી નદીમાં ઠાલવવામાં આવતી ગંદકી દુર કરવી પડે તેમ છે.આથી આ તરફ તંત્રએ ધ્યાન કેન્દ્રીત કર્યાનું જાણવા મળ્યું છે.

કોર્પોરેશનના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આજી નદીમાં ભુગર્ભ ગટર ઉપરાંત  કેટલાક સ્થળોએ કારખાનાઓનું પ્રદુષીત પાણી ઠલવાઇ રહયું છે. તે દુર કરવું જરૂરી છે. આ માટે તંત્રએ કયાં કયાં સ્થળોએ નદીમાં ગંદકી ઠલવાઇ રહી છે? તેનો સર્વે કરાવતા નદીમાં કુલ ૩૩ જેટલા સ્થળોએથી ગંદુ પાણી ઠાલવવામાં આવી રહયાનું ખુલ્યું છે.

ઉપરોકત ૩૩ સ્થળોએ ઠાલવવામાં આવી રહેલ ગંદા પાણીને અન્યત્ર ડાયવર્ટ કરવા માટે પાઇપ લાઇન તથા પંમ્પીંગ મશીન સહિતનો પ્રોજેકટ તૈયાર કરવો પડે તેમ છે આ માટે તંત્ર દ્વારા પ્રાથમીક કાર્યવાહી હાથ ધરાયાનું જાણવા મળે છે.

નોંધનીય છે કે, આજી રીવર ફ્રન્ટ માટે કોર્પોરેશનને પ૧ કરોડની ગ્રાન્ટ મળી છે જેમાં પ્રથમ તબક્કે આજી નદીની ગંદકી દુર કરવાનું અભિયાન હાથ ધરાયું છે. (૪.૧૪)

(3:44 pm IST)