Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

અઢી હજાર વર્ષ પૂર્વ ગુજરાતીઓ સહુપ્રથમ માલદીવ પહોંચ્યા હતા

પ્રવાસન સ્થળ તરીકે ભારતીયોમાં માલદીવનું અનેરૂ આકર્ષણ છે :ભારત- ગુજરાત સાથે માલદિવનો સદીઓથી અતૂટ નાતો

રાજકોટ,તા.૭: કટોકટીના કારણે ચર્ચામાં આવેલા માલદીવમાં સૌપ્રથમ ગુજરાતીઓ પહોંચીને સ્થાયી થયા હતા. ઈતિહાસ તેમજ સંશોધનોમાં ઘણીવાર ઉલ્લેખ થઈ રહ્યો છે કે આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં ગુજરાતીઓ માલદીવમાં પહોંચી સ્થાયી થયા હતા. આજે પણ ત્યાં ગુજરાતીભાષી ૧૦૦૦ મુસ્લિમોની વસતિ છે. સ્થાયી થનારી સૌપ્રથમ વસાહત ગુજરાતીઓની હતી. ઈન્ટરનેશન ઈન્સ્ટિટ્યુટ ઓફ એશિયન સ્ટડીઝે પ્રસિદ્ધ કરેલા કેટલાંક સંશોધન લેખોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.દક્ષિણ એશિયાના વિવિધ દેશોમાં રહી ત્યાંના નાગરિકોના ઉદ્ભવસ્થાનનો અભ્યાસ કરનારા ડો.કલેરન્સ મેલોનીએ લખેલા પુસ્તક પીપલ ઓફ ધ માલદી આઈલેન્ડમાં ગુજરાતીઓ ઈ.સ.પૂર્વે અહીં આવી સ્થાયી થયા હોવાની વાત કરવામાં આવી છે. જેના કેટલાંક સાંયોગિક પુરાવાઓ આજે પણ મળે છે.

માનવશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર અને ભાષાકીય સંસોધનો પુરાવાઓ આપે છે કે માલદીવના નાગરિકોના પૂર્વજો અને ભારતના ગુજરાતીઓ, મરાઠીઓ અને કોંકણ પ્રદેશના લોકોના જનીનોમાં ઘણી સામ્યતા છે. ભાષાકીય ભંડોળમાં પણ આ વાતના પુરાવાઓ છે.

ઈ.સ.પૂર્વે ૫૦૦ વર્ષ પહેલાં એટલે કે ૨૫૦૦ વર્ષ પહેલાં ગુજરાતીઓ શ્રીલંકા અને માલદીવ સ્થાયી થયા હતા. હિન્દુ ધર્મના જાતકો અને પુરાણોમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે આજના ગુજરાતના લોકો વેપાર માટે હિંદ મહાસાગર અને અરબ સાગરમાં આવેલા વિવિધ દેશો અને દ્વિપમાં પહોંચ્યા હતા.

માલદીવના લોકોની બોટ અને હોડીઓ બાંધવાની પદ્ધતિ અને ગુજરાત- મહારાષ્ટ્રના દરિયાકાંઠે બનતી બોટ અને હોડીઓની  બનાવટની પદ્ધતિમાં ઘણી સામ્યતા જોવા મળે છે. બન્ને જગ્યાએ હોડીમાં ચાંદી જેવો રંગ ધરાવતા સિક્કા ચોંટાડવાની પ્રથા છે.

ગુજરાતીઓ ત્યા સ્થાયી થયા હતા પરંતુ આજના તામિલનાડુ અને કેરળના વસાહતીઓનું ત્યાં પ્રભુત્વ વધતા ત્યાં અન્ય ગુજરાતીઓની વસાહતો નહોતી બની.

હાલ માલદીવમાં ગુજરાતી તરીકે ઓળખાતો સમુદાય છે તે મુસ્લિમ ધર્મ પાળે છે અને ગુજરાતી ભાષા બોલે છે. ઠાકુર અને રાણા ત્યાંની મુખ્ય અટકો પૈકી એક છે અને એકાદ હજારની વસતી છે.

(3:43 pm IST)