Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

એરપોર્ટ પીએસઆઇ સાંકળીયાની ફરજમાં રૂકાવટ કરી ભાગેલા બે શખ્‍સો સામે અંતે ગુનો નોંધાયો

આ એમએલએની ગાડી છે, તમે ન રોકી શકો...કહી દંડ નહોતો ભર્યો : ૩૦મીએ વાહન ચેકીંગ વખતે ‘એમએલએ-ગુજરાત' લખેલી કારને અટકાવી સુશોભિત નંબર પ્‍લેટ અને કાળા કાચને કારણે દંડ ભરવાનું કહેવાતાં ભારે માથાકુટ થઇ હતી

રાજકોટ તા. ૭: અઠવાડીયા પહેલા ૩૦મી ડિસેમ્‍બરે સાંજે એરપોર્ટ પોલીસ સ્‍ટેશનની ટીમ રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર ચેકપોસ્‍ટ પર ૩૧મી ડિસેમ્‍બર અંતર્ગત વાહન ચેકીંગમાં હતી ત્‍યારે એક કારનો ચાલક અને સાથેનો અજાણ્‍યો શખ્‍સ પીએસઆઇની ફરજમાં રૂકાવટ કરી ગાડી ન રોકી, દંડ ન ભરી કાર લઇ ભાગી ગયેલ. આ બનાવમાં સોશિયલ મિડીયામાં અલગ જ વિગતો વાયરલ થઇ હતી. જે તે વખતે ફરિયાદ નોંધાઇ નહોતી. અંતે એરપોર્ટ પોલીસ મથકમાં કારના ચાલક સહિત બે જણા સામે ગુનો નોંધાયો છે.
એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ આર. એન. સાંકળીયાએ અ બનાવમાં જીજે૦૧ડબલ્‍યુએ-૧ નંબરની કારના ચાલક અને તેની સાથેના અજાણ્‍યા શખ્‍સ સામે ફરિયાદ નોંધાવતાં આઇપીસી ૧૮૬, ૧૧૪ મુજબ ગુનો દાખલ થયો છે. પીએસઆઇ આર. એન. સાંકળીયાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું છેલ્લા છ મહિનાથી એરપોર્ટ પોલીસ સ્‍ટશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવુ છું. હાલમાં હું બેડલા બીટ અને બામણબોર બીટમાં ઇન્‍ચાર્જ છું. કામગીરીના ભાગરૂપે અમે વાહન ચેકીંગની ફરજ પણ બજાવીએ છીએ.
તા. ૩૦/૧૨ના સાંજે ચાર વાગ્‍યે ૩૧મી ડિસેમ્‍બર અંતર્ગત  હું તથા સ્‍ટાફના પીએસઆઇ વી. સી. પરમાર, કોન્‍સ. રમણીકભાઇ ગોહિલ સાથે રાજકોટ અમદાવાદ હાઇવે પર વાહન ચેકીંગમાં હતાં ત્‍યારે સાંજે સાડા ચારેક વાગ્‍યે અમદાવાદ તરફથી સુશોભીત નંબર પ્‍લેટવાળી ‘એમએલએ-ગુજરાત' લખેલી ગાડી આવતાં તેને હાથના ઇશારાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો. પણ કાર એક્‍ઝેટ ત્‍યાં ન રોકી ચાલકે થોડે આગળ લઇ જઇ ઉભી રાખી હતી.
એ પછી ત્‍યાં જઇ અમે ચેક કરતાં ચાલક અને તેની બાજુમાં બેઠલા વ્‍યક્‍તિને સુશોભિત નંબરપ્‍લેટ બાબતે અને કારમાં કાળા કાચ હોઇ દંડ ભરવાનું કહેતાં બંનેએ અમારી ફરજમાં રૂકાવટ કરી દંડ નથી ભરવો, આ કાર એમએલએની છે...તમે રોકી ન શકો...કહી દંડ ભર્યા વગર કાર હંકારી ભાગી ગયા હતાં.
અમે રોડ પરના સીસીટીવી કેમેરા ચેક કરાવતાં કારનો નંબર જીજે૦૧ડબલ્‍યુએ-૧ હોવાનું જાણવા મળતાં ચાલક અને સાથેના શખ્‍સ વિરૂધ્‍ધ હવે ફરિયાદ નોંધાવી છે. આ ગુનાની તપાસ પીઆઇ જી. એમ. હડીયાએ હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા આ બનાવમાં મારામારી થયાની અને રિવોલ્‍વર તાંકવામાં આવ્‍યાની વિગતો સાથે સોશિયલ મિડીયામાં મેસેજ વાયરલ થયા હતાં. તેમજ ખુદ પીએસઆઇની ફરિયાદ નોંધવામાં ન આવ્‍યાનો પણ તેમાં ઉલ્લેખ હતો. હવે પીએસઆઇ આર. એન. સાંકળીયાએ આ બનાવમાં ફરિયાદી બની ગુનો દાખલ કરાવ્‍યો છે. આરોપીઓ અંગે તપાસ શરૂ થઇ છે.

 

(1:35 pm IST)