Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

સ્વયંભૂ કાલભૈરવ દાદાના મંદિરે મહાઆરતી અને મહાયજ્ઞ યોજાયો

રાજકોટ, તા. ૪ :  કુવાડવાથી મધરવાડા-ભાડલા જતા ૬ કિલોમીટરના અંતરે આવેલ સાયપર ગ્રામમાં ઉંચી ટેકરી ઉપર સ્થિત આશરે ૧પ૦૦ વર્ષ જુની શ્રી જંત્રેશ્વર મહાદેવ અને સ્વયંભૂ કાલભૈરવ દાદાના મંદિરે મહંત દિલીપરી નાગપરી ગોસ્વામી અને તેમના મિત્રમંડળતેમજ ગ્રામજનોના સહયોગથી શ્રી કાલભૈરવ જયંતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે સુંદરલાલજી વિશ્વનાથજી બોહરા પરિવારવતી શ્રી જંત્રેશ્વર મહાદેવ, સ્વયંભૂ શ્રી કાલભૈરવ દાદાને અને સંત સમાધિયોને ધ્વજા અર્પણ કરવામાં આવી હતી.

આ શુભ પ્રસંગે શ્રી જંત્રેશ્વર મહાદેવ અને સ્વયંભૂ કાલભૈરવ દાદાને અને સંત સમાધિયોએ મહાપ્રસાદનો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો. તેમજ બટુક ભોજન અને ભાવિક ભકતો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે નીતિનપરી નારાયણપરી ગોસ્વામી અને ભકતો દ્વાર દાદાના સાનિધ્યમાં ભજન કીર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી. સાંજે ૬ વાગે રાજકોટ જિલ્લા ભાજપના પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ અરૂણભાઇ નિર્મળ, પ્રદેશ અધિવકતા પરિષદના મંત્રી જયેશભાઇ જાની, ભાજપના સાંસ્કૃતિક સેલ સંયોજક વિજયભાઇ કારિયા અને રાજેશભાઇ ગોંડલીયા, કૌશિકભાઇ ટા઼ક, જગદીશભાઇ ગજ્જર અને અન્ય મહાનુભાવોના હસ્તે શ્રી જંત્રેશ્વર મહાદેવ અને સ્વયંભૂ કાલભૈરવ દાદાની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિર ખાતે જ વિદ્વાન શાસ્ત્રી કિશનભાઇ ત્રિવેદીના હસ્તે રાત્રે ૮ થી ૧૧.૧પ કલાક સુધી શાસ્ત્રોકત વીધી વિધાનથી શ્રી કાલભૈરવ દાદાનો મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓએ રાષ્ટ્રમાં સુખ-શાંતિ અને ભાઇચારો જળવાઇ રહે અને સૌ પ્રજાજનોનું આરોગ્ય સ્વસ્થ રહે તેવી દાદા પાસે પ્રાર્થના કરી હતી. આ શુભ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ભકતોએ જંત્રેશ્વર મહાદેવ અને સ્વયંભૂ કાલભૈરવ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દરરોજ આરતીના સમયે ત્યાં રહેતા શ્વાન આરતીનું ગાન કરતા હોય છે ત્યારે અદ્ભૂત વાતાવરણ સર્જાય છે.

(2:55 pm IST)