Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

એરપોર્ટ પોલીસે ચોખાના કટ્ટા નીચે છુપાવાયેલો ૧૭.૭૨ લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે બે શખ્સને પકડી લીધા

ગ્રામ પંચાયતની ચુંટણી અને ૩૧ ડીસેમ્બર અંતર્ગત પોલીસની બૂટલેગરો પર ધોંસ : રાજસ્થાન અને યુપીના શખ્સોને પકડી કુલ રૂ. ૨૭.૮૨ લાખનો મુદ્દામાલ કબ્જેઃ પીઆઇ જી. એમ. હડિયા, પીએસઆઇ વી. સી. પરમાર અને ટીમની કોન્સ. મહાવીરસિંહ ચુડાસમાની બાતમી પરથી કાર્યવાહી : જથ્થો હરિયાણાથી ભરી લાવ્યાઃ કોને આપવાનો હતો તેની તપાસ

રાજકોટ તા.૬:  આગામી ગ્રામ પંચાયતની ચુંટણી તથા ૩૧ ડીસેમ્બર અનુસંધાને દારૂ-જુગારની બદી નાબુદ કરવા અપાયેલી સુચના અંતર્ગત એરપોર્ટ પોલીસની ટીમ એરપોર્ટ ચેક પોસ્ટ પર ચેકીંગ દરમિયાન કોન્સ. મહાવીરસિંહ ચુડાસમાની બાતમી પરથી રૂ.૧૭ લાખ ૭૨ હજારનો દારૂ ભરેલા ટ્રક સાથે બે શખ્સને પકડી લેવાયા છે. દારૂનો જથ્થો ચોખાના કટ્ટા પાછળ છુપાવી રખાયો હતો. દારૂ તેમજ ટ્રક મળી કુલ રૂ. ૨૭,૮૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. દારૂ હરિયાણાથી ભરી લાવ્યાનું પકડાયેલા બંનેએ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

 પોલીસે ટ્રક નં. એમપી૦૬એચસી-૧૫૧૭ ઝડપી લઇ  ભગવાનદાસ ધનસિંગ કુશવાહ (ઉ.વ.૩૨, રહે. હૈદલપુર ગામ, તા.સૈપુ, જી.ઢોલપુર, રાજસ્થાન) તથા નરેશકુમાર મેગસિંગ કુશવાહ (ઉ.વ.૩૭, રહે. મુશલપુર ગામ, ખેરાગઢ, જી.આગ્રા ઉત્તર પ્રદેશ)ને પકડ્યા છે. ટ્રકમાંથી મેકડોવેલ્સ નં ૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજીનલ, ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી ૭૫૦ એમએલ નંગ - ૨૯૭૬ કિ. રૂ. ૧૧,૯૦,૪૦૦ તથા ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી ઓરીજીનલ, ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલી નંગ -૧૧૬૪ કિ. રૂ. ૫,૮૨,૦૦૦ મળી કુલ રૂ. ૧૭,૭૨,૪૦૦નો દારૂ તથા ૧૫૦ નંગ ચોખાના કટ્ટા કબ્જે કર્યા છે. આ ઉપરાંત ૧૦ લાખનો ટ્રક, બંને આરોપીના મોબાઇલ ફોન, રોકડ મળી કુલ રૂ. ૨૭,૮૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ઇન્ચાર્જ ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, એસીપી ઉત્તર એસ. આર. ટંડેલની સુચના અને રાહબરીમાં પો.ઇન્સ. જી.એમ.હડીયા સા. તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ વી. સી. પરમાર, હેડકોન્સ. કેશુભાઇ વાઝા, કોન્સ. દિવ્યરાજસિંહ ચુડાસમા, યશપાલસિંહ ઝાલા, મહાવીરસિંહ ચુડાસમા, યુવરાજસિંહ જાડેજા તથા કનુભાઇ ભમ્મરએ આ કામગીરી કરી છે. દારૂ કોણે મંગાવ્યો હતો? તેની વિગતો મેળવવા તજવીજ હાથ ધરાઇ છે.

(2:59 pm IST)