Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

એરપોર્ટ પાસે આવેલ જૈન બોર્ડીંગ- દેરાસર- ભોજન કક્ષ સ્કૂલને ભાડે દેવા હીલચાલ?

કિંમતી મિલ્કતના સોદા કે ભાડે આપવા ભરપુર પ્રયાસઃ ચેરીટીમાં પણ પી.ટી.આરનો કેસ પેન્ડીંગ

રાજકોટ,તા.૬: રાજકોટમાં અરેપોર્ટ રોડ પાસે આવેલ જૈન વિદ્યાર્થી બોર્ડીગ કોઈ શૈક્ષણિક સંસ્થાને ભાડે આપવા હિલચાલ થઈ હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે. આ આ પરિસરમાં ૨૫ વર્ષ જુનુ વિદ્યાર્થીઓ માટે બનાવેલ દેરાસર પણ આવેલું છે અને તેમાં બનેલ ભોજન કક્ષ પણ ભાડે આપવા માટેની વાત પણ છે. તેવા સમયે બોર્ડીગ સાથે સંકળાયેલ અગ્રણીઓ દ્વારા જ આ વાતનો વિરોધ કરાયો છે. ભાડે દેવા અંગેની ટ્રસ્ટી મંડળની મીટીંગ પણ ૨૪ કલાકના ટૂંકી નોટીસ પીરીયડથી મુંબઈ ખાતે બોલાવાય હોવાનું જૈન સમાજમાં ચર્ચાય રહ્યું છે.

જૈન સમાજમાંથી જાણવા મળતી વિગત મુજબ મિટીંગ પણ રજીસ્ટર્ડ ઓફીસે બોલાવાય નથી અને આ મિટીંગ ચેરમેન દ્વારા પણ ઓથોરાઈઝડ ન થઈ હોવાનું જાણવા મળે છે. આ અંગે મિટિંગ પહેલા ચેરીટી કમિશ્નર સમક્ષ અરજી પણ દાખલ કરવામાં આવશે. તેમ જાણવા મળ્યું છે.

ઘણા સમયથી મિલ્કત વેંચવા અથવા ભાડે આપવા પ્રયાસો થઈ રહ્યા છે. જેનાથી મુળ દાતાઓ અને જૈન વિદ્યાર્થીઓ માટેની આ સુવીધામાં દાન આપતા લોકો પણ ખુબ જ નારાજ હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ ખાતેની  બિલ્ડીંગનું જુનુ મકાન જે ત્રણ પ્લોટ પર બનેલું છે તેને અત્યાર સુધી વેચાણ આપી દેવાની વાત હતી જે સામે અને અત્યારના ટ્રસ્ટી મંડળની ૨૦૧૭ ની ચુંટણી સામે સંયુકત ચેરીટી કમિશ્નરશ્રી, રાજકોટની કચેરીમાં કેસ ફાઈલ થયેલ છે જેનો નીકાલ બાકી છે ત્યારે વેચાણની બાબત અટકી છે પરંતુ હવે તે ભાડે આપી દેવાની દરખાસ્તને ટ્રસ્ટ બોર્ડની મીટીંગમાં મંજુરી અપાઈ જવાનો નિર્ણય થઇ જશે તેવું જૈન સમાજના વિશ્વાસપાત્ર વર્તુળમાંથી જાણવા મળેલ છે.

મીટીંગ માટે ૨૪ કલાકની ટુંકી નોટીસ  મળેલ છે આવા અગત્યના નિર્ણય બાબત કોઈ પણ દરખાસ્ત ટ્રસ્ટીઓને અગાઉથી મોકલવામાં આવી નથી કે જાણકારી આપવામાં આવી નથી. તેમ પણ ચર્ચાય રહ્યું છે.

જૈન સમાજમાં ચર્ચા મુજબ સોદો લગભગ એક સ્કુલને પુરૂ મકાન ભાડે આપી દેવાનો નક્કી છે. એક વખત સ્કુલ આવે તો લાંબા ગાળા માટે જ આવે અને ટુંકા સમયનું એગ્રીમેન્ટ હોય તો પણ કયારેય ખાલી કરાવી શકાય નહીં. શાળાના વિદ્યાર્થીઓ અને વાલીમંડળો શાળા બંધ ન જ થવા દે. આવા સમયે સરકારશ્રીની તરફદારી પણ સ્કુલ મેનેજમેન્ટ તરફ જ હોય. જાણ મુજબ શાળાના સંચાલકો રાજકીય રીતે વગદાર અને અન્ય જગ્યાએ રાજકોટમાં શાળાઓનું સંચાલન કરે છે. પ્રોપર્ટી ટેક્ષ પણ વધે. ભાડાની આવક પણ ટેકસેબલ થાય.

મળેલી ટ્રસ્ટીબોર્ડની મીટીંગ માટેની નોટીસ ટુંકા સમયની હોય ગેરકાયદે છે. અન્યથા ચેરીટી કમિશ્નરશ્રીની કચેરીમાં ચુંટણી ચેલેન્જ થઈ હોય, અત્યારના ટ્રસ્ટી મંડળને આવા અગત્યના જેની અસર સંસ્થાના વહીવટ પર કાયમી અસર કરે તેવા નિર્ણય કરવાનો અધિકાર મળતો નથી. તેવો પણ ગણગણાટ જૈન સમાજમાં છે.

આ બાબત સંસ્થાના સભ્યશ્રી તથા સમાજના દાતાઓ તેમજ શ્રષ્ઠીઓને જાગૃત થવા અને સમાજની એકમાત્ર મહત્વની મિલ્કત હાથમાંથી જતી ન રહે તેવુ કરવા પણ જૈન સમાજમાંથી સુર ઉઠયો છે. ભાડુ કદાચ કાયમ મળે તો પણ કિમતી મિલ્કત હાથમાંથી જતી રહશે. બહુ જ નજીકના ભૂતકાળમાં આપણે વિદ્યાર્થી આવાસ માટે વધારાની જરૂરીઆત લાગી અને નવુ મકાન દાતાશ્રીઓની ઉદારતાથી ઊભુ કર્યુ હોય તેનો પણ વિશ્વાસભંગ થતો હોવાનો પણ જૈન સમાજમાં રોષ છે. લગભગ ૧૨૦ વિદ્યાર્થીઓની સંખ્યા આજે લગભગ ૬૦ સુધી આવી ગઈ છે તે હાલના વહીવટનું પ્રતિબિંબ પાડતુ હોવાનું પણ જૈનોમાં ચર્ચાઈ રહ્યું છે.

(1:19 pm IST)