Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ઇસ્કોનના મુખ્ય ગુરૂ પૂ. ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજ શુક્રવારે રાજકોટમાં : કાલાવડ રોડ મંદિરે સાંજે પ્રવચન

રાજકોટ તા. ૬ : વિશ્વભરમાં ૮૦૦ થી વધારે મંદિરો ધરાવતા ઇસ્કોન પરિવારના મુખ્ય ગુરૂ શ્રી ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજ આગામી તા. ૮ ના શુક્રવારે રાજકોટ આવી રહ્યા છે. અહીંના કાલાવડ રોડ પર આવેલ ઇસ્કોન મંદિરે સાંજે ૭ થી ૯ તેમનું જાહેર પ્રવચન રાખવામાં આવ્યુ છે.

ઇસ્કુોનના કાર્યકારી વ્યવસ્થાપક મંડળ (જીબીસી) ના પ્રધાન પ્રમુખ એવા પૂ. ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજ વિશ્વના અનેક દેશોમાં કોઇપણ જાતના દેશભેદ, જાતિભેદ, રંગભેદ વિના યુવા લોકોને તેમજ સૌને નશાખોરી તેમજ અન્ય ગેરલતોમાંથી ઉગારી શુધ્ધ સાત્વિક જીવન જીવવાની સનાતન પધ્ધતિ, વૈદિક વિવાહ, ઇત્યાદિ જેવા કૃષ્ણભકિતના વિવિધ પાસાઓનું શિક્ષણ પ્રદાન કરી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.

પૂ. ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજનો જન્મ ૧૪ ઓગષ્ટ ૧૯૪૪ ના દિલ્હીમાં ગોપાલકૃષ્ણ ખન્ના તરીકે થયો હતો. દિલ્હી વિશ્વવિદ્યાલયમાં સ્નાતક કર્યા પછી તેમણે ફ્રાંસમાં અધ્યયન કરેલ. બાદમાં મોંટરીયલમાં મૈકગિલ વિશ્વવિદ્યાલયમાં વ્યવસાય પ્રશાસનનો અભ્યાસ કરેલ. મે ૧૯૬૮ માં તેઓ ટોરંટો (અમેરીકા) માં રહેતા હતા ત્યારે પ્રથમ જુન ૧૯૬૮ માં તેઓ શ્રીલ પ્રભુપાદ (ઇસ્કોન સંસ્થાપક આચાર્ય) ને મળ્યા. માત્ર બે અઠવાડીયાના સંપર્કથી તેઓ એટલા પ્રભાવિત થયા કે શ્રીલ પ્રભુપાદજીને પોતાના આધ્યાત્મિક ગુરૂ તરીકે ધારણ કર્યા. શ્રીલ પ્રભુપાદજીએ તેમને શિષ્ય તરીકે સ્વીકારી ગોપાકૃષ્ણદાસ  નામ આપ્યુ. વર્ષો સુધી શ્રીલ પ્રભુપાદજીના સચિવ તરીકે કાર્ય કરતા રહ્યા. પુસ્તક પ્રચાર પ્રસારનું કામ મોટાપાયે સંભાળ્યુ. સને ૧૯૭૬ માં શ્રીલ પ્રભુપાદજીએ ગોપાલકૃષ્ણ સ્વામીને રશિયાના જીબીસી તરીકે નિયુકત કર્યા. સને ૧૯૮૧ માં તેઓએ સન્યાસ ગ્રહણ કર્યો.

સન્યાસ ગ્રહણ કર્યા બાદ દુનિયાભરમાં પરીભ્રમણ કર્યુ. હાલ દિલ્હી, મુંબઇ, વૃંદાવન, માયાપુર, ચંડીગઢ, કેનેડા, ઉત્તર અમેરીકા, રશિયાના અમુક હિસ્સા સહીત ચીન, અખાતિ પ્રદશે, આફ્રિકા, પાકિસ્તાન જેવા ઘણા દેશ અને ક્ષેત્રોના જીબીસી છે.

ઉપરાંત તેઓ વિશ્વના મોટાપ્રકાશક અને વૈદિક સાહિત્યનું વિતરણ કરનાર ભકિતવેદાંત બૂક ટ્રસ્ટના અધ્યક્ષ અને ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે.

આવી દિવ્ય વિભુતિ રાજકોટ ઇસ્કોન મંદિરના આંગણે પધારી રહી છે. ત્યારે તેમના સત્સંગનો ધર્મપ્રેમીજનોએ લ્હવો લેવા જાહેર અનુરોધ કરાયો છે. વધુ માહીતી માટે શ્રી શ્રી રાધા નીલમાધવ ધામ, ઇસ્કોન મંદિર, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા નયનભાઇ ભટ્ટ મો.૯૫૫૮૨ ૪૪૮૭૪ નો સંપર્ક કરવા શ્રી વૈષ્ણવસેવા દાસજીની યાદીમાં જણાવાયુ છે.

(1:17 pm IST)